ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
અપની તરહ નિબાહ રહે ઝિન્દગી સે સબ,
ખુશ હૈ અગર નહીં તો પરેશાન ભી નહીં.
ઈસ જિન્દગી કા અપના હી તેવર મિઝાઝ હૈ,
નારાજ વહ નહીં તો મેહરબાન ભી નહીં.
બાહર જો ભરા દિખતા, ખાલી હૈ વો અન્દર સે,
ભીતર તો હૈ સુનાપન, ઉપર કી સજાવટ હૈ.
ચેહરે ન સહી ચેહરે, ચેહરોં પે મુખૌટે હૈં,
તન સે તો સુદર્શન સબ, પર મન મેં મિલાવટ હૈ.
– ચન્દ્રસેન વિરાટ
હિન્દી ગઝલના ઈતિહાસમાં શ્રી ચન્દ્રસેન વિરાટનું નામ અગ્રણી શાયર તરીકે પ્રસિદ્ધ છે. ઉર્દૂ ભાષાના સાહિત્યકારોએ હિન્દી ભાષામાં લખાતી ગઝલોને ઊતરતી કક્ષાની ગણી તેને સ્વીકારવાનો નનૈયો ભણ્યો ત્યારે આ પડકારને ઝીલવાનું અને સામા પૂરે તરવાનું કાર્ય કેટલાક હિન્દી કવિઓએ કર્યું. તેમાં વિરાટજીનો મોટો ફાળો રહ્યો છે. આ કવિનો જન્મ મધ્ય પ્રદેશના ઈન્દૌરમાં ૩ ડિસેમ્બર, ૧૯૩૬ના રોજ થયો હતો. કવિ વ્યવસાયે એન્જિનિયર હતા, પણ કર્મે – જન્મે કવિ હતા. મૂળ તેઓ ગીતકવિ લેખે જાણીતા થયા હતા. પુનરાવર્તનથી બચવા અને સંવેદનાની સીમાને પાર કરવા તેમણે ગઝલનું સ્વરૂપ પસંદ કર્યું હતું.
વિરાટની ગઝલો વિશેના નિરીક્ષણમાં ડૉ. સુરેશ ગૌતમે લખ્યું છે: ‘વિરાટ કી ગઝલોને ગઝલ કો હુસ્ન, ઈશ્ક, મુહબ્બત, જામ, સાકી, મયખાના કી રાહ સે નિકાલકર બિજલી કે નંગે તારોં સે જોડા ઔર અનાદર્શી ઝિંદગી કો પારા-પારા બિખરને સે બચાયા. હિન્દી કી બુનાવટ મેં ગઝલોં કો બુન કર મનુષ્ય – સમાજ કો જાગરૂક કિયા, ખુદ કા પહેરદાર બનાયા, સંઘર્ષ કા પથ દિયા ઔર ઉડને કો આકાશ.’
તેમની ગઝલોના વિષયો અને ભાવ- વિચારોમાં વૈવિધ્ય છે. મજૂર વર્ગની સમસ્યાઓ, ગરીબી, શ્રમિકોની અવગણના, સાધન – સંપન્ન ધનિકો દ્વારા શોષણ, દેશમાં પ્રસરતી જતી મૂલ્યહીનતા, રાજનૈતિક દિશાહીનતા, સામાજિક વિડંબના, સામાજિક વિષમતા, અસંતોષ વગેરેથી આ જાગૃત શાયર ઘણા પરિચિત હતા. તેમણે તેમના શે’રમાં આ સમસ્યાઓનું શેનિયત સાથે આલેખન કર્યું છે. આ શાયર માટે ગઝલ લેખન કીર્તિ કે ધન મેળવવાનું માધ્યમ નહોતું – પણ તે દ્વારા સમાજ પરિવર્તન અને સમય પરિવર્તનની ખરી ઓળખ તે તેમના ધ્યેયો હતાં.
