સાબરમતી રીવરફ્રન્ટ પર રાહુલ ગાંધીનો હુંકાર, કહ્યું ‘ભાજપ સરદાર પટેલના વિચારો વિરુદ્ધ કામ કરે છે’

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ વધતી જઈ રહી છે. ગુજરાતમાં ભાજપની સત્તા ટકાવી PM મોદી અને અમિત શાહ વારંવાર ગુજરાત આવી રહ્યા છે તો ભાજપને ટક્કર આપવા AAPના અરવિંદ કેજરીવાલ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે મુશ્કેલીઓનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટીએ પણ ચૂંટણી પ્રચારનો આગાઝ કરી દીધો છે. આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેમણે સાબરમતી રિવરફ્રન્ટ પર ગુજરાત કોંગ્રેસ કાર્યકરોને સંબોધતાં ભાજપ પર પ્રહાર કર્યા હતા અને આગામી ચૂંટણી માટે કાર્યકર્તાઓમાં જુસ્સો ભર્યો હતો.
રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને વચન આપ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો અમે 10 લાખ યુવાનોને રોજગાર આપીશું. ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવીશું અને છોકરીઓને મફતમાં શિક્ષણ આપીશું. ગેસનો બાટલો 500 રૂપિયામાં આપીશું. ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ કરીશું. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે ચૂંટણી નજીક છે હું તમને કહું છું કે તમે લડો, જો ગત વખતની જેમ લડત આપશો તો હું ગેરંટી સાથે કહું છું કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે.

YouTube player

ગુજરાતના 52 હજાર બૂથથી એકઠા થયેલા કોંગ્રેસ કાર્યકરોને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આજે ગુજરાતના ખુણે ખુણેથી હજારો બબ્બર શેર અહીં આવ્યા છે. ગુજરાતના કાર્યકર્તાઓ વિચારધારાની લડાઈ લડી રહ્યાં છે. BJP, RSS અને મોદીએ સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ બનાવી છે, તો બીજી બાજુ ભાજપ સરદારના વિચારો વિરુદ્ધમાં કામ કરે છે. જો તમે સરદાર પટેલના ભાષણો સાંભળશો કે વાંચશો તો તેમણે ખેડૂતો વિરુદ્ધ ક્યારેય એક શબ્દ બોલ્યા નથી. એક તરફ ભાજપ તેમની મૂર્તિ બનાવે છે અને બીજી તરફ તેમનું જ અપમાન કરે છે. સરદાર વિના અમૂલ ઉભું ના થાત. કોંગ્રેસે પક્ષે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે. ગુજરાતમાં પણ અમે ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરીશું.’
તમણે ખેડૂતો અંગે વધુમાં કહ્યું કે, ‘ભાજપ ખેડૂત વિરોધી 3 કાળા કાયદા લાવ્યું. ભાજપે ખેડૂતોના હક છીનાવ્યાં. ખેડૂતો સરકાર સામે આંદોલન પર ઉતર્યા, લાંબા આંદોલન બાદ કાયદા પાછા ખેંચ્યા. આજે સરદાર પટેલ હોતો તો તેઓ કોનું દેવું માફ કરતા ઉદ્યોગ પતિઓનું કે ખેડૂતોનું હું આ સવાલ તમને પુછી રહ્યો છું.’
તેમણે ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બન્યું છે. મુન્દ્રા પોર્ટ પર મોટી માત્રમાં ડ્રગ્સ મળે છે. કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મોત થયાં. શું સરકારે કોઈ વળતર આપ્યું? કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અમે 4 લાખનું વળતર આપીશું.’
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યુ કે, પોલીસ, ઇલેક્શન કમિશન કે મીડિયા હોય તે સામાન્ય રીતે ન્યુટ્રલ રહે છે. તે અમ્પાયરનું કામ કરે છે. પરંતુ ગુજરાતમાં જેની નીવ સરદાર પટેલજીએ મુકી હતી પછી એ પોલીસ હોય કે, મીડિયા હોય કે જ્યુડિસરી હોય કે વિધાનસભા હોય આ તમામ સંસ્થાઓને બીજેપીએ કેપ્ચર કરી લીધા છે. એટલે અહીં તમે ફક્ત એક રાજનૈતિક પાર્ટી સાથે નથી લડી રહ્યા પરંતુ તમામ સંસ્થાઓ સાથે લડવાનું છે. લોકતંત્ર પર આક્રમણ થઇ રહ્યું છે, ગુજરાતની જનતા પર આક્રમણ થઇ રહ્યું છે. ગુજરાતમાં એક એવું રાજ્ય છે કે જ્યાં આંદોલન માટે પરમિશન લેવી પડે છે. શું સરદાર પટેલે આંદોલન કરવા અંગ્રેજો પાસે પરમિશન લીધી હતી?’
ગુજરાતના ગરીબ હાથ જોડીને થોડી જમીન માંગે તો કશું નથી મળતું. ઉદ્યોગપતિઓને મફતના ભાવમાં જમીન આપી દેવામાં આવે છે. સ્મોલ અને મીડીયમ ઇન્ડસ્ટ્રીની ગણતરી જ નથી થતી. નાના વેપારીઓની કોઈ મદદ થતી નથી. GSTથી નુકસાન થાય છે છતાં GST ભરવો પડે છે. 4થી5 મોટા ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય છે. એરપોર્ટ, ટેલિકોમ સહિતના તમામ પ્રોજેક્ટ અમુક ઉદ્યોગપતિઓ પાસે છે. ભાજપે 5 વર્ષમાં ગુજરાત માટે કાંઈ નથી કર્યું. ગુજરાતની જનતાને બધું દેખાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.