Homeલાડકીજ્યાં તમારી કદર નથી ત્યાં ઘસાવાનું વહેલી તકે છોડી દો...

જ્યાં તમારી કદર નથી ત્યાં ઘસાવાનું વહેલી તકે છોડી દો…

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

કોઈ તમારા માટે સતત ઘસાઈ રહ્યું હોય તો એની તમને કદર હોય છે? કોઈ તમારી માટે સતત મથી રહ્યું છે એની જાણ હોવા છતાં તમે અજાણ બનવા પ્રયાસ કરો છો? તમે કોઈના પર અવિરત પ્રેમ વરસાવી રહ્યા હોય ને સામેવાળું પાત્ર એને ઇગ્નોર કરે એવું લાગે છે?
આપણાથી જોડાયેલા દરેક સંબંધો આપણને કાયમ સુખ આપ્યા જ કરે એ જરૂરી નથી. એ ક્યારેક અસહ્ય પીડા અને અપાર દુ:ખો લઈને પણ આવે છે. ક્યારેક આપણે આ બધું જાણતા હોવા છતાં અને ક્યારેક અજાણ્યા બનીને પણ કોઈકનો આપણા માટેનો ઘસારો જોયા કરીએ છીએ. એક વાત મન મસ્તિષ્કમાં હંમેશાં કોતરીને રાખવી જોઈએ કે લાગણીઓને ક્યાં, કેટલી અને ક્યારે વહાવવી એ આવડતું હોય તો જ એને પાત્રતા જોઈને વહાવાય. બાકી એ પ્રવાહમાં તણાઈ જવાનો વારો લાગણીશીલ, સંવેદનશીલ માણસનો જ આવે. કારણ કે આપણા પ્રેમ, કાળજી, સંવેદના કોઈ આમનમ ઈઝીલી લઈ લે એવું તો કેમ ચાલે? જે આપણા પોતાના છે એના માટે જીવ પણ આપી દઈએ, પરંતુ એને કદર છે કે કેમ એ પહેલાં જાણી લેવું જોઈએ. દરેક સંબંધ કેટલીક અવધિ લઈને જન્મે છે. એને પરાણે ટકાવવા મથતાં આપણે વિચારી લેવાય કે એક છેડે નમતું મૂકવાથી અથવા તો ખેંચવાથી નુકસાન એ છેડાને વધુ થશે. માટે કેટલીક વાર આપણી લાગણીઓ પર, પરોપકારની ભાવના પર અને ખાસ આપણા અતિ પ્રેમાળ સ્વભાવ પર ચાબુક સાથેનો કંટ્રોલ હોવો જરૂરી છે.
આપણો મૂડ દરેક સમયે સરખો નથી રહી શકતો. ક્યારેક આપણે કોઈ પણ અઢળક વ્હાલ વરસાવીએ તો ક્યારેક એનાથી જ ઇરીટેટ થઈએ. પ્રેમ, સંવેદના, કાળજીની સાથોસાથ ગુસ્સો, નારાજગી અને બેકાળજીભર્યું વર્તન પણ કરતા હોઈએ છીએ. એટલે સંબંધને પણ કાટ લાગે છે. સંબંધ પણ ઝોકા ખાય છે. સંબંધ પણ માવજત માગે છે. સંબંધને પણ થાક લાગે છે. એને પણ માણસની જેમ પેમ્પર કરતા રહેવું પડે છે. હળવા હાથે પંપાળતા રહેવું પડે છે. આવું કરવા જતાં કેટલીક વાર બધું એઝ ઈટ ઈઝ જળવાઈ રહે છે તો ક્યારેક આપણી દરેક પ્રકારની મથામણ એળે પણ જાય છે. હવે જ્યારે આપણાથી સઘળું કરી છૂટ્યા પછી પણ, ઘસાઈને, કટાઈને, નિચોવાઈને પણ જો કશું જ હાથમાં આવતું નથી ત્યારે આપણને અફસોસ એ વાતનો થાય કે યાર મેં મારી ઊર્જા ક્યાં વેડફી?
અને એટલે જ આપણા ઘસાવાનો ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ, આપણી સંવેદનાઓની મજાક ઊડી તો નથી રહી ને? એ પણ સમયાંતરે તપાસતા રહેવું આવશ્યક છે. કદર ન થાય તો પણ ભલે, પરંતુ પ્રેમાળ લાગણીઓને નીચોવીને ફેંકી દેતા લોકોને ઓળખતા ચોક્કસ આવડવું જોઈએ. સારાપણાનો ફાયદો ઉઠાવી આપણી જ લાગણીઓનું ફુલેકું ફેરવીને જાય એ તો ન જ ચાલે. આપણા છે એ આપણા જ રહેવાના. ક્યારેય એ આપણા મટી નથી જવાના. પણ પોતાનાપણાનો અહેસાસ બંને પક્ષે સરખો હોવો જરૂરી છે. તો અને તો જ સંબંધને ઘસાવાની અને કટાવાની છૂટ આપવી. નહિતર એ સ્ટેજ પહેલાં જ પાછું વળી જવામાં ભલાઈ છે.
