શ્રીનગરઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે પોતાની ભારત જોડો યાત્રા અંતર્ગત શ્રીનગરના લાલચૌકના ઐતિહાસિક વિસ્તારમાં કડક સુરક્ષા વચ્ચે ભારતીય તિરંગો ફરકાવ્યો હતો. અહીંના ઘંટાઘર તરફ રવાના થયા પૂર્વે સોનાવરમાં 30 મિનિટ વિશ્રામ કર્યો હતો ત્યારબાદ કોંગ્રેસ કમિટીના મૌલાના આઝાદ રોડના કાર્યાલય પહોંચ્યા હતા.
લાલચૌક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે રાહુલ ગાંધીની સાથે તેની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને જમ્મુ કાશ્મીર એકમના કોંગ્રેસના અન્ય નેતા પણ હાજર રહ્યા હતા. દસ મિનિટના કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે શનિવાર રાતથી લાલચૌક તરફ જનારા રસ્તાઓને સીલ કરવામાં આવ્યા હતા, જ્યારે વાહનોની અવરજવરમાં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અહીંની દુકાનો, ઓફિસ અને અન્ય માર્કેટને પણ બંધ રાખવામાં આવી હતી.
આવતીકાલે ‘ભારત જોડો યાત્રા’નું સમાપન થશે
શ્રીનગર પહોંચેલી ભારત જોડો યાત્રાનું આવતીકાલે સમાપન થશે, જેમાં 12 જેટલા વિપક્ષ પાર્ટીના નેતા જોડાશે. જોકે, અહીંના સમાપન કાર્યક્રમમાં 21 રાજકીય પક્ષને નિમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ સુરક્ષાના કારણસર અમુક પાર્ટી હાજર રહી શકે એમ નથી. તૃણમુલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ટીડીપી વગેરે પાર્ટી સામેલ થવાની નથી. આવતીકાલના સમારંભમાં મહત્ત્વની પાર્ટી પૈકી એનસીપી, આરજેડી, જનતા દળ (યુનાઈટેડ), ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ એમ, સીપીઆઈ, પીડીપી, જેએમએમ (ઝારખંડ મુક્તિ મોરચા) વગેરેનો સમાવેશ થયો છે.
અહીં એ જણાવવાનું કે શનિવારે ભારત જોડો યાત્રામાં રાહુલ સાથે પ્રિયંગા વાડ્રા સામેલ થઈ હતી. જોકે, કથિત રીતે સુરક્ષાના નિયમોમાં ઉલ્લંઘનને કારણે શુક્રવારે જ ભારત જોડો યાત્રાને રદ કરી હતી ત્યારબાદ અવંતીપોરાના ચેરસુ ગાંમથી ફરી યાત્રા ચાલુ થઈ હતી. અવંતીપોરાની યાત્રા વખતે પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફતી જોડાયા હતા, પરંતુ આ મુ્દે સ્થાનિક પોલીસે સુરક્ષામાં ક્યાંય ચૂક થઈ હોવાનો ઈનકાર કર્યો હતો.