નાગરિકનાં ખિસ્સાં પર તરાપ

આમચી મુંબઈ

રિક્ષાનાં ભાડામાં ત્રણ રૂપિયા જ્યારે ટેક્સીમાં ચારનો વધારો થશે

મુંબઈ: રિક્ષાના ભાડામાં ત્રણ રૂપિયા જ્યારે ટેક્સીના ભાડામાં ચારનો વધારો હોવાની માહિતી પરિવહન વિભાગનાં સૂત્રોએ આપી હતી. આને કારણે હવે સામાન્ય નાગરિકોનાં ખિસ્સાંને ફટકો બેસવાનો છે.
ઇંધણના ભાવમાં થયેલા વધારાને કારણે રિક્ષા, ટેક્સી વ્યવસાય પર અસર થઇ હોવાથી આવક કરતાં ખર્ચ વધુ થતો હોવાનું ટેક્સીચાલકો કહી રહ્યા છે. છેલ્લા અનેક મહિનાઓથી ભાડાવધારાની માગણી પેન્ડિંગ છે. આગામી અઠવાડિયામાં આ પેન્ડિંગ માગણી પર ઉકેલ કાઢવામાં આવે એવી શક્યતા છે. મોંઘવારી વધી હોવાથી હવે ફરી એક વાર રિક્ષા, ટેક્સીમાં ભાડાવધારો કરવામાં આવે એવી શક્યતા છે.
સીએનજી ગેસના ભાવ મોટા પ્રમાણમાં વધ્યા છે. આ ઉપરાંત મોંઘવારીમાં પણ વધારો થયો હોવાથી ટેક્સી સંગઠનોએ પ્રવાસભાડાંમાં વધારો કરવાની માગણી કરી છે. આ અંગે રિક્ષા, ટેક્સી સંગઠને અને પરિવહન વિભાગની બેઠક થઇ હતી. આ બેઠકમાં ભાડાવધારા અંગે નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. કોરોના લોકડાઉન બાદ સામાન્ય સ્થિતિ ફરી પાટે ચડી છે. જોકે અમુક મહિનાઓથી પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થયો છે. રાજ્ય સરકારે બજેટમાં સીએનજી ગેસના ભાવમાં ઘણો વધારો કર્યો છે. હાલમાં સીએનજી ગેસનો ભાવ ૮૦ રૂપિયા પર પહોંચી ગયો છે. રાજ્યમાં મોટા ભાગની રિક્ષા અને ટેક્સીઓ સીએનજી આધારિત છે. આને કારણે ભાડાવધારાનો ફટકો રિક્ષા-ટેક્સી ચાલકોને બેઠો છે. આ માટે જ રિક્ષા-ટેક્સી ફેરમાં વધારો કરવાની માગણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ટેક્સીનું મિનિમમ ભાડું પચ્ચીસ અને રિક્ષાનું ૨૧ છે, જ્યારે ટેક્સી સંગઠને પાંચ રૂપિયાનો વધારો માગ્યો હોવાથી તેનું ભાડું ૩૦ થાય એવી શક્યતા છે. જોકે ટેક્સીના ભાડામાં ચાર રૂપિયાનો વધારો કરવામાં આવશે, જ્યારે રિક્ષાના ભાડામાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવે એવી શક્યતા છે, એવું પરિવહન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.