રાહુલ-પ્રિયંકાને હવે યાદ આવ્યો લઠ્ઠાકાંડ: ઘટનાના પાંચ દિવસ બાદ ટ્વીટ કરી

આપણું ગુજરાત

વિલાપ: કૉંગ્રેસની મહિલા વીંગે લઠ્ઠાકાંડના પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના આપી હતી. (વિપુલ હિરાણી)
—-
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કૉંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતા અને સાંસદ રાહુલ ગાંધી તેમ જ પ્રિયંકા ગાંધીએ ગુજરાતમાં બનેલા લઠ્ઠાકાંડ મામલે શુક્રવારે ટ્વીટ કરી રાજ્ય સરકારની ટીકા કરી હતી. જોકે લઠ્ઠાકાંડ અને તેનાથી થતા મૃત્યુની ખબરો સોમવારે મોડી સાંજથી ફેલાવા લાગી હતી ત્યારે બન્ને નેતાઓએ પાંચ દિવસ બાદ મૃતકો બદલ દુખ વ્યક્ત કર્યું હતું. રાહુલે ટ્વીટ કર્યું હતું કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં શરાબ પીવાથી ઘણાં ઘર ઉજડી ગયા. અહીં લગાતાર અરબો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. બાપુ ને સરદારની ધરતી પર કોણ આ નશાનો વેપાર કરી રહ્યો છે અને આ માફિયાઓને કઈ સત્તાધારી પાર્ટી સંરક્ષણ આપી રહી છે. જ્યારે પ્રિયંકાએ લખ્યું હતું કે ઝેરી શરાબને લીધે ૪૫થી વધારે લોકોનાં મૃત્યુ થયાં. શરાબબંધીનું લેબલ લગાવી આવા ગેરકાયદે કામને રક્ષણ સરકારના કોણ લોકો આપે છે. ભાજપ સરકાર આવા સવાલોના જવાબ આપવાથી ભાગી રહી છે. જોકે આ બન્ને નેતાઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં મોડું કર્યું છે. હાલમાં નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ તેમ જ કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ ચાલી રહી છે. ત્યારે ગાંધી ભાઈ-બહેનોએ ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખી ટ્વીટ તો કરી છે, પરંતુ મોડું કરી દીધું છે.

લઠ્ઠાકાંડ દ્વારા ભાજપ સરકાર-ગૃહ
વિભાગની પોલ ખૂલી: કૉંગ્રેસ
બોટાદ લઠ્ઠાકાંડ બાદ કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કર્યો હતો કે આ તમામ માટે ભાજપ જવાબદાર છે. વર્ષ ૨૦૦૯માં અમદાવાદમાં સૌથી લઠ્ઠાકાંડમાં ૧૪૬ મોત અને ૫૪૧ અસરગ્રસ્ત હતા. નાગરિકોએ આંખો સહિતના અંગો ગુમાવ્યા હતા. અસામાજિક તત્ત્વોએ ખેલ ખેલ્યો છતાં સરકારે તેમાંથી કોઈ શીખ ન લીધી જસ્ટિસ મહેતા કમિશને આપેલ અહેવાલમાં ભાજપ સરકારને ફટકાર લગાવી હતી. જસ્ટિસ મેહતા કમિશનની ભલામણોને લાગુ ન કરતા બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો. બોટાદમાં સતાવાર ૪૨ અને બિનસત્તાવાર ૭૫ લોકો હોમાઈ ગયા તેવા સંજોગોમાં સરકાર કહે છે કે આ કેમિકલ કાંડ છે જ્યારે એફઆઈઆરમાં દારૂના ગુના અંગેની કલમ લગાવી છે. કેમિકલ કાંડની વાતો કરતી ભાજપ સરકાર મિથેનોલ- કેમિકલનાં એક્સાઇઝના કર્મચારી પર કેમ કાર્યવાહી કરતી નથી, તેવો સવાલ પણ કૉંગ્રેસે કર્યો હતો. સુરતનો લઠ્ઠાકાંડ અને બોટાદમાંથી શીખ ન લીધી જેના કારણે ૨૦૨૨માં ૪૨થી વધુ જિંદગી હોમાઈ ગઈ. આ ઘટનામાં વિજિલન્સ અધિકારી પણ જવાબદાર બને છે. ઉે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.