“રા’ લાખે જા જાની: કચ્છી પક્ષી ફ્લેમિંગો

વીક એન્ડ

કેફિયત-એ-કચ્છ-રાજેશ માહેશ્ર્વરી

કચ્છમાં પક્ષીઓની અનેક જાતો છે. અને કચ્છ પ્રાણી-પક્ષીઓથી સભર મલક છે. આ તમામ પક્ષીઓમાં યાયાવર પક્ષી જેને સુરખાબ કહેવાય છે. અંગ્રેજીમાં ફલેમિંગો (Flammingo) જે ખૂબ જ નાજુક સોહામણા છે. જે કચ્છના મોટા રણમાં સાઈબેરિયા કે અન્ય દૂરસ્થ સ્થળેથી હજારો કિમી. અંતર કાપીને કચ્છમાં મોટા રણમાં પોતાની પ્રજનન ભૂમિ બનાવી છે અને ફલેમિંગો જેવા યાયાવર પક્ષીઓનું તે કુદરતી અભયારણ્ય બન્યું છે.
લાંબી સુરેખ ડોક, લાંબા પગ, સુંદર પાંખ અને રક્ત ધવલ દેહ પ્રભા ધરાવતા આ રૂપકડા પક્ષીઓ ઊગતા કે આથમતા સૂર્ય પ્રકાશમાં ડોક આગળ અને પગ પાછળ લંબાવીને લાલિત્યપૂર્ણ ઉડાન ભરતા હોય છે. ત્યારે એ દૃશ્ય પ્રાકૃતિક સૌંદર્યસભર અને અવિસ્મરણીય બની રહે છે. કચ્છમાં સુરખાબોનો મેળો જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો રણ પ્રવાસે આવે છે.
ફલેમિંગો (સુરખાબ)ની વસાહત શોધવાનો યશ મહારાજા શ્રી ખેંગારજીને મળે છે. પક્ષીઓની ઇતિહાસની એક મહત્ત્વની કડી ઉપરોક્ત સમય દરમિયાન કચ્છના મોટા રણમાં ફલેમિંગો યા સૂરખાબના પ્રજનનની શોધ કરી હતી. આ શોધ માટેનો યશ મહારાવ શ્રી ખેંગારજીને આપવાનો રહે છે. તેમણે સને ૧૮૯૩માં કેપ્ટન લેસ્ટરને આ બાબત ખબર આપ્યા અને લેસ્ટરે તે સંબંધી એક નોંધ “બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના જર્નલમાં મોકલી આપી હતી તે પ્રસિદ્ધ થયા પછી તે વખતના હ્યુમ (Hume) સહિત અમુક પક્ષીવિદ્ોએ આ શોધ વિશે સંશય વ્યકત કરેલ કારણ કે આ પહેલાં આ પક્ષીના બચ્ચાં ઉછેરવાનો ભારતમાં કોઈ દાખલો ન હતો આ પરથી મહારાવ શ્રી ખેંગારજીએ બીજીવાર સુરખાબના માળા અને ઇંડાના સમાચાર આપ્યા ત્યારે સમયસર રાજ્યના ફોટોગ્રાફરને રણમાં મોકલીને એ પક્ષીઓની વસાહતના ફોટા લેવડાવ્યા અને એ ફોટા સહિત ૧૯૦૪માં પોતે ખુદ નોંધ તૈયાર કરી પ્રસિદ્ધ કરાવી એ બાબત સદ્ધર પ્રમાણ આપ્યું. આ છે સુરખાબના અસ્તિત્વનો (કચ્છમાં) પ્રથમ ઇતિહાસ. આમ તો આ પક્ષીઓ આપણા ઉપખંડમાં સદીઓથી સ્થાયી છે પણ તેમના પ્રજનન વિશે આ દેશમાં કોઈને માહિતી ન હતી માટે મહારાવ શ્રી ખેંગારજીના આ ભગીરથ કાર્યને લીધે ફલેમિંગોને “રા’ લાખેજા જાની તરીકે ઓળખાય છે.
