એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
રાહુલ ગાંધીમાં રાજકીય પરિપક્વતાનો અભાવ છે એ વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ. બ્રિટનના પ્રવાસમાં રાહુલે ભારતમાં લોકશાહી ખતમ થઈ રહી હોવાનો બળાપો કાઢીને અપીલ કરી કે, યુરોપ અને અમેરિકાએ ભારતમાં લોકશાહીને બચાવવા દખલગીરી કરવી જોઈએ. બ્રિટિશ સંસદમાં ગ્રાન્ડ કમિટી રૂમમાં સો જેટલા હાઈ પ્રોફાઈલ લોકોની વચ્ચે રાહુલે કહ્યું કે, ભારતમાં વિપક્ષ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. એક ભારતીય લીડર કેમ્બ્રિજમાં પોતાની વાત કહી શકે છે. હાર્વર્ડમાં બોલી શકે છે પણ ભારતીય યુનિવર્સિટીમાં પોતાની વાત રજૂ કરી શકતા નથી.
રાહુલે કહ્યું કે, ભારતમાં વિપક્ષનો અવાજ દબાવી દેવામાં આવે છે. નોટબંધી ભારતમાં વિનાશકારી નાણાકીય નિર્ણય હતો પણ અમને એ મુદ્દે ચર્ચા કરવાની મંજૂરી ન મળી. ચીનના સૈનિકોના ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાના મુદ્દે પણ ચર્ચા કરવાની મંજૂરી નથી અને આ સ્થિતિમાં અમને ગૂંગળામણનો અનુભવ થાય છે.
રાહુલ ગાંધીએ બીજી પણ ઘણી વાતો કરી ને તેનો સાર એ છે કે, ભારતમાં વિપક્ષોની આઝાદી છિનવાઈ ગઈ છે. રાહુલે જે પણ વાત કરી એ સાચી છે કે નહીં તેની ચર્ચા કરતા નથી પણ માનો કે સાચી હોય તો પણ તેની ચર્ચા આ દેશમાં થવી જોઈએ, વિદેશમાં આ મુદ્દે લવારા કરવા પરિપક્વતા નથી. બીજું એ કે, ભારતમાં લોકશાહી નબળી પડતી હોય તો પણ અમેરિકા કે બીજા કોઈ દેશને દખલનો અધિકાર જ નથી. આ દેશમાં લોકશાહીના જતનની જવાબદારી લોકોની છે, વિપક્ષોની છે, મીડિયાની છે ને તમામની છે. માનો કે શાસક પક્ષ કોઈને ગાંઠતો નથી તો કૉંગ્રેસ પોતે તેના માટે પૂરી તાકાતથી લડે, લોકોનો સાથ લે પણ બીજા દેશોને ભારતમાં દખલગીરી કરવાનું કહેવું એ રાષ્ટ્રદ્રોહ કહેવાય.
રાહુલે આ બધો બળાપો કેમ કાઢ્યો એ કહેવાની જરૂર નથી પણ રાહુલ ગાંધી એક વાત ભૂલી જાય છે કે, ભાજપના સર્વોપરિતાનો સમય હોવા છતાં આ દેશમાં ઘણા મજબૂત વિપક્ષી નેતાઓ છે કે જે માત્ર પોતાનો અવાજ જ નથી બુલંદ કરી રહ્યા પણ ભાજપની સામે ટક્કર ઝીલીને પોતાનું રાજકીય કદ પણ વધારી રહ્યા છે. આ પૈકી ઘણા નેતા જૂના છે જ્યારે ઘણ તો છેલ્લા એક-દોઢ દાયકામાં જ ઉભર્યા છે. કે.એમ. સ્ટાલિન, નીતિશ કુમાર, લાલુ પ્રસાદ યાદવ, નવિન પટનાઈક, હેમંત સોરેન, અખિલેશ યાદવ વગેરે પોતે અથવા તેમની પાર્ટી છેલ્લા બે-ત્રણ દાયકાથી રાજકીય વર્ચસ્વ ધરાવે છે. ભાજપે તેમને ખતમ કરવા પણ ઓછા પ્રયત્નો નથી કર્યા પણ એ લોકો ભાજપને ટક્કર આપીને પણ ટકી ગયા છે.
બીજી તરફ કે. ચંદ્રશેખર રાવ, મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, જગન મોહન રેડ્ડી વગેરે તો છેલ્લા એક-દોઢ દાયકામાં ઉભર્યા છે. આ દરેક નેતાની સીધી ટક્કર ભાજપ સાથે છે ને છતાં ભાજપ તેમને પછાડી શક્યો નથી. મમતાને હરાવવા ભાજપે શું શું નથી કર્યું? કેજરીવાલને પછાડવા માટે તો ભાજપ હાથ ધોઈને પાછળ જ પડી ગયો છે છતાં તેમનું રાજકીય અસ્તિત્વ ખતમ કરી શક્યો નથી.
