નવી દિલ્હી: સાંસદ તરીકે ગેરલાયક ઠરાવાયેલા રાહુલ ગાંધીને તેમને ફાળવાયેલો બંગલો ૨૨મી એપ્રિલ સુધીમાં ખાલી કરવાનું જણાવાયું છે એમ સત્તાવાર સાધનોએ સોમવારે જણાવ્યું હતું.
૧૨, તઘલખ લેનનો બંગલો ખાલી કરવાની નોટિસ લોકસભાની હાઉસિંગ સમિતિએ આપી છે. ગયા અઠવાડિયે તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવાયા હોવાની નોટીસ આપવામાં આવી હતી. તેના પગલે આ નોટિસ આપવામાં આવી છે.
ગુજરાતમાંની એક સ્થાનિક અદાલતે રાહુલ ગાંધીના બદનક્ષીના કેસમાં આરોપી ઠેરવીને તેમને બે વર્ષની જેલની સજા ફરમાવી હતી. આ બે વર્ષની જેલની સજાને કારણે તેમનું લોકસભાનું સભ્યપદ ગેરલાયક ઠર્યું હતું. લોકસભાના સભ્ય ગેરલાયક ઠરાવાયા પછી એક મહિનાની અંદર તેમણે સત્તાવાર બંગલો ખાલી કરવો જોઇએ એમ એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. બીજા એક અધિકારીએ એમ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ઇચ્છે તો તેઓ હાઉસિંગ સમિતિને વધારે સમય રહેવા દેવાનું જણાવી શકે છે,અને આ વિનંતી સમિતિની પેનલ દ્વારા વિચારણા હેઠળ લાવી શકાય છે.
લોકસભાના સચિવ દ્વારા બહાર પડાયેલું આ જાહેરનામું ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટસ, ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ સહિતના વિવિધ ખાતાઓને મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત સંસદસભ્ય તરીકે રાહુલ ગાંધીને મળનારા લાભોની પણ આકારણી કરવામાં આવશે.
દરમિયાન, કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવાનો ઉતાવળે લેવામાં આવેલો નિર્ણય એ કેન્દ્ર સરકારનું કાવતરું છે એમ કૉંગ્રેસ પક્ષના સિનિયર નેતા આનંદ શર્માએ સોમવારે જણાવ્યું હતું.
કેન્દ્રના આ ભૂતપૂર્વ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને સંસદમાં બોલવાનો પૂર્ણ અધિકાર છે.
આનંદ શર્મા હાલ સિમલામાં મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુને મળવા આવ્યા હતા. તેમણે ન્યાયતંત્ર પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે નીચલી અદાલતનો આ નિર્ણય ઉપલી અદાલતમાં વધુ સમય ટકશે નહીં અને કૉંગ્રેસ પક્ષ આ નિર્ણય સામે રાજકીય અને કાયદાકીય લડત ચલાવશે.
મુખ્ય પ્રધાન સુખુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ લોકશાહી બચાવવા માટે નીડરતાથી જે ઝુંબેશ શરૂ કરી છે તે કેન્દ્ર સરકારને આડખીલીરૂપ છે અને લોકસભાના સભ્ય પદેથી તેમને ગેરલાયક ઠરાવવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એમ તેમનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ છે. (પીટીઆઇ)