પંજાબમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન પંજાબના હોશિયારપુરમાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ખામી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે . જાણકારી મુજબ એક યુવક ભીડમાં ઘૂસી ગયો હતો અને તેણે અચાનક રાહુલ ગાંધીને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગ અને ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ યુવકનો પીછો કર્યો હતો. અધિકૃત માહિતી મુજબ તે વ્યક્તિ સુરક્ષા કોર્ડન તોડીને રાહુલ ગાંધીની નજીક પહોંચી ગયો હતો.
આ ઉપરાંત હોશિયારપુરના બસ્સી ગામમાં જ્યારે યાત્રા ચાના બ્રેક માટે રોકાઈ ત્યારે પણ એક યુવક રાહુલ ગાંધીની ખૂબ નજીક આવ્યો હતો, જેને સુરક્ષાકર્મીઓએ પાછળથી હટાવી દીધો હતો. આ બંને ઘટના 35 મિનિટની અંદર બની હતી. આ ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે આટલી કડક સુરક્ષા તોડીને પણ વ્યક્તિ રાહુલ ગાંધીની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયો.
આ મામલે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીની સુરક્ષામાં કોઈપણ પ્રકારની ખામી નથી. તેમનો એક ચાહક તેમને ગળે લગાવવા આવ્યો હતો. તેનો ઈરાદો ખરાબ નહોતો.
કડકડતી ઠંડીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા મંગળવારે સવારે પંજાબના ટાંડાથી ફરી શરૂ થઈ હતી. કોંગ્રેસની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની કૂચનો પંજાબ તબક્કો બુધવારે ફતેહગઢ સાહિબના સરહિંદથી શરૂ થયો હતો. કોંગ્રેસના પંજાબ યુનિટના વડા અમરિન્દર સિંહ રાજા વડિંગ, હરીશ ચૌધરી અને રાજકુમાર ચબ્બેવાલ સહિતના વરિષ્ઠ પક્ષના નેતાઓ રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા હતા. આ યાત્રાએ રાત્રે મુકેરીયામાં વિશ્રામ કર્યો હતો. રાહુલ ગાંધી ફરી એકવાર સફેદ ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. તેઓ મહિલાઓના જૂથને મળ્યા હતા અને તેમની સાથે ફોટો પણ પડાવ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમની યાત્રાને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે બેરોજગારી અને મોંઘવારી મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર પર નિશાન સાધ્યું હતું.
તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં પૂરી થશે, જ્યાં રાહુલ ગાંધી જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાનીમાં ત્રિરંગો ફરકાવશે. આ પદયાત્રા અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાંથી પસાર થઈ છે.