સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક

ભારતની ધરતી પર પાકતાં ધાન્યની વિવિધ જાતોથી તો સામાન્ય રીતે આપણે પરિચિત હોઈએ જ છીએ. આજકાલ વિદેશી ધાન્યના લાભ જાણીને અનેક લોકો તેનો આહારમાં ઉપયોગ કરવાનું પસંદ કરવા લાગ્યા છે. વિદેશી ફળોના ઉત્પાદનની સાથે વિદેશી ધાન્યની ખેતીને પણ ભારતીય ખેડૂત પ્રાધાન્ય આપવા લાગ્યા છે. ક્વિનોઆની ઓળખ એક અદ્ભુત ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે. ક્વિનોઆનું મુખ્ય ઉત્પાદન દક્ષિણ અમેરિકામાં ઍન્ડીઝ પહાડની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ભારતમાં પણ પહાડી વિસ્તારમાં અનેક વનસ્પતિ તથા ઔષધિના છોડ જોવા મળે છે, જેને આયુર્વેદમાં અત્યંત મૂલ્યવાન ગણવામાં આવે છે. ક્વિનોઆના છોડની ઊંચાઈ જમીનથી લગભગ બે મીટરથી ઉપર વધેલી જોવા મળે છે. તેનાં બીજનો ઉપયોગ આહારમાં કરવામાં આવે છે, જેના દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભ મેળવી શકાય છે.
ક્વિનોઆના વિવિધ પ્રકાર જોવા મળે છે, જેમ કે લાલ ક્વિનોઆ, કાળા ક્વિનોઆ તથા સફેદ ક્વિનોઆ કે આઈવરી ક્વિનોઆ. લાલ તથા કાળા ક્વિનોઆનો રંગ પકાવ્યા બાદ પણ લાલ તથા કાળો જ રહે છે. ક્વિનોઆનો ઉપયોગ આહારમાં વિવિધ રીતે કરી શકાય છે. ચોખાની જેમ તેને રાંધીને ખાઈ શકાય છે. વળી તેનો ઉપયોગ સવાર-બપોર-સાંજ એમ ત્રણે વખત આહારમાં કરી શકાય છે. ક્વિનોઆનો ઉપયોગ સલાડ, સૂપ, ખીર, બર્ગર કે પૅનકેક્સ તરીકે પણ કરી શકાય છે.
———————-
ક્વિનોઆના આરોગ્યવર્ધક લાભ 
વજન ઘટાડવામાં અત્યંત ગુણકારી
વજન ઘટાડવા ઈચ્છતી વ્યક્તિને માટે ક્વિનોઆ અત્યંત ગુણકારી ધાન્ય ગણાય છે. આહારતજ્જ્ઞો દ્વારા મોટાપાથી છુટકારો મેળવવા માગતી વ્યક્તિને લાંબા સમય સુધી ક્વિનોઆનો જ આહારમાં ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. તેનું મુખ્ય કારણ તેને એક પ્રોટીનથી ભરપૂર આહાર ગણવામાં આવે છે. વળી ક્વિનોઓમાં બીટાઈન નામનું એક ખાસ સત્ત્વ પણ સમાયેલું જોવા મળે છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જર્નલ ઑફ ન્યુટ્રિશન ઍન્ડ ફૂડ સાયન્સ દ્વારા થયેલા સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે ક્વિનોઆમાં બીટાઈન નામક સત્ત્વ હોવાને કારણે મોટાપાની સમસ્યામાં તે એક રામબાણ ઈલાજ ગણવામાં આવે છે. ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે ચયાપચયની પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે. લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ગ્લાઈસેમિક ઈન્ડેક્સની માત્રા ઓછી હોવાને કારણે ક્વિનોઆ ધાન્યની ગણના એક સ્વાસ્થ્યસભર ભોજનમાં કરવામાં આવે છે.
——————–
હૃદયની તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી
ક્વિનોઆના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે કરવામાં આવેલા એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે ક્વિનોઆ ટ્રાઈગ્લિસરાઈડ સિરમની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આમ હૃદય સંબંધિત તકલીફોથી બચાવે છે. ક્વિનોઆમાં પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. હૃદયના ધબકારાને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. લોહીમાં સારા કૉલેસ્ટરોલને જાળવી રાખવામાં મદદ કરે છે.
————–
પાચનક્રિયા મજબૂત બનાવે છે
ગ્લુટેન ફ્રી આહાર પસંદ કરતી વ્યક્તિઓ માટે ક્વિનોઆ અત્યંત જરૂરી આહાર ગણાય છે. ક્વિનોઆમાં ટ્રિપ્સિન ઈન્હિબિટર્સ નામના ઍન્ઝાઈમની માત્રા ઘણી ઓછી જોવા મળે છે. એવી પણ જાણકારી મળે છે કે ટ્રિપ્સિન ઈન્હિબિટર્સ પ્રોટીનને પચાવવામાં અડચણ પેદા કરે છે. વળી ક્વિનોઆમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં હોવાને કારણે પાચનક્રિયામાં સુધારો કરે છે. આંતરડામાં સારા બૅક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. ક્વિનોઆમાં એમિનો એસિડ, કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડની માત્રા સમાયેલી હોવાને કારણે શરીરને પર્યાપ્ત માત્રામાં ઊર્જા મળી રહે છે.