આ ફલેમિંગોની કુલ પાંચ જાતો છે. પરંતુ કચ્છના મોટા રણમાં મુખ્યત્વે ૨ જાતો જોવા મળે છે. ગ્રેટર ફલેમિંગો અને લેસર ફલેમિંગો.
સામાન્ય રીતે વર્ષા ઋતુમાં કચ્છના રણમાં પાણી ભરાય છે ત્યારે રણનું ખારું પાણી અને વરસાદનું મીઠું પાણી ભળે છે અને આ મિશ્રિત પાણીમાં એક પ્રકારની લીલ ઊગે છે. જેને (Algi) આલ્ગી તરીકે પણ અંગ્રેજીમાં ઓળખાય છે. જે આ ફલેમિંગોનો મુખ્યત્વે ખોરાક છે અને તેના પર નભે છે. અલબત્ત માછલાં અને અન્ય સમુદ્રી જીવજંતુ તો તેમનું ભક્ષ્ય (ખોરાક) છે જ.
આ લેસર અને ગ્રેટર ફલેમિંગો કચ્છની સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. કચ્છીમાં તેને હંજ પણ કહેવામાં આવે છે.
જુલાઈ-ઑગસ્ટ માસના વરસાદના પગલે પક્ષીઓની બ્રિડીંગ સાઈટ નક્કી થાય છે. જુલાઈ માસ વરસાદ થતાંની સાથે રણમાં ખાસ જે હંજ બેટ તરીકે ઓળખાય છે તે ખડીરમાં ધોળાવીરાના ભાંજડો ભેટની ઉત્તરે આવેલી જમીન ઉપર ઊઠેલી જગ્યા નાનકડા બેટે તે ફલેમિંગો સીટી અને હાલમાં જે ફોરેસ્ટ વિભાગ ૨૦૨૧માં કૃત્રિમ સાઈટ બનાવી હતી જે ઊંચી હતી જેથી કરીને ફલેમિંગોનાં ઈંડા પાણી વધારે પડે તો પણ તણાય નહીં. અમુક જાણકારોનું માનવું છે કે અગાઉ ૧૫ વર્ષ પહેલાં પણ આ કહેવત કૃત્રિમ સાઈટ પર ફલેમિંગોએ પ્રજનન કરેલ છે અને માળા બનાવી ઈંડા મૂકયા છે અને તેમાંથી બાળ સુરખાબને જોયા છે.
આ પક્ષીઓ ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં બચ્ચાં સેવે છે અને ત્યાર બાદ તાલીમ આપી ઉછેર કરી રણમાં વિહરતા જોવા મળે છે. રણમાં પણ પાણી સુકાય ત્યારે તેની પાંખોમાં નમક બાઝી જવાથી તેમનાથી મુશ્કેલીભર્યું ઉડાન થાય છે અને મોટી સંખ્યામાં બાળસુરખાબ મોતને ભેટે છે. એટલું જ નહીં ઇંડા વખતે પણ એવું થાય છે જ્યાં માળા બાંધે છે ત્યાં જો પાણી ભરાઈ જાય અને ઇંડા તણાઈ જાય તો પણ હજારો-લાખોમાં થાય છે. આમ લાખો ઇંડા અને બચ્ચાં થયા બાદ પણ મોટી સંખ્યામાં મરણ થાય છે. જીવી ગયેલાં બચ્ચાંઓ લઈને મીઠાં પાણીના જળાશયોમાં અને વાગડ વિસ્તારમાં તેઓ દરિયા કિનારા તરફ અલગ અલગ જગ્યાએ ફેલાઈ જાય છે.
