Homeદેશ વિદેશગુજરાતમાં ૨૦૦ સ્થળે દરોડા

ગુજરાતમાં ૨૦૦ સ્થળે દરોડા

અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર, ભાવનગરમાં એટીએસ, જીએસટીની ટીમ ત્રાટકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ત્રાસવાદ-વિરોધી ટુકડી (એટીએસ) અને જીએસટીની ટીમ દ્વારા સાથે મળીને અંદાજે ૨૦૦ સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. એટીએસ અને જીએસટીએ અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૯૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયે જ એટીએસ અને જીએસટીની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે.૧૨૨ કંપની સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર બાદ તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ચૂંટણી પહેલા રાજ્યમાં દેશવિરોધી પ્રવૃત્તિ અને આર્થિક નુકસાન પહોંચાડતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં એટીએસ અને જીએસટી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
હતું. રાજ્યભરમાં અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં અલગ અલગ ૧૫૦થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી ૯૦થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. બોગસ બિલિંગમાં કરોડોની ગેરરીતિ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત આ ટીમો દ્વારા રાજકારણીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટાણે જ દરોડા પડયા હોવાથી રાજકીય ક્ષેત્રે સનસનાટી મચી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની ઇકો સેલ દ્વારા રાજ્યમાં સૌથી મોટા જીએસટી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં સુરત ઉપરાંત રાજ્યના અનેક શહેરોમાંથી ૨૦૦ કરોડથી વધુનું જીએસટી ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. ત્યારે આ ૨૦૦ કરોડના જીએસટી કૌભાંડનો મામલો સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બોગસ બિલિંગની બાતમીને લઇને સુરત પોલીસ દ્વારા સુરત, ભાવનગર, અમદાવાદ, મોરબી અને રાજકોટ સહિતના શહેરોમાં ઓપરેશન જીએસટીના નામે દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. આમ તપાસમાં અત્યાર ૧૨૬૦ બોગસ બિલિંગ થકી ૧૭૦ કરોડનો ઇનપુટ ક્રેડિટ મેળવી સરકારને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. વધુમાં ડીજીવીસીએલ અને ટોરેન્ટોના બોગસ બિલિંગ કરીને કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું પણ ઉઘાડું પડ્યું હતું. આલમ શેખ, સુફિયન કાપડિયા, ઉસ્માન બગડા આ પ્રકરણના મુખ્ય સુત્રધાર સહિત કુલ ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઇકોસેલ દ્વારા સુરતથી ઝડપી પાડેલ આઠ જેટલી ડમી કંપનીઓની ખરાઈ કર્યા બાદ તેની તપાસ કરતાં આ ડમી પેઢીઓના નામે જીએસટી લાયસન્સ મેળવવામાં આવ્યું હતું. ડમી પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સરકાર સામે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી. આ તમામ પેઢીમાં ડમી વ્યકિતઓના નામ, ફોટાનો ઉપયોગ કરી નકલી પેઢીના નામે જીએસટી નંબર મેળવ્યો હોવાનું જણાય આવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular