કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં ભારત જોડો યાત્રા પૂરી કરી છે. તેમની યાત્રાને મોટા ભાગના પ્રાંતોમાં ભારે સમર્થન અને જનપ્રતિસાદ મળ્યો છે. તેમની યાત્રાએ તેમને એક પરિપક્વ અને લોકોને જોડતા રાજકારણી તરીકે સ્થાપિત કર્યા છે. ત્યારે હવે તેઓ ફરીથી એક મોટી પદયાત્રા શરૂ કરવાના હોવાનું જાણવા મળ્યું છે. આ યાત્રા ગુજરાતના પોરબંદરથી શરૂ કરી આસામ સુધીની હશે. પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે. અહીંથી આ યાત્રા શરૂ કરી પૂર્વીય ભારતના ભાગો તરફ જશે અને આસામમાં સમાપ્ત થશે, તેમ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું. આ મહિનાના અંતમાં કોંગ્રેસની એક બેઠક રાયપુર ખાતે મળવાની છે. તેમાં આ યાત્રા અંગે અંતિમ નિર્ણય થશે અને તેની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
તેમની કાશ્મીરથી કન્યાકુમારી સુધીની યાત્રામાં તેમને સેલિબ્રિટી સહિત જાહેર જનતાનો સારો પ્રતિસાદ મળ્યો. આ યાત્રા દરિમયાન તેમણે બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર અને ધર્મજાતિના નામે ફેલાવવામાં આવી રહેલા દ્વેષની વાત કરી કેન્દ્ર સરકાર સામે પ્રહારો કર્યા હતા. જોકે ગાંધીની પદયાત્રા ચાલુ હોવા છતાં ગુજરાતમાં કોંગ્રેસે ભારે હારનો સમાનો કરવો પડ્યો હતો જ્યારે હિમાચલ પ્રદેશમાં માંડ કરી જીત સુધી પોંહચી શકી હતી. તે સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધી સરખામણી ન થાય તે માટે ગુજરાતમાં ગાંધીએ માત્ર બે સભા કરી હતી. હવે યાત્રા પોરબંદરથી શરૂ થવાની છે ત્યારે જોવાનું એ છે ગુજરાત રાહુલ ગાંધીને કેવો પ્રતિસાદ આપે છે.