‘રફી – ફિર કબ આઓગે?’

પુરુષ

હસ્યા તો મારા સમ-સુભાષ ઠાકર

હે વ્હાલા વાંચકો અત્યારે મારા એક હાથની મુઠ્ઠી બંધ કરી બીજા હાથે આ લેખ લખુ છું. અત્યારે તમે મને જોશો તો મારી આંખમાં કરોળીયાના જાળા જેવી ટસરો ફુટી છે. ગુગલમાં મેપ જોતા હો એવી લાલ રેખાઓ આંખોમાં દેખાશે. ચહેરા પર ક્રોધની રેખાઓ જન્મ લઈ ચુકી છે. વ્હાલા આજે મારા કાળજે વાગેલા ઘાના પડઘા સંભળાય છે. આજે મારા ગુસ્સાને કોઈ રોકતા નઈ. ડીયર મારી પૂરી વાત સાંભળ્યા ને સમજ્યા પહેલા પ્લીઝ તમે દાંત ન કચકચાવો, ધીરજ રાખો. હું બધું જ કહું છું. કારણ યુ ઑલ આર માય જીગરી. માનો છો, સાંભળો છો, સમજો છો ને વાંચો છો. એટલે હૈયામાં છુપાયેલી વરાળો બહાર કાઢું છું. બાકી રંગ ઓર નૂરકી બારાત કિસે પેશ કરું?
જુઓ બકા અને બકીઓ. શર્મ આતી હૈ મગર આજયે કહેના હોગા કિ આ તો વિધાતાની બુદ્ધિ ફરી ને એક હાસ્ય કલાકારને હાસ્યલેખક બનાવ્યો. બાકી મારો માંહ્યલો તો ગાયનેક બનવા: સૉરી-સૉરી ગાયક બનવા તત્પર બન્યો હતો. કબૂલ મારા બાપ કબૂલ કે સંગીતના વિષયમાં રાગ માટે વૈરાગને તાલ માટે નાતાલ સિવાય મને કોઈ જ્ઞાન ન હતું તે છતાં ગાવા માટેની અંદરની ખુજલી ઉપડી હતી. વિચારો ગાયક જ શું કામ? કારણ કે સંગીતકાર બનું તો સુરનું જ્ઞાન બહારથી મેળવવું પડે, ગીતકાર બનવું હોય તો બહારથી પ્યાર, મોહોબત, ઈશ્ક પ્રેમ જેવા શબ્દોની આંગળી પકડી પ્રભુત્વ મેળવવું પડે પણ ગાયક બનવામાં બહારથી કંઈ લાવવુ ન પડે. બોરમાં જેમ ઠળીયો છુપાયો હોય એમ ગળામાં કંઠ છુપાયેલો છે. ઈશ્ર્વર જબરો છે, એ ગળું બધાને આપે છે, પણ કંઠ તો કોઈક ને જ આપે છે. કોઈની સાથે મારામારી વખતે આજ ગળું બોચી કે ડૉકી તરીકે ઓળખાય છે, તમારી જાણ ખાતર આમ તો અમારા ખાનદાનમાં પેઢીઓથી સંગીત રગેરગમાં વહે છે. કહેવાય છે કે એક જમાનામાં મારા દાદીના પેટમાં એપેન્ડીકસના ઓપરેશન વખતે પેટમાંથી આંતરડાની જગાએ સીતારના તાર મળેલા. સી ધ ઈન્વોલમેન્ટ, હું તો જન્મ્યો ત્યારથી જ સુરમાં રડતો. એ જમાનામાં એક ગીત મારા કાને અથડાતું “રોતે રોતે હસના શીખો, હસતે હસતે રોના તારી ભલી થાય. ગીતકાર આ બે ક્રિયા એક સાથે કેવી રીતે થાય? ખાવાનું ચાલુ રાખી બોલી શકાય? ના. પણ મારી જીભને હજી વાચા ફુટી નહોતી, એટલે કોને કઉ? ધીરે ધીરે ઉંમર વધવા લાગી ને ગાવામાં મારો રસ પણ વધવા લાગ્યો. એન્ડ યુ નો કે રીયાઝ માટે બાથરૂમથી સુંદર જગાની શોધ હજી