સૂરતની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં દોષી ઠેરવી બે વર્ષની સજા જાહેર કરી છે. આ નિર્ણય બાદ તરત જ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ કરવામાં આવ્યું છે. સાંસદ પદ રદ થયા બાદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર પ્રોફાઇલમાં મોટો ફેરબદલ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટર પ્રોફાઇલમાં ‘Disqualified MP’ (અપાત્ર સાંસદ) એવો ઉલ્લેખ કર્યો છે. તેથી હવે રાહુલ ગાંધીના ટ્વીટર પ્રોફાઇલના બાયોમાં હવે ‘Disqualified MP’ એમ લખેલું જોવા મળે છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થતાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ આક્રમક થઇ ગયા છે.

ત્યાં જ કેન્દ્ર સરકારના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા રાજઘાટ પર સત્યાગ્રહ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા આ આંદોલનની પરવાનગી આપવામાં આવી નથી. છતાં કોંગ્રેસ તરફથી તેઓ આ આંદોલન કરશે એમ જણાવાવમાં આવ્યું છે. રાહુલ ગાંધીનું સાંસદ પર રદ કરવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે દેશભરમાં સત્યાગ્રહ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્રમાં પણ આ આંદોલન થનાર છે. મુંબઇ અને નાગપુરમાં કોંગ્રેસના મોટા નેતાઓ આંદોલનમાં ભાગ લેશે. દિલ્લીમાં પોલીસે આંદોલનની પરવાનગી ન આપતા કોંગ્રેસના નેતાઓએ રોશ વ્યક્ત કર્યો છે.