કેજરીવાલના કિસ્સામાં તો ભાજપ જેમ જેમ વધારે મથે છે તેમ તેમ કેજરીવાલ વધારે મજબૂત થાય છે. પહેલાં એકલા દિલ્હીમાં સરકાર હતી. હવે દિલ્હી અને પંજાબ બે રાજ્યોમાં છે ને ગુજરાત જેવા ભાજપના ગઢ મનાતા પણ આમ આદમી પાર્ટી ઘૂસી જ ગઈ છે. મમતા, કેજરીવાલ, કેસીઆર, તેજસ્વી વગેરેને દબાવવા ભાજપ સરકાર કંઈ પણ કરે તો પણ તેમનો અવાજ લોકો સુધી પહોંચે જ છે ને લોકો તેમને પસંદ પણ કરે જ છે. એ સિવાય કઈ રીતે મમતા કે કેસીઆર ફરી ચૂંટાય? કેજરીવાલ કઈ રીતે દિલ્હીની બહાર નિકળીને પંજાબમાં પણ સરકાર રચી શકે ને ગુજરાતમાં ઘૂસ મારી શકે? ને કૉંગ્રેસ પણ જીતે જ છે ને? પાંચ વર્ષ પહેલાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં કૉંગ્રેસ જીતી હતી. ચાર મહિના પહેલાં હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસ જીતી જ છે. લોકો સુધી અવાજ ના પહોંચતો હોય તો કૉંગ્રેસ જીતી કઈ રીતે?
રાહુલ બીજી વાત પણ ભૂલી જાય છે કે, સંસદ જ અવાજ ઉઠાવવાનો મંચ નથી. સંસદ જનપ્રતિનિધિઓ માટેનું ગૃહ છે અને સંસદમાં કંઈ પણ બોલી શકાય છે એ સાચું પણ માનો કે સરકાર વિપક્ષોનો અવાજ દબાવતી હોય તો બીજા પ્લેટફોર્મ છે જ. મીડિયા વેચાઈ ગયું છે એવું રાહુલને લાગે છે તો સોશિયલ મીડિયા તો છે ને? સોશિયલ મીડિયા પર જે કહેવું હોય એ કહી શકાય.
જો કે સૌથી મોટું પ્લેટફોર્મ તો લોકો પોતે જ છે. એ પ્લેટફોર્મનો ઉપયોગ કરો તો બીજા કશાની જરૂર જ નથી. લોકોની વચ્ચે જઈને તમારે જે વાત કરવી હોય એ કરી જ શકો ને તેમાં તમારો અવાજ કોઈ દબાવતું નથી. રાહુલે છ મહિના લગી ભારત જોડો યાત્રા કાઢી તો કોણ તેમને રોક્યા ને કોણ અવાજ દબાવ્યો?
રાહુલ ગાંધીની હાલત ‘નાચ ના જાને આંગન ટેઢા’ જેવી છે. રાહુલ અને તેમની પાર્ટી લોકો સાથે સીધો સંપર્ક ગુમાવી બેઠી છે. એ સંપર્ક ફરી સ્થાપિત કરવા તેમણે કશું કરવું નથી ને બીજી વાતો કર્યા કરે છે. રાહુલે પોતે ભારત જોડો યાત્રા કાઢીને લોકો સાથે સીધો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો એ સારું કહેવાય પણ રાહુલના પગલે ચાલીને કેટલાં રાજ્યોમાં કૉંગ્રેસની લોકો સાથે સીધા સંપર્કની યાત્રા નીકળી? કર્ણાટકમાં ચૂંટણી આવી છે એટલે યાત્રા નીકળી, બાકી ક્યાંય નહીં.
રાહુલે આત્મમંથન કરવાની જરૂર છે. સત્તામાં બેઠેલા લોકો તો વિપક્ષોનો અવાજ દબાવવા પ્રયત્ન કરવાના જ પણ વિપક્ષે પોતાનો અવાજ બુલંદ કરવો પડે તો લોકો સાંભળે. લોકો સાંભળે તેના કરતાં પણ જરૂરી લોકોને એ વાત ગમે એ છે. રાહુલ અવાજ તો કાઢે છે પણ લોકોને તેમની વાત બહુ સ્પર્શતી નથી ને કેમ સ્પર્શતી નથી એ રાહુલે વિચારવું જોઈએ. બીજા વાંધા ના કાઢવા જોઈએ.