રબ બેકાર અને નિષ્ક્રિય જવાનને ગુસ્સાની નજરે જુએ છે

વાદ પ્રતિવાદ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

હે પરમ કૃપાળુ પરવરદિગાર! તુ આજના માવિત્રોને માર્ગદર્શન આપ કે તેઓ પોતાની ઔલાદને સુસ્ત અને આળસુ બનાવવાના આપમેળે બનાવેલા નિયમથી બચાવે. ઔલાદ પ્રત્યેનો તેમનો પ્રેમ કંઇ તેમને કામ કરવાનું કહેતા રોકતી નથી. જવાન દીકરીઓને જોઇએ કે તે તાલીમ હાંસલ કરવામાં કોઇ કમી ન રાખે, પરંતુ ગૃહકામને પણ જીવનનો એક મહત્ત્વનો ભાગ ગણે. અવિભાજ્ય અંગ સમજે.
વ્હાલા માવિત્રો! યાદ રહે કે ઇન્સાનની કદ્ર તેના કાર્યથી અંકાય છે. જેટલો તેનો અમલ વધારે એટલી તેની કિંમત વધારે. અમિરૂલ મુઅમિનીન હઝરત અલી અલૈયહિ સલ્લામ ફરમાવે છે કે ‘કીમતો કુલ્લો ઇમ્રઇન મા યુહુસેનો’ અર્થ: દરેક જણની કિંમત અને કદ્ર આમાલ (કર્મ, કરણી)ના પ્રમાણમાં હોય છે…! યુવાન યુવક-યુવતીઓને શોભા આપનારી બાબત એ છે કે તેઓ શાળા-કૉલેજોની રજાના દિવસો બેકાર બેસી પસાર કરી ન દે. ફરમાવવામાં આવ્યું કે-‘ઇન્નલ્લાહ યગઝિબ અરશાબ અલ-ફારિગ…!’ અર્થ: ખુદા બેકાર અને નિષ્ક્રિય જવાનને ગુસ્સાની નજરે જુએ છે…!’
યાદ રહે! મા-બાપનો સાયો સદા રહેવાનો નથી, માટે ઔલાદને જોઇએ કે તેઓ પોતાના સારા ભવિષ્યની ખેવના કરે. પોતાની એ જવાબદારીઓને સારી પેઠે સમજે અને તેના માટે પોતાને તૈયાર કરે કે જે તેમને ભવિષ્યમાં પોતાની ઔલાદની તરબીયત (તાલીમ, શિક્ષણ) માટે અદા કરવી પડશે. જો આપણે શિક્ષિત ન હોઇએ તો દુનિયાની શિક્ષિત પ્રજાની સામે ખભે ખભા કઇ રીતે મેળવી શકીશું? જો વર્તમાન જમાનાનું વલણ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું હોઇ તો ઇસ્લામી શરીઅત (નિયમો)ના કાનૂન કે જે ઘણા વિશાળ છે તેને ખ્યાલમાં રાખી, ઊભા ન થઇએ તો ભૂતકાળથી અશક્ત રહેતા આવેલા મુસલમાનો વધુ અશક્ત અને નિર્બળ બની જશે. તેથી આજકાલની પ્રચલિત વિદ્યાજ્ઞાનમાંથી જેવી રીતે પુરુષવર્ગને શીખવી અનિવાર્ય છે તેવી રીતે સ્ત્રીઓને તેનાથી વંચિત રાખવી જોઇએ નહીં. પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલૈયહિ વઆલૈહિ સલ્લમનું કથન છે કે- ‘દીકરો અને દીકરીમાંથી એકને શિક્ષણ આપી શકવાની સ્થિતિ હોય તો દીકરીને પ્રથમ શિક્ષિત કરવી માતા-પિતાએ આવશ્યક લેખવી જોઇએ…!
‘લાયકતઉલ હદીદ ઇલ્લલ હદીદ’ અર્થ: લોઢાને લોઢું જ કાપે છે એ જેમ વાસ્તવિક બાબત છે તેમ ‘વલા યુઝીઉસ્સીરાજ બિશ્શ્મ્સ.’ અર્થ: દીવો સૂરજથી રોશન (પ્રકાશિત) થતો નથી, એ પણ એક માન્ય સિદ્ધ બાબત છે.
‘ખયરૂલ ઉમુર અવસતો હુ.’ અર્થ : ઉત્તમ કામ તે છે કે જે મધ્યમ હોય.
– આવી મધ્યમ માર્ગી સ્ત્રીઓ અતિ શરાફત (સભ્યતા, ભલમનસાઇ) અને પાકદામન (પવિત્રતા) ની સાથે પોતાને તેમ પોતાની ઔલાદને સંભાળી શકે છે. બલ્કે જરૂર પડે કુટુંબ-પરિવારને પણ સહાયરૂપ થઇ શકે છે, જે શિક્ષણ થકી શક્ય બની શકે છે.
મૌલા અલી અલૈયહિ સલ્લામ ફરમાવે છે કે- ‘અદ્દેબુ અવલાદકુમ લે ઝમાનેેહિમ લા લે ઝમાનેકુમ, લેઅન્નહુમ ખોલેકુ લેઝમાનેહિમ.’ અર્થ : પોતાની ઔલાદને એના જમાનાની માફક તરબીયત (તાલીમ, શિક્ષિત) કરો, નહીં કે તમારા પોતાના જમાનાની જેમ, કારણ કે તેઓ પોતાના જમાના માટે પૈદા થયેલ છે…!
અખલાક (સદાચરણ, સારી ટેવો)ની હદમાં રહીને જો આપણી કોમના યુવાન યુવક-યુવતીઓ, પુરુષ સ્ત્રીઓ આવી રીતે ઇલ્મોજ્ઞાન-શિક્ષણ પ્રાપ્ત કરતી હોય, કેળવણીનો ઉપયોગ કુટુંબને ઉપયોગી થવામાં કરતી હોય તો એનાથી વધીને બીજી કઇ સારી વાત કહી શકાય?
– કબીર સી. લાલાણી
* * *
આજની સાચી સમજ
અલ્લાહ રહમ (દયા) કરે છે તે બંદા પર કે જેણે પોતાની જાતને ઓળખી પોતાની કદ્ર પિછાની અને પોતાના તોર તરીકા (નિયમાનુસાર) બાહેર ગયો નહીં.
– મૌલા અલી (અ.સ.)
* * *
આજની સચ્ચાઇ
મુનાફિક (ઢોંગી, પાખંડી)ની નિશાનીઓમાં ત્રણ ખસ્લતો હોય છે.
૧- જયારે બોલે છે ત્યારે જૂઠું બોલે છે.
૨- અમાનત (મૂકેલી થાપણની અદાયગી ન કરવી, વિશ્ર્વાસઘાત કરવો)માં ખયાનત (દગો) કરવી તથા
૩- જયારે વાયદો કરે છે તેનાથી વિરુદ્ધ વર્તન કરતો હોય છે.
– હદીસ શરીફ…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.