થાણે: કોઈ ફિલ્મી દૃશ્ય ભજવાતું હોય એવી ઘટના મળસકે કલ્યાણના એક પોલીસ સ્ટેશનમાં બની હતી. ચોરીના કેસમાં પકડાયેલો આરોપી લૉકઅપનો લોખંડનો સળિયો વાંકો વાળી પોલીસ અધિકારીની નજર સામેથી રફુચક્કર થઈ ગયો હતો.
પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ ઘટના બુધવારના મળસકે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. ફરાર થઈ ગયેલા આરોપીની ઓળખ રામ સખારામ કાકડ (19) તરીકે થઈ હતી.
શાહપુર વિસ્તારમાં રહેતા કાકડને બાઈકચોરીના કેસમાં પકડી પાડવામાં આવ્યો હતો. તેને કલ્યાણના એમએફસી પોલીસ સ્ટેશનના લૉકઅપમાં રાખવામાં આવ્યો હતો. લૉકઅપનો લોખંડનો સળિયો કથિત રીતે વાંકો વાળી આરોપી ફરાર થઈ ગયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
લૉકઅપ પાસે એક આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર (એએસઆઈ)ને ડ્યૂટી પર તહેનાત કરવામાં આવ્યો હતો. એએસઆઈએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંધારાનો લાભ ઉઠાવી તે છટકી જવામાં સફળ રહ્યો હતો. આરોપીનો પીછો કરી રહેલા એએસઆઈના હાથમાં ગંભીર ઇજા થઈ હતી, જેને પગલે સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ફરાર આરોપીની શોધ માટે પોલીસે કૉમ્બિંગ ઑપરેશન હાથ ધર્યું હતું. કલ્યાણ રેલવે સ્ટેશન સહિત બસ સ્ટૅન્ડ્સ અને રિક્ષા સ્ટૅન્ડ ખાતે તપાસ કરવામાં આવી હતી. જોકે ગુરુવારની મોડી સાંજ સુધી આરોપીની કોઈ ભાળ મળી નહોતી. પોલીસ તેની શોધ ચલાવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)