થઈ નથી. નળમાંથી નીકળતા, પહેલા પહેલા ધડ-ધડ-ધડ-ધડ પછી સર-સર-સર-સરરર પછી ટપક -ટપક થતાં ટપકામાં પણ મને સંગીત સંભળાતું. બાથરૂમમાં મારા પ્રવેશ કર્યા બાદ મારું મન અને ધ્યાન ગાવામાં જ રહેતું. ડીલ (શરીર) ધોતા ધોતા દિલના ગીતો ગાવાની મજા કંઈ ઓર છે, મારા કંઠનો લાભ હું બાથરૂમથી સમાજ સુધી પહોંચાડવા માગતો હતો. મારા કંઠનું ખુદને અભિમાન. “આહાહાહા… શું અવાજ છે, કંઠ છે, માન ગયે ઉસ્તાદ, વાહ, ક્યા બાત હૈ. એવી દાદ હું મારી જાતને જ આપતો. ભલાભલા મુકેશો, મહંમદ રફીઓ, મન્નાડેઓ, મહેન્દ્ર કપુરો આ ચાર M સિવાય પણ સાયગલ, તલત મહેમુદો કે હેમંતકુમારો મારી સામે પાની કમ ચાય લાગતા (આમાં પાણી કોણ ને ચાય કોણ એ આપની સમજશક્તિ ઉપર છોડું છું.) આ બધા જ દિવંગતોએ ભલે દેહત્યાગ કર્યો, પણ એ બધાનો આત્મા ઓલ ઈન વન બની મારા કંઠમાં છુપાઈને બેઠો હતો. સંગીતને મારામાં રસ ન હોય તો એની મરજી પણ મને સંગીતમાં રસ હોવાને કારણે જગતને જ એક સુરીલો ને સુંદર ગાયક મળશે. બોસ, આધાર તમારી શ્રદ્ધાનો હતો. મારું એક સપનું હતું દર વર્ષે ૩૧મી જુલાઈએ રફી સાહેબ ચારે બાજુ પ્રોગ્રામમાં છવાઈ જાય. અખબારમાં જાહેરાતો ચમકે ” એક શામ રફી કે નામ “રફી-ફીર કબ આઓગે. “રફી એક અંદાજ અનેકની જેમ “એક શામ સુભાષ કે નામ મારા દેહપરિવર્તન પછી “સુભાષ ફીર કબ આઓગે. અને “સુભાષ એક અંદાજ અનેક એવી મહેફીલો યોજાય. હાઉસફૂલ હોલમાં રફી સાહેબની જેમ બુલંદી લલકારુ પછી ભલે મારી આખી સ્વરપેટી બહાર આવી જતી. હું કેર્સ. પરીવારનું નામ રોશન થાય, પણ ઘણીવાર સપના અપલોડ થાય છે પણ ડાઉનલોડ ન થાય તો જીવ કળીએ કળીએ કપાય. જોકે આ ઈશ્ર્વરની એક કારીગરી સમજાતી નથી કે સૂઈ જઈએ ત્યારે આંખ બંધ હોવા છતાં સપના અંદર કેવી રીતે જતા હશે? મારા કંઠમાં આસમાનને આંબી જવાની તાકાત હતી.
હવે તમને મનમાં પ્રશ્ર્ન ઊઠવાનો કે તો આટલી મહેનત પછી તું ગાયક કેમ ન બન્યો? દુશ્મનને પણ આ પ્રશ્ર્ન ઊઠવાનો… કઉં છું થોડી ધીરજ રાખો. ઉતાવળે આંબા ન પાકે તો લેખ ક્યાંથી પાકે. જીવનમાં ક્યારેક એવી પળ આવે છે કે આપણા સપના ચકનાચૂર કરી કાઢે…
એકવાર રોજિંદા ક્રમ મુજબ હું બાથરૂમમાં નાહતો હતો. સૉરી ગાતો હતો ને બહારથી ઘરવાળીનો અવાજ મારા કાને અથડાયો “અરે એય, એક કલાકથી બાથરૂમમાં શું કરો છો? નાહવા બેઠા છો કે નાસ્તો કરવા? કે પછી ઊંઘી ગયા કે શું? અંદરથી તમારા નસકોરાનો અવાજ બહાર આવે છે.
બોલો મને કેવો ઝાટકો લાગ્યો હશે. મારા ગળા પર કોઈ બુલડોઝર ફેરવી દીધું હોય એવો પ્રચંડ ઝાટકો લાગ્યો. મારા કંઠનું આવું ઝળહળતું સૉરી-સૉરી હડહડતું અપમાન? આઈ કાન્ટ બેર. જે ગળાને સુરીલો બનાવવા તનતોડ નઈ તો ગળાતોડ મહેનત કરી એના પર પાણી ફરી વળ્યું. છટ્ … હવે મને બાથરૂમમાં પાણીથી નાહવાની જરૂર ન પડી, તમે બોલો મારી છટકે કે નઈ? (તમે શેના હા પાડો છો? બાથરૂમ અને ઘરવાળી બન્ને મારા છે. તમે બળતામાં ઘી ન હોમો પ્લીઝ), ને છેવટે દિલકે અરમા આંસુઓમેં નઈ પણ પાનીમે બહ ગયે. હવે મારે ગાવાનું કે નાહવાનું શું ચાલુ રાખવું એ દ્વિધામાં ફસાયો, પણ અંતે મનોમંથન પછી એવા તારણ પર આવ્યો કે જો ગાવાનું બંધ કરીશ તો કંઠ નઈ ગંધાઈ ઊઠે પણ નાહવાનું બંધ કરીશ તો શરીર જરૂર ગંધાઈ ઊઠશે, એની સામે બીજું સત્ય એ પણ હતું કે જો ગાવાનું ચાલુ રાખવામાં જે પત્ની કંઠને નસકોરા સમજી પોતાના જ હાથે પોતાના પતિને ગુમાવશે, પણ ગાવાનું બંધ રાખવામાં સમાજ એક સરસ ગાયક ગુમાવશે. હજી સમજાતું નથી કે પત્નીના કાનનો દોષ કાઢવો કે મારા સ્વરનો (ગળાનો) જાણી લો. જેમ એક સ્વજનના ગયા પછી એની ખોટ ક્યારેય પૂરાતી નથી એમ મારું ગાવાનું બંધ કરવાથી સમાજમાં શ્રેષ્ઠ ગાયકની ખોટ ક્યારેય નઈ પૂરાય. એ સમાજનું દુર્ભાગ્ય બીજું શું?
આ રફી સાહેબનો જ દાખલો લો, ક્યાં પૂરાય છે. બધી યે જન્મતિથિઓ પૂણ્યતિથિમાં પલટાતી ગઈ ને છેલ્લે દર ૩૧મી જુલાઈએ એમની ઝેરોક્ષકોપીઓ ગાવા મંડી પડે. “અભી ના જાઓ, છોડકર કે દિલ અભી ભરા નહીંને તુર્ત જ એમને જવાબમાં કીધું સૉરી, શરીરમાં ભરેલા શ્ર્વાસ-ઉચ્છ્વાસનો હિસાબ પૂરો થયો એટલે જવું તો પડશે પણ માઈન્ડ વેલું “તુમ મુજે યુ ભૂલા ન પાઓગે જબ કભી ભી સુનોગે ગીત મેરે…
હવે મારી પુણ્યતિથિઓ શરૂ થાય એ પહેલા સાંભળી લો, સૉરી વાંચી લો, “તુમ મુજે યૂ ભૂલા ન પાઓગે જબ કભી ભી સૂનોગે જોક મેરે (ઓર પઢોગે લેખ મેરે.) અને તમે “ગમે તેટલું ગાશો કે ‘દિલ અભી ભરા નહીં પણ હાલ મારી જગા ભરાઈ ગઈ. એન્ડ આઈ નો જગતમાં એ રીતે હસ્તી મારી મટી જશે. જેમ પાણીમાં આંગળી નાખો ને કાઢી લો, જેમ જગા પૂરાઈ જશે… સમજાયું તો વંદન નઈતર અભિનંદન.
શું કહો છો?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.