—————
ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરના દર્દી માટે લાભદાયક
ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરની સમસ્યા આજકાલ નાની વયમાં થતી જોવા મળે છે. તેનું મુખ્ય કારણ અનિયમિત આહાર તથા સ્પર્ધાત્મક જીવન ગણાવી શકાય. નાની વયમાં જો તેને નિયંત્રિત કરવામાં ન આવે તો ધીમે ધીમે વ્યાધિ પોતાની સીમા પાર કરે છે. વ્યક્તિના જીવનને કષ્ટદાયક પણ બનાવી દે તેવું જોવા મળે છે. ક્વિનોઆ આખા ધાન્ય તરીકે ઓળખાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રોટીનસભર આખા કડધાન્યનો આહારમાં સમાવેશ અત્યંત જરૂરી ગણવામાં આવે છે. ટાઈપ-૨ ડાયાબિટીસના દર્દીઓ સવાર-બપોર-સાંજ તેમ ૩ વખત ક્વિનોઆનો આહારમાં સમાવેશ કરે તો દર્દમાં રાહત મળે છે. શરીરમાં ઈન્સ્યુલિનની સક્રિયતા વધારીને લોહીમાં શર્કરાની માત્રા ઘટાડવામાં મદદ કરે છે.
ક્વિનોઆ ઉપર કરવામાં આવેલા સંશોધન દ્વારા જાણવા મળ્યું
છે કે તેનો આહારમાં સમાવેશ કરવાથી ડાયાબિટીસની સાથે
બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેનું મુખ્ય કારણ
છે ક્વિનોઆમાં મેગ્નેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી
છે. સ્નાયુઓની સાથે લોહીની નશોનું કામ સુચારુ રાખવામાં મદદ કરે છે.
——————-
ત્વચાને ચમકદાર બનાવે છે
ત્વચાને સ્વસ્થ રાખવા માટે પણ ક્વિનોઆનો ઉપયોગ આહારમાં કરવો આવશ્યક ગણાય છે. એનસીબીઆઈ (નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફર્મેશન) દ્વારા કરવામાં આવેલી શોધ દ્વારા જાણવા મળે છે કે ક્વિનોઆમાં સમાયેલ સેપોનિન્સ ત્વચાની તંદુરસ્તી માટે અત્યંત અગત્યની ભૂમિકા ભજવે છે. ત્વચાની કુદરતી ચમક જાળવી રાખવામાં મદદ કરે છે. વળી વિટામિન બીની માત્રા સારા પ્રમાણમાં હોવાથી પાચનક્રિયામાં સુધારો જોવા મળે છે, જેનો લાભ ત્વચાને જ થતો જોવા મળે છે.
————–
સોજાને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ
ક્વિનોઆનો આહારમાં ઉપયોગ કરવાથી શરીરમાં હવામાનના બદલાવને કારણે કે ગેસને કારણે જોવા મળતા સોજાને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. તેનું મુખ્ય કારણ છે ક્વિનોઆમાં સેપોનિન્સ નામક ખાસ તત્ત્વ સમાયેલું છે, જે ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણધર્મની માત્રા ધરાવે છે. આમ શરીરમાં આવતા સામાન્ય સોજાને નિયંત્રણમાં રાખવામાં ક્વિનોઆ ઉપયોગી આહાર ગણાય છે.
——————
ક્વિનોઆની ચટપટી વાનગી
સામગ્રી: ૧ કપ ક્વિનોઆ, ૧ નાની વાટકી છોલે ચણા બાફેલા, ૧ કપ ટામેટાં ઝીણાં સમોરલાં, ૧ કપ બાફેલા લીલા વટાણા, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ, સ્વાદાનુસાર મીઠું, સજાવટ માટે પાર્સલે, ૧ મોટી ચમચી ઘી વઘાર માટે, સ્વાદ માટે મસાલો, ૧ ટુકડો તજ.
બનાવવાની રીત: સૌપ્રથમ ક્વિનોઆને વહેતા પાણીમાં ઝીણી ચારણીમાં કાઢીને સાફ કરી લેવા. હવે તેને એક પહોળા વાસણમાં મધ્યમ આંચ પર બાફવા. તેમાં તજનો ટુકડો ઉમેરી દેવો. દાણા બરાબર બફાઈ જાય તેની કાળજી રાખવી. એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં જીરાથી વઘાર કરવો. બાફેલા છોલે, બાફેલા વટાણા, ટામેટા તથા આદું-મરચાં-લસણની પેસ્ટ ઉમેરવી. ધીમા તાપે પાંચ મિનિટ રાખવું. હવે તેમાં બાફેલા ક્વિનોઆ ભેળવવા. લીંબુનો રસ ભેળવવો. સ્વાદાનુસાર મીઠું તથા મસાલો નાખીને બરાબર ભેળવી લેવું. પાર્સલેથી સજાવીને ગરમાગરમ પીરસવું.
ક્વિનોઆ વિશે અવનવું
* સંપૂર્ણ આહારની શ્રેણીમાં ક્વિનોઆને મૂકી શકાય છે. તેમાં ફાઈબર, પ્રોટીન તથા વિટામિન્સનો ખજાનો સમાયેલો જોવા મળે છે.
* ક્વિનોઆની ખેતી લગભગ ૫ાંચ હજાર વર્ષથી કરવામાં આવે છે.
* સાઉથ અમેરિકામાં તેનો પાક સૌથી વધુ થતો જોવા મળે છે.
* એક કપ રાંધેલા ક્વિનોઆમાં ૫ાંચ ગ્રામ ફાઈબરની માત્રા સમાયેલી જોવા મળે છે.
* ભારતમાં ક્વિનોઆની ખેતી રાજસ્થાન, કર્ણાટક, તમિળનાડુ તથા આંધ્ર પ્રદેશમાં કરવામાં આવે છે.

 

Google search engine