મુંબઈની કંપનીઓ પર દરોડા: ૪૩૧ કિલોગ્રામ સોનું, ચાંદી જપ્ત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સોનું જપ્ત: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા બુધવારે બૅન્ક લૉન કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલી પારેખ એલ્યુમિનેક્સ સામેના કેસ સાથે સંકળાયેલી રક્ષા બુલ્યન અને ક્લાસિક માર્બલ્સની ઓફિસોમાંથી સોનાની લગડીઓ જપ્ત કરવામાં આવી હતી. (પી.ટી.આઇ)

નવી દિલ્હી: બૅન્ક લોન ફ્રોડના કથિત કેસ સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ બુધવારે મુંબઈની બુલ્યન કંપનીના લૉકર્સમાંથી ૪૩૧ કિલોગ્રામ સોનું, ચાંદી જપ્ત કર્યાં હતાં. પારેખ એલ્યુમિનેક્સ નામની કંપની સામેના કેસના સંબંધમાં મુંબઈની રક્ષા બુલ્યન અને ક્લાસિક માર્બલ્સનાં ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા તેવું ઇડીએ એક નિવેદનમાં કહ્યું હતું. બુલ્યન કંપનીનાં ઠેકાણાં પરથી કેટલાંક પ્રાઇવેટ લૉકર્સની ચાવીઓ મળી આવી હતી. પ્રાઇવેટ લૉકર્સની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યોગ્ય ધારાધોરણના પાલન વગર લૉકર્સનું સંચાલન કરવામાં આવતું હતું. કેવાઇસીનું પાલન કરવામાં નહીં આવતું હતું. સ્થળ પર સીસીટીવી કેમેરા નહીં હતા તથા ઇન-આઉટ રજિસ્ટર પણ રાખવામાં આવ્યું ન હતું. આ સ્થળે ૭૬૧ લૉકર્સ હતાં, જેમાંથી ત્રણ રક્ષા બુલ્યનના હતાં તેવું ઇડીએ કહ્યું હતું. બે લૉકરમાંથી ૯૧.૫ કિલોગ્રામ સોનું (ગોલ્ડ બાર્સ) અને ૧૫૨ કિલોગ્રામ ચાંદી મળી હતી જે જપ્ત કરવામાં આવ્યું છે. રક્ષા બુલ્યનના પ્રિમાઈસિસમાંથી વધુ ૧૮૮ કિલોગ્રામ ચાંદી જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલાં સોના અને ચાંદીનું કુલ મૂલ્ય રૂ. ૪૭.૭૬ કરોડ હતું તેવું ઇડીએ કહ્યું હતું.
પારેખ એલ્યુમિનેક્સ સામેનો મની લોન્ડરિંગ કેસ માર્ચ, ૨૦૧૮નો છે. કંપનીએ બૅન્કોને છેતરીને રૂ. ૨૨૯૬.૫૮ કરોડની લોન લીધી હતી તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ નાણાં કથિત રીતે વિવિધ કંપનીઓના નામમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં.
આજ કેસના સંદર્ભમાં ઇડીએ વર્ષ ૨૦૧૯માં રૂ. ૨૦૫ કરોડથી વધુ મૂલ્યની સંપત્તિ પર ટાંચ મૂકી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.