બે જિગરજાન મિત્રો હતા. એમાંથી એકને કોઈ સેમિનાર હોસ્ટ કરવાનો થયો. એટલે એનો જે મિત્ર હતો એ આવા કાર્યક્રમોના વિવિધ તબક્કાઓ શબ્દોમાં કંડારવામાં માહિર હતો. એણે તેના મિત્રને રાત આખી જાગીને ખૂબ મદદ કરી. અને કાર્યક્રમમાં એની સ્પીચ તેમજ શબ્દોના ખૂબ વખાણ થયા. હવે એ જ સમયે તેણે પોતાના મિત્રને સ્ટેજ પર બોલાવી, એણે શબ્દોની કરી આપેલી ગોઠવણ સાથે તેના મિત્રની ખૂબ પ્રશંસા કરી. જેથી એનો મિત્ર પણ કાર્યક્રમમાં છવાઈ ગયો. અહીં કહેવાનો અર્થ એ છે કે આપણા જીવનમાં એવી વ્યક્તિ પણ હોય છે જે આપણા મોઢેથી એના વખાણ સાંભળવાનું ઈચ્છે. અને આવું ઇચ્છવું એ સ્વભાવ સહજ બાબત છે. જ્યાં એકબીજા પ્રત્યે લાગણી અને સ્નેહ છે ત્યાં આવી અપેક્ષાઓ વ્યાજબી પણ છે. કોઈને આગળ લઈ જવા, કોઈની તકલીફ દૂર કરવા આપણે કંઈપણ કરીએ તો એટલી આશા ચોક્કસ હોય કે એટલીસ્ટ આપણી એને કદર હોય…!
એક સાસુ વહુની ખૂબ સુંદર વાત મેં સાંભળેલી. સાસુને છેલ્લાં ૩૦ વર્ષથી સરકારી નોકરી છે. રોજ વહેલા ચાર વાગ્યે ઊઠીને ઘરકામ પતાવી પછી પોતાની જોબ પર જાય. વળી સાંજે આવીને વધ્યું ઘટ્યું કામ પતાવે. એના દીકરાના લગ્ન થયા. વહુના આગમન પહેલાં જ એમણે કામવાળા હેલ્પર બહેન રાખી લીધા. પુત્રવધૂ હાઉસવાઈફ હતાં. છતાં પણ સાસુમા રોજ સવારે ચાર વાગ્યે ઊઠીને એમનો નિત્યક્રમ પતાવીને પછી જ પોતાની નોકરીએ જાય. પોતાની પુત્રવધૂ સવારે સાત વાગ્યે ઊઠે. ઘણાં સગા વ્હાલા લોકોએ સાસુમાને ઉશ્કેરવા પ્રયાસ કરી જોયા. એમનો એક જ પેટર્ન જવાબ હતો. ‘આખી જિંદગી જે રીતે મેં મારી ઊંઘનો ભોગ આપી મારાં સપનાઓનો પણ ત્યાગ કર્યો છે એવું મારી પુત્રવધુ સાથે હું બિલકુલ નહીં થવા દઉં.’ અને નવાઈની વાત તો એ કે પુત્રવધૂને પોતાના પિયર કરતાં સાસરીમાં અને એમાં પણ સાસુમાં સાથે જ વધુ ફાવે છે. ઈવન એના પિયરમાં જવાનું થાય તો સાસુમાને ભેટીને રડીને જાય જાણે એક દીકરી એની માથી વિખૂટી પડી ગઈ હોય…! વળી એમના પૌત્રના પણ ફેવરિટ દાદી છે. મામાના ઘરથી વિશેષ એને દાદી વ્હાલા છે. આવા સંબંધો આપણી આસપાસ કેટલા હશે જે પોતાના પહેલાં આપણી કાળજી લેતાં હશે? આવા અણમોલ સંબંધોને હૈયાની ફ્રેમમાં કાયમ માટે મઢી લેવા જોઈએ. કારણ કે અહીં ઘસાઈને ઉજળા થવાની વાત સ્પષ્ટ વર્તાઈ આવે છે. પણ પાત્રતા સૌથી વધુ અગત્યની છે. કોઈના માટે આપણે સર્વસ્વ કુરબાન કરી રહ્યા હોય, કોઈના માટે આપણે એવું વિચારી રહ્યા હોઈએ કે જેવું જીવન હું જીવ્યો/જીવી, એના કરતાંય બેટર હું નવી પેઢીને આપીશ, તો સામેના પક્ષને કદર હોવીને હોવી જ જોઈએ. જે દુ:ખ મેં ભોગવ્યા કે જે રીતે ભૂતકાળમાં હું હેરાન થઈ/થયો એમ હું જે મારા પોતાના છે એને હેરાન નહિ જ થવા દઉં. આવી ભાવના જેમના પ્રત્યે હોય સ્વાભાવિક રીતે જ તેમના પ્રત્યેથી રિટર્ન એવા વર્તનની અપેક્ષા રખાતી હોય છે. પણ જો આમ ન થતું હોય, મતલબ કે એક પક્ષ સતત ઘસાઈ રહ્યો હોય ને બીજો પક્ષ એની મહાનતાને નજરઅંદાજ કરી રહ્યો હોય તો આપણી જાતને અંધારા ઓરડામાં બંધ કરી એકાંતમાં પૂછી લેવું જોઈએ કે, ‘યાર તું ખોટું તો નથી કરી રહ્યો/રહી ને?’ જે જવાબ મળે એના પર ફોકસ કરી, આપણી વર્તનની રીત બદલીને સામા પક્ષને એની ભૂલનો અહેસાસ કરાવી શકાય. ——-
કલાઈમેક્સ:
જ્યારથી તે મારી કદર કરવાનું છોડ્યું તે દિવસથી હું ‘મારી’ કદર કરતી
થઈ ગઈ…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular