Homeદેશ વિદેશરાહુલ ગાંધી સાંસદ તરીકે ગેરલાયક

રાહુલ ગાંધી સાંસદ તરીકે ગેરલાયક

નવી દિલ્હી: બદનક્ષી કેસમાં સુરતની અદાલતે ૨૩ માર્ચે રાહુલ ગાંધીને દોષી જાહેર કર્યા બાદ લોકસભાના સાંસદ તરીકે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જો ઉપલી અદાલત રાહુલ ગાંધીની સજા પર સ્ટે ન આપે તો તેવા સંજોગોમાં રાહુલ ગાંધી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોવાને કારણે આઠ વર્ષ ચૂંટણી નહિ લડી શકે.
દરમિયાન, સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશના અવાજ માટે હું લડી રહ્યો છું અને કોઈપણ કિંમત ચુકવવા તૈયાર છું. બદનક્ષી કેસમાં સુરતની અદાલતના ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યા હોવાને કારણે
કેરળના વાયનાડ સંસદીય મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાહુલ ગાંધીને દોષી જાહેર કરવામાં આવ્યા ત્યારથી એટલે કે ૨૩મી માર્ચથી તેઓ સાંસદ તરીકે ગેરલાયક ઠરે છે, એમ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું.
‘કઈ રીતે તમામ ચોરની અટક મોદી હોય છે’ એ પ્રકારના રાહુલ ગાંધીએ કરેલા કથિત નિવેદનને મામલે ભાજપના વિધાનસભ્ય પુનિત મોદીએ કરેલી ફરિયાદને લગતા બદનક્ષીના કેસમાં સુરતની અદાલતે ગુરુવારે રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી.
રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોવા અંગે પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસે કહ્યું હતું કે અમે કાયદાકીય અને રાજકીય બંને રીતે લડત આપવાનું ચાલુ રાખીશું.
આ રીતે ડરાવી-ધમકાવીને અમને ચૂપ નહિ કરી શકાય. વડા પ્રધાન સાથે સંકળાયેલા અદાણીના મેગા કૌભાંડને મામલે જેપીસી તપાસ યોજવાને બદલે રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવી રહ્યા છે.
આ છે દેશની લોકશાહી? ઓમ શાંતિ, એમ કૉંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે ટ્વિટર પરના સંદેશામાં જણાવ્યું હતું.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે કહ્યું હતું કે રાહુલ ગાંધી વિરુદ્ધ જે ઝડપથી આ કાર્યવાહી કરવામાં આવી તેનાથી હું હતપ્રભ થઈ ગયો છું.
આ બાબત દેશની લોકશાહી માટે સારી નથી, એમ તેમણે કહ્યું હતું.
રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા કેન્દ્રના કાયદા અને ન્યાય ખાતાના પ્રધાન એસપીએસ બઘેલે આ નિર્ણયને કાયદેસરનો લેખાવ્યો હતો અને કાયદા સમક્ષ તમામ લોકો એકસમાન હોવાનું તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના ભાજપના વિધાનસભ્યને ગુનાઈત કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા બાદ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
દરમિયાન, રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરનાર ભાજપના સાંસદ સુશીલકુમાર મોદીએ કહ્યું હતું કે સુરતની અદાલતે દોષી જાહેર કર્યા બાદ સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોવાને કારણે રાહુલ ગાંધીએ શુક્રવારે લોકસભામાં હાજરી નહોતી આપવી જોઈતી.
જોકે, કોર્ટે રાહુલ ગાંધીને જામીન પર મુક્ત કર્યા હતા અને બે વર્ષની કેદની સજાનો અમલ ૩૦ દિવસ મુલતવી રાખી ચુકાદાને પડકારવા ઉપલી અદાલતમાં જવાની પરવાનગી આપી હતી. (એજન્સી)

રાહુલે બંગલો ખાલી કરવો પડશે
નવી દિલ્હી: બદનક્ષીના કેસને મામલે દોષી જાહેર કરાયેલા રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ જો ઉચ્ચ અદાલત રાહત ન આપે તો તેવા સંજોગોમાં તેમણે દિલ્હીના લ્યૂટયન્સ સ્થિત બંગલો ખાલી કરવો પડે તેવી શક્યતા છે. રાહુલ ગાંધી લોકસભાની જે વાયનાડ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા,
તેને ખાલી જાહેર કરાઈ હતી. વર્ષ ૨૦૦૪માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ રાહુલ ગાંધીને ૧૨, તઘલખ લેન ખાતે બંગલો ફાળવવામાં આવ્યો હતો.
શુક્રવારે લોકસભાના સેક્રેટરિયટે રાહુલ ગાંધીને ૨૩ માર્ચ ૨૦૨૩થી સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. (એજન્સી)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -