ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રવિવારે કહ્યું હતું કે, પહેલીવાર રાહુલ ગાંધીએ પોતે સ્વીકાર્યું કે નરેન્દ્ર મોદી સરકાર કાશ્મીરમાં સફળ થઇ છે. તાજેતરમાં રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડરા સાથે કાશ્મીરના ગુલમર્ગમાં બરફની શ્વેત ચાદરો વચ્ચે જોય રાઇડ કરી રહ્યા છે. તેઓ તેમની બહેન પર બરફ નાખી રહ્યા છે અને તેમની બહેન પણ તેમના પર બરફ નાખી રહી છે. ભાઇ-બહેન ઘણા ખુશ દેખાઇ રહ્યા છે અને નવા કાશ્મીરમાં (કલમ 370 હટાવ્યા બાદના કાશ્મીરમાં) નિર્ભય બનીને રમત રમી રહ્યા છે. રાહુલ ગાંધીનો ભાષણ આપતો અન્ય એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે તેમની ભારત જોડો યાત્રાના અંતિમ ચરણમાં જ્યારે તેઓ કાશ્મીરમાં ગયા ત્યારે તેમની આજુબાજુ, આગળ-પાછળ હજારો લોકો તિરંગા સાથે જોવા મળતા હતા. બીજેપી હેડક્વાર્ટર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાત્રાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કૉંગ્રેસ કહેતી હતી કે કાશ્મીરમાં મોદીની ચાલ સફળ નથી થઇ. દેશ બરબાદ થઇ ગયો છે. જે કાશ્મીરમાં આતંકવાદ હતો અને લોકો જવાથી પણ ડરતા હતા એ કાશ્મીરમાં ભાઇ-બહેન આજે મઝા માણી રહ્યા છે અને રાહુલ પોતે કહી રહ્યા છે કે તેમની આસપાસ, ચારેબાજુ હજારોની સંખ્યામાં લોકો તિરંગો લઇને જોવા મળ્યા હતા. મોદી સરકારે કાશ્મીરમાં શું હાંસલ કર્યું છે તે રાહુલે પહેલીવાર જાહેરમાં સ્વીકાર્યું છે. પાત્રાએ કહ્યું હતું કે જો કોંગ્રેસ અને રાહુલ ગાંધી જમ્મુ અને કાશ્મીરમાં હજારો તિરંગા જોઈ રહી છે, જ્યાં પહેલા ત્રિરંગો લહેરાવવામાં પણ લોકો ડરતા હતા તો તેમણે આ પરિવર્તનના કારણ વિશે પણ વિચારવું જોઇએ. આ બદલાવ મોદી સરકાર લઇ આવી છે.