ગોવંડીમાં રેલફ્રેકચર, પ્રવાસીઓને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવામાં હાલાકી

આમચી મુંબઈ

બીજા દિવસે હાર્બર લાઈનમાં ટ્રેનસેવા ખોટકાઈ

અપાર હાલાકી…:ગોવંડી રેલવે સ્ટેશન નજીક રેલવેના પાટામાં તિરાડ પડ્યા પછી હાર્બર લાઈનના વિવિધ સ્ટેશન પર પિક અવર્સમાં પ્રવાસીઓની હકડેઠઠ ભીડ જોવા મળી હતી, જેમાં પનવેલ સ્ટેશન પર ટ્રેન આવ્યા પછી બંને બાજુ પ્રવાસીઓની ભીડ કિડીયારાની માફક જોવા મળી હતી.(પીટીઆઈ ફોટો)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાર્બર લાઈનમાં ગોવંડી રેલવે સ્ટેશન નજીક રેલ ફ્રેક્ચરને કારણે સતત બીજા દિવસ દરમિયાન હાર્બરમાં લોકલ ટ્રેનસેવાને અસર થઈ હતી, પરિણામે ટ્રેનોમાં ટ્રાવેલ કરવાનું પ્રવાસીઓ માટે બુધવારે પણ હાલાકીભર્યું રહ્યું હતું.
બુધવારે સવારના ૭.૫૦ વાગ્યાના સુમારે ગોવંડી રેલવે સ્ટેશન નજીક રેલવેના પાટામાં તિરાડ પડી હતી, પરિણામે નવી મુંબઈ અને પનવેલ દિશામાં જનારા પ્રવાસીઓને ટ્રાવેલ કરવાનું મુશ્કેલીજનક રહ્યું હતું. રેલવેના પાટામાં તિરાડ પડ્યા પછી મરમ્મતની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી, જેમાં સવારના ૮.૩૦ વાગ્યાના સુમારે રેલવે ટ્રેક સેફ હોવાનું પુરવાર થયા પછી ટ્રેનસેવા ચાલુ કરવામાં આવી હતી. આમ છતાં દિવસભર લોકલ ટ્રેનોની સર્વિસીસ અડધો કલાક મોડી દોડતી રહી હતી, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારેૉ જણાવ્યું હતું.
રેલવેના પાટામાં તિરાડ પડવા મુદ્દે મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે વાતાવરણમાં પલટો આવવાને કારણે પાટામાં સંકોચનનું પ્રમાણ રહે છે, તેથી પાટામાં તિરાડ પડી શકે છે. પીક અવર્સમાં ટ્રેનસેવા ખોટકાવવાને કારણે સીએસએમટીથી લઈને પનવેલ સેક્શનના મોટા ભાગના સ્ટેશનોમાં પ્રવાસીઓની હકડેઠઠ ભીડ હતી, જ્યારે ટ્રેનો પણ પ્રવાસીઓની ગીચતા જોવા મળી હતી, તેથી પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવાનું હાલાકીભર્યું રહ્યું હતું, એમ નવી મુંબઈના રહેવાસી રોહન પાંડેએ જણાવ્યું હતું.
મંગળવારે સીએસએમટીમાં પનવેલ લોકલ ટ્રેનના એક કોચના ડિરેલમેન્ટને કારણે લોકલ ટ્રેનસેવા ખોટકાઈ હતી. સોમવારે રાતના ટ્રાન્સહાર્બર લાઈનમાં ઐરોલીમાં ઓવરહેડ ઈલેક્ટ્રિ વાયર-ઓએચઈ તૂટવાને કારણે પણ ટ્રેનસેવા પર અસર પડી હતી. વધી રહેલા ફેઈલ્યોરના કિસ્સાને કારણે પ્રવાસીઓને પારાવાર હાલાકી પડી રહી છે, તેથી સમગ્ર સેક્શનમાં રેગ્યુલર ઈન્સ્પેક્શન કરવાનું જરૂરી છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
હાર્બર લાઈનમાં ફક્ત સ્લો કોરિડોર હોવાને કારણે દર વખતે ટેક્નિકલ ફેઈલ્યોર વખત સમગ્ર કોરિડોરમાં ટ્રેનસેવા બંધ થઈ જાય છે, તેથી વૈકલ્પિક કોરિડોર તૈયાર કરવાનો સમય પાકી ગયો છે, એવું સંગઠને જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.