આ વર્ષે ૨૦૨૨માં હજારોની સંખ્યામાં કચ્છના રણમાં હંજ પક્ષી (ફલેમિંગો)નું પ્રજનન થયું છે. તેમાં ઇંડા, બાળસુરખાબોની કલરવથી રણ ગુંજી ઊઠ્યું છે અને આ ફલેમિંગો સીટીની બહાર વનવિભાગના કહેવા મુજબ બે વરસ પહેલા કૃત્રિમ બનાવ્યું હતું તે આર્ટિફિશિયલ માઉન્ટ (ટેકરા)માં આ વર્ષે ફલેમિંગોએ ત્યાં માળા બનાવી ઇંડાને જન્મ આપ્યા છે અને બાળસુરખાબ ત્યાં કલશોર કરી રહ્યા છે. આવો પ્રયોગ ફોરેસ્ટ સંરક્ષકના જણાવ્યા મુજબ પહેલી વાર થયો હતો અને તેને સફળતા મળી છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ ક્યારેય ન થયેલા આ પ્રયોગ થકી વનવિભાગને અણધારી સફળતા મળી છે. સુરખાબ જતન માટે હાથ ધરાયેલ આ પ્રયોગ થકી આવતા ‘શિયાળામાં મોટી સંખ્યામાં સુરખાબ એડી બેટ ઉપરાંત આ નવી વસાહત ખાતે આવશે જે ફલેમિંગો સીટીથી થોડે દૂર છે. તેમના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં આ વખતે પૂરગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો કચ્છના મોટા રણમાં પુષ્કળ પાણી ભરાયું છે. પરંતુ આ ઊંચા ટેકરાને લીધે ફલેમિંગોના ઇંડા અને બાળસુરખાબ સુરક્ષિત રહેશે.
આ પક્ષી જન્મે કચ્છી જ છે. તેને વિદેશી કહેવું? તે પણ એક કોયડો છે. કચ્છ અને કચ્છ બહાર વસતા પ્રકૃતિપ્રેમીઓમાં પણ આ પક્ષીઓ પ્રત્યે અપાર પ્રેમ છે. તે વર્ષોથી જોતા આવીએ છીએ અને તેનો એક સચોટ પુરાવો ૨૦૧૧નો છે. શીરાવાંઢથી અમરાપરની વચ્ચે ૨૦૧૧માં હજારોની સંખ્યામાં વીજતાર સાથે અથડાઈને આ પક્ષીઓ મૃત્યુ પામ્યા હતાં. આ સમાચાર વર્તમાનપત્રો દ્વારા ભારતભરમાં ફેલાયા હતા અને દેશભરની અગ્રિમ મીડિયાએ આ સમાચારનું સંવેદનશીલ રિપોર્ટિંગ કર્યું હતું અને આ હાઈટેન્શનવાળા વીજળીના તારોને દૂર કરવામાં આવ્યા હતા અને આ વિસ્તારમાં આ રૂપકડાં વિહંગો સુખ-ચેનથી વિહરી શકે તે માટે પ્રયત્નો થયા હતા અને તેના પરિણામે આ વિહંગો સુખચેનથી તેમના બાળસુરખાબ સાથે વિહરે છે. કિલ્લોલ કરે છે અને આનંદથી મોજ-મસ્તી કરે છે અને આ પરિણામે ખડીરમાં આ વખતે રણ શોરબકોરથી ગાજે છે અને પક્ષીપ્રેમીઓ આ વખતે વધુ આવશે એવી ધારણા સેવાઈ રહી છે. પરંતુ આ સાઈટ વનવિભાગે હજુ ખુલ્લી નથી મૂકી કે કોઈને જણાવ્યું નથી. ફોરેસ્ટ વિભાગે ત્યાં વૉચ ટાવર પણ બનાવ્યા છે. જેથી કરીને કોઈ શિકારી કે અન્ય પ્રાણી આ પક્ષીઓના જીવનમાં ખલેલ ન પહોંચાડે અને સુરખાબ એ કચ્છને મળેલ કુદરત તરફ મળેલ અપ્રતિમ ભેટ છે એવું કહી શકાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.