રાહુલ ગાંધી હાલ લંડનના પ્રવાસે છે. ત્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમણે એક વક્તવ્ય દરમિયાન ભારતની કેંદ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ભારતમાં સંસ્થાઓ નિયંત્રણમાં હોવાની વાત કરી હતી. આ સાથે તેણે પોતાના ફોનની જાસૂસી થયાનો પણ આરોપ લગાવ્યો હતો.
કેમ્બ્રિજમાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘ભારતમાં મીડિયા અને ન્યાયતંત્ર સરકારના નિયંત્રણ હેઠળ છે. પેગાસસ દ્વારા મારા ફોનની જાસૂસી કરવામાં આવે છે. ઈન્ટેલિજન્સ અધિકારીઓએ મને કહ્યું કે મારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. મારી સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે.’
રાહુલ ગાંધીએ તેમેના સંબોધન ‘લર્નિંગ ટુ લિસન ઇન 21st સેન્ચ્યુરી’ દરમિયાન કહ્યું કે, ‘આપણે એવી દુનિયાનું નિર્માણ થતું ના જોઈ શકીએ જે લોકતાંત્રિક મૂલ્યો સાથે જોડાયેલી ના હોય.’ તેમણે વિશ્વમાં લોકતાંત્રિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે નવા વિચારની જરૂરિયાત વિશે વાત કરી. સાથે જ કહ્યું કે તે કોઈના પર લાદવામાં ન આવે.
કોંગ્રેસ નેતાએ ભારત અને અમેરિકા જેવા લોકતાંત્રિક દેશોમાં લોકતાન્ત્રિક મુલ્યોમાં ઘટાડાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, આ પરિવર્તથી મોટા પાયે અસમાનતા બહાર લાવી છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની અને સંવાદની જરૂર છે.
રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. કાશ્મીર વિશે વાત કરતા રાહુલે કહ્યું કે, કાશ્મીર ઘણા વર્ષોથી હિંસાથી ઘેરાયેલું રહ્યું છે. સુરક્ષા અધિકારીઓએ સુરક્ષાને લઈને ચેતવણી આપી હતી, પરંતુ જ્યારે અમે આગળ વધ્યા તો હજારો લોકો ત્રિરંગો લઈને આગળ આવ્યા. એક વ્યક્તિ નજીક આવ્યો, તેણે કેટલાક છોકરાઓ તરફ ઈશારો કરીને કહ્યું કે તેઓ ઉગ્રવાદી છે. એ છોકરાઓ મારી સામે જોઈ રહ્યા પણ કંઈ કરી શક્યા નહિ. રાહુલ ગાંધીએ કહ્યું કે આ અહિંસાની શક્તિ છે.