સતત બીજા દિવસે હાર્બરની રેલસેવા ખોટકાઈ! ગોવંડી નજીક થયું હતું રેલ ફ્રેક્ચર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

બુધવારે ગોવંડી સ્ટેશન નજીક રેલ ફ્રેક્ચરને કારણે મુંબઈની હાર્બર લાઇન પરની લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી, એમ સેન્ટ્રલ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. ગોવંડી સ્ટેશન નજીક રેલ ક્રેકને કારણે ડાઉન (પનવેલ-બાઉન્ડ) લાઇન પરની ઉપનગરીય સેવાઓ લગભગ 40 મિનિટ માટે અટકાવી દેવામાં આવી હતી, એમ તેમણે ઉમેર્યું હતું. ટ્રેન સેવા ખોરવાઇ જવાને કારણે સવારના ભીડભાડવાળા સમયે મુસાફરોને કામધંધે પહોંચવામાં ભારે વિલંબ થયો હતો. કેટલાક મુસાફરોના જણાવ્યા પ્રમાણે ટ્રેન સેવા ખોરવાઇ જવાને કારણે સ્ટેશન પર અને લોકલ ટ્રેનોમાં લોકોની ભીડ વધી ગઇ હતી. રેલવે ટ્રેકના સમારકામ પછી ટ્રેન સેવા ફરીથી શરૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે હાર્બર લાઈન દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ અને પનવેલને અડીને આવેલા રાયગઢ જિલ્લામાં રેલ જોડાણ પૂરું પાડે છે.
મંગળવારે દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં હાર્બર લાઇન પરની સેવાઓને અસર થઈ હતી. તેવામાં આજે ફરી ભીડના સમયમાં હાર્બર લાઇનનો રેલ વ્યવહાર ખોરવાતા પ્રવાસીઓને ફરીથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.