રાહુલ ગાંધીને બોલવાની તક મળી નહીં
ભારતીય લોકશાહી વિશે રાહુલ ગાંધીની ટિપ્પણી અને અદાણી મુદ્દા સાથે સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચાની માંગણી કરતા શાસક પક્ષના સભ્યોના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. હંગામાને કારણે રાહુલ ગાંધીને પણ ગૃહમાં બોલવાની તક મળી ન હતી. સોમવારથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં વિપક્ષ અને શાસક પક્ષના હોબાળાને કારણે લોકસભામાં પ્રશ્નકાળ અને શૂન્ય કલાકની કાર્યવાહી સતત પાંચમા દિવસે ઠપ્પ થઈ ગઇ હતી અને અન્ય કામકાજ થઈ શક્યા ન હતા.

જ્યારે ગૃહની બેઠક મળી, ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ માટે નિર્દેશ કર્યો હતોઅને કોંગ્રેસના સભ્ય મનીષ તિવારીને પ્રશ્નો પૂછવા માટે બોલાવ્યા હતા. દરમિયાન, કોંગ્રેસ અને અન્ય કેટલાક વિપક્ષી પક્ષોના સભ્યો પોડિયમની નજીક આવ્યા હતા અને અદાણી જૂથ સાથે સંબંધિત મામલાની JPC તપાસની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ, શાસક પક્ષના કેટલાક સભ્યોએ પોતપોતાના સ્થાને ઉભા રહીને વિદેશમાં ભારતીય લોકશાહી અંગેના નિવેદન બદલ રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને તેમની બેઠકો પર પાછા જવા કહ્યું હતું. તેમણે શાસક પક્ષના સભ્યોને પણ બેસવાનો સંકેત આપ્યો હતો, પણ શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોનો હોબાળો ચાલુ રહ્યો હતો. શાસક પક્ષના સભ્યો રાહુલ ગાંધી માફી માંગે તેવા નારા લગાવી રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ સહિત કેટલાક વિરોધ પક્ષોના સભ્યો ‘બોલને દો, બોલને દો…રાહુલ જી કો બોલને દો’ના નારા લગાવી રહ્યા હતા. હંગામો બંધ ન થતો જોઈને લોકસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દીધી હતી