આ શાયરની ગઝલો ૧૧ પુસ્તકોમાં ગ્રંથસ્થ છે. તેના શીર્ષકો મજેદાર, મોહક અને આકર્ષક છે. તેની યાદી જુઓ: નિર્વસના ચાંદની, આસ્થા કે અમલતાસ, કચનાર કી ટહની, ધાર કે વિપરીત, પરિવર્તન કી આહટ, લડાઈ લંબી હૈ, ન્યાય કર મેરે સમય, ફાગુન માંગે ભુજપાશ, ઈસ સદી કા આદમી, હમને કઠિન સમય દેખે હૈ, ખુલે તિસરી આંખ.
તેમના ગીતોના ૧૩ સંચયોથી હિન્દી ગીતોની સંપદામાં નોંધપાત્ર ઉમેરણ થયું છે. તેના શીર્ષકોમાં ય ગીત તત્ત્વની છાંટ જોવા મળે છે: મેંહદી રચી હથેલી, ઓ મેરે અનામ, સ્વર કે સોપાન, કિરણ કે કશીદે, મિટ્ટી મેરે દેશ કી, પીલે ચાવલ દ્વાર પર, દર્દ કૈસે ચુપ રહે, ભીતર કી નાગફની, પલકોં મેં આકાશ, બૂંદ બૂંદ પારા, સન્નાટે કી ચીખ, ગાઓ કિ જિયે જીવન, સરગમ કે સિલસિલે, મુક્તકોનાં ૫, ઈતર કાવ્યોના અન્ય ૭ પુસ્તકોમાં પણ કવિ તરીકેની તેમની ગતિદિશાની ઝલક જાણવા મળે છે.
ડૉ. શ્રીરામ પરિહારે તેમના કાવ્ય – પ્રદાન પર નજર ફેરવતા લખ્યું છે: ‘ગીત કા સંકલ્પધર્મા કવિ ગઝલ કે દેશ ચલા આયા… ઉસે અપની ભાષા દી, નયી સ્થાપના દી, મુગલકાલીન ગલિયારોં સે નિકાલકર હિન્દી કી હરી દૂબ પર બૈઠા દિયા, હિન્દી મેં બોલને કા તર્જુબા દિયા, તર્જ ભી દી.’ ડૉ. મધુ ખરાટેએ વિરાટની ૧૬૧ ચુનંદા ગઝલોનો ગુલદસ્તો પ્રગટ કર્યો છે.
ગઝલના શાસ્ત્રના મર્મજ્ઞ અને આજની ભૌતિકવાદી, વૈજ્ઞાનિક, યાંત્રિક સભ્યતાનું હૂબહૂ સજીવ ચિત્રણ કરનાર ચન્દ્રસેન વિરાટનું ૧૫ નવેમ્બર, ૨૦૧૮ના રોજ અવસાન થયું હતું.
વિરાટની ગઝલોમાં રજૂઆતની નવી રીતિ જોવા મળે છે. તેમની ગઝલોના કેટલાક શે’ર મશહૂર હિન્દી શાયર દુષ્યંતકુમાર (૧૯૩૩ – ૧૯૭૫)ની યાદ અપાવે છે. દુષ્યંતકુમારની ગઝલોમાં સામાન્ય માણસની સંઘર્ષ ગાથા, નિરાશા, સંશય, દુ:ખનો પડછાયો અને નવાં સ્વપ્નોની શોધ વ્યક્ત થયા છે. દુષ્યંતકુમારના આ સમકાલીન શાયરની ગઝલ સૃષ્ટિમાં પણ આ પ્રકારનો શે’ર સાંપડે છે. જુઓ:
બોલતા કમ જો દેખતા ઝયાદા,
આંખ ઉસ કી ઝબાન હોતી હૈ.
આખું જીવતર દુ:ખ, કષ્ટ, મુશ્કેલી, માંદગી વચ્ચે પસાર થતું હોય તો ઈન્સાનનું જીવન કેવું હોય? ટાઢ, તડકો, વરસાદથી રક્ષણ કરવા માટે તેની પાસે ચીંથરેહાલ કપડાં હોય ત્યારે આવો માણસ શેનો આધાર – આશરો લે છે અને સંતોષ માને છે તેની વ્યથા વ્યક્ત કરતો શે’ર કેટલા સંકેત આપી દે છે તે જુઓ:
બસ હવેલી હી હમારી હમકો,
ધૂપ મેં સાયબાન હોતી હૈ.
આ શાયર તેમના અન્ય શે’રમાં દુ:ખી અને વેદનાગ્રસ્ત માણસને કેવી સલાહ – શિખામણ આપે છે તે વાત તપાસવા જેવી છે:
પાલ કર રખ ન ઉસે હાથ કે છાલે જૈસા,
દેર તક દુખ કો નહીં ઓઢ દુશાલે જૈસા.
પ્રિયતમા, યાર, દોસ્તની મુલાકાત થાય, તેની સાથે સમય પસાર કરવાનો અવસર મળે તો એ ક્ષણો યાદગાર થઈ જતી હોય છે. આ શે’ર માણીએ:
મિલ ગયે આજ તુમ તો યહી ઝિન્દગી,
થી સમસ્યા, કઠિન પર સરલ હો ગઈ.
સત્યમ્, શિવમ્ અને સુન્દરમ્ના ખયાલમાં માનતા આ કવિ તેના સ્પર્શ માત્રથી આનંદિત થઈ જાય છે તે ભાવને રજૂ કરતો શે’ર આ રહ્યો:
સત્ય, શિવ ઔર સૌંદર્ય કે સ્પર્શ સે,
હર કલા મૂલ્ય કા યોગફલ હો ગઈ.
આ શાયરે તેમની ગઝલોમાં સરેરાશ માનવીની પરિસ્થિતિનું ચિત્ર દોર્યું છે. તેને તેમણે શે’રમાં બખૂબી ઢાળી દીધું છે. આ પ્રકારના ઢગલાબંધ શે’રમાંથી ઉદાહરણ માટે એક જ શે’ર તરફ નજર દોડાવીએ:
તુમ કભી થે સૂર્ય લેકિન અબ દિયોં તક આ ગયે,
થે કભી મુખપૃષ્ઠ પર અબ હાસિયોં તક આ ગયે.
વિરાટજીએ તેમની ગઝલોમાં પ્રેમ અને માનવીય સંબંધોનું સીધું નિરૂપણ કર્યું છે. કૌટુંબિક ભાવનાનો ગ્રાફ નીચે ઊતરતો જાય છે અને માતાપિતા પ્રત્યેની સંતોનોની જવાબદારી ધૂળ-ધાણી થતી જાય છે. મા-બાપને રાચરચીલાની જેમ રાખતા સંતાનો વિશે આ શાયર કેવી પ્રતિક્રિયા આપે છે તે વાચો:
અપને બંગલે કે હી ગેરેજ મેં દે દી હૈ જગહ,
ઉસને મા-બાપ કો રકખા હૈ અટાલે જૈસા.
૪ પંક્તિની નાની કવિતાને આ કવિએ ‘મુક્તિકા’ નામ આપી નવો પ્રયોગ કરી બતાવ્યો છે. તેમણે મુક્તકોના પાંચ પુસ્તકોનું પ્રદાન કર્યું છે. લેખના અંતમાં તેમના મુક્તકોનું આચમન કરીએ.
વહ સ્વયં મેં બુરી નહીં હોતી,
દિવ્યતા આસુરી નહીં હોતી,
હોગા વાદક હી બેસુરા કોઈ,
બાંસુરી બેસુરી નહીં હોતી.
નાશ કો એક કહર કાફી હૈ,
નાવ કો એક લહર કાફી હૈ,
પ્રાણ હરને કે લિયે પ્યાલે મેં,
એક હી બૂંદ ઝહર કાફી હૈ.
હમ વિધાતા થે, વિધાયક ન રહે,
શ્રેષ્ઠ થે, અબ કિસી લાયક ન રહે,
આજ ભી હૈં તો મગર નાટક મેં,
હમ વિદૂષક હી હૈં, નાયક ન રહે.