Homeરોજ બરોજપંતની ઓવર સ્પીડથી ઉત્પન્ન થતો પ્રશ્ર્ન: અકસ્માતનો અંત ક્યારે?

પંતની ઓવર સ્પીડથી ઉત્પન્ન થતો પ્રશ્ર્ન: અકસ્માતનો અંત ક્યારે?

રોજ બરોજ -અભિમન્યુ મોદી

૨૦૨૨નો છેલ્લો શુક્રવાર બ્લેક ફ્રાઈડે બની ગયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાએ અંતિમ શ્ર્વાસ લીધા, ફૂટબોલના જાદુગર પેલેનું નિધન થયું. આ દરમિયાન ઉત્તરાખંડના હરિદ્વારમાં રીષભ પંતને માર્ગ અકસ્માત નડ્યો. જેમાં તે મોતના મુખમાંથી પાછા આવ્યા. સમયચક્રની રમત કહો કે કુદરતની ગોઠવણ ત્રણેય ઘટનાઓ મધ્યરાત્રીએ જ ઘટી અને થોડી જ મિનિટોના અંતરે મોતની રમત શરૂ થઈ. આ ઘટનાઓ વિશે ઘણું છપાયું, પરંતુ ૨૦૨૨ના છેલ્લા દિવસની રાત્રીએ પણ નવસારી જિલ્લામાં પ્રમુખસ્વામી નગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે ફોર્ચ્યુનરનો અકસ્માત સર્જાયો અને ૯ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. તેમની કોઈ ચર્ચા દેશ-દુનિયાએ ન કરી!
ભારતમાં દ્વિચક્રી અને ચતુર્ચક્રી વાહનોમાં ખામી સર્જાવી સામાન્ય વાત છે. લોકો કારમાં જીવતા ભડથું થઈ જાય છે છતાં અખબારોમાં આખો કિસ્સો બે કોલમમાં સમેટાય જાય છે, પરંતુ રિષભ પંત ક્રિકેટર છે, ઉર્વશી રૌતેલાનો ક્રશ છે, યુવાધનમાં પ્રબળ લોકચાહના ધરાવે છે એટલે તેના અકસ્માતનો કુઠારાઘાત તો ચાહકો કઈ રીતે સહન કરી શકે! ચારેકોર માનવતાનું હનન થયાની ચર્ચા થવા લાગી. બન્યું એવું કે પંત ઘાયલ અવસ્થામાં બહાર નીકળ્યા ત્યારે સ્થળ પર ઉપસ્થિત અમુક છેલબટાઉ યુવાનો તેની પાસે તો આવ્યા, પરંતુ મદદ કરવાને સ્થાને પંતના પૈસા પડાવી-લૂંટીને જતા રહ્યા. નેટિઝન્સે આ મુદ્દાને એટલો વાઇરલ કર્યો કે પંતના દુ:ખ,દર્દ સાથે લોકો જોડાય ગયા. આ દુર્ઘટના બાદ દેશમાં ટ્રાફિકના નિયમ, સીટબેલ્ટ વગેરેની ખાસ્સી ચર્ચા શરૂ થઈ, તો શું દુર્ઘટના બાદ જ ગંભીર બનવાનું? ધરતીકંપ, કોરોના હોય કે સ્વાઈન ફ્લુ લોકોને ઊંઘમાંથી જગાડવા માટે અનિચ્છનીય બનાવ બનવો જરૂરી છે? તેમાંય કોઈ નામાંકિત વ્યક્તિ દુર્ઘટનાનો ભોગ બને એટલે ગલીએ ગલીએ ટ્રાફિકનું જ્ઞાન ધરાવતા બુદ્ધિજીવીઓ નીકળી પડે અને રોડ સેફટી તથા સીટ બેલ્ટ પર નિબંધ રજૂ કરવા માંડે, પંતના કેસમાં આવું જ થયું. લોકોએ માનવતા અને સીટબેલ્ટના મુદ્દા પર વિચારો રજૂ કર્યા, પરંતુ કોઈએ એ પ્રશ્ર્ન ઊઠાવ્યો નહીં કે ૧૨૦થી ઉપરની ઝડપે કાર શા માટે ચલાવવી જોઈએ?
ભારતમાં નિયમભંગ જીવનશૈલી સાથે વણાઇ ગયો છે. ખાલી રોડ નિહાળીને યુવાધન તો ખૂંટિયાની જેમ બેકાબૂ બને સ્પીડનું મીટર તૂટી જાય એ ગતિએ વાહન હંકારે છે. પંતના અકસ્માત બાદ શિખર ધવન સાથેનો તેનો એક વીડિયો વાઇરલ થયો જેમાં શિખર પંતને હળવા મૂડમાં બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ ન કરવાની અને રફ્તારની ગતિમાં કાર ન ચલાવવાની સૂચના આપે છે. નિયમ,સૂચના તો ભારતની પ્રજા ઘોળીને પી ગઈ છે તો પંત ક્યાંથી માને? ભૂતકાળમાં આવા અકસ્માત થયા છતાં કોઇએ બોધપાઠ લીધાનું જણાતું નથી. પંતના અકસ્માત બાદ માર્ગ દુર્ઘટનાઓ અને ટેકનિકલ ક્ષતિથી સર્જાતી જીવલેણ ઘટનાઓ નવેસરથી વિવાદના વંટોળ સર્જી રહી છે. સાથો-સાથએ મુદ્દો પણ ઉઠ્યો છે કે પંચ તારક રેટિંગવાળી મર્સિડીઝ કારમાં ૭ એરબેગ મળે છે છતાં છાશવારે લોકો અકસ્માતઓ ભોગ કેમ બને છે. પંત પાસે મર્સિડીઝનું જીએલઈ ૪૩ મોડેલ છે. જેને યુરો એનસીએપી દ્વારા વિશ્ર્વની ઉત્તમ કાર હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. યુરો એનસીએપી યુરોપના રાષ્ટ્રોમાં નિર્માણ પામતા મોંઘાદાટ સંસાધનોનું ચેકિંગ કરતું એકમ છે. જો કોઈ ક્ષતિ જણાઈ તો યુરો એનસીએપી તરફથી તેને માન્યતા નથી મળતી. જયારે મર્સિડીઝના જીએલઈ ૪૩ મોડેલમાં ૭ એરબેગ્સ, ક્રોસવિન્ડ અસિસ્ટ, પાર્કિંગ અસિસ્ટ, અટેન્શન અસિસ્ટ, લ બ્રેક લાઇટ્સ, ટાયર-પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, હિલ ડિસેન્ટ કંટ્રોલ અને મર્સિડીઝની પ્રી-સેફ ઓક્યુપન્ટ પ્રોટેક્શન સિસ્ટમ સહિતની પાંચ ડઝન સુવિધા છે. છતાં કાર અણીના સમયે તો વામણી પુરવાર થાય છે.
પંતની પહેલા પણ હાઈપ્રોફાઈલ અકસ્માતના બનાવ બન્યા છે અને તેમાંય મર્સિડીઝના વિવિધ મોડેલ જ સામેલ છે. ૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ને રવિવારના રોજ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર અકસ્માતમાં મોત થયું હતું.તેઓ મર્સિડીઝ જીએલસી ૨૦૦ડી એસયુવી પર સવાર હતા, ૧૦ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ મર્સિડીઝ બેન્ઝ ઇ-૨૦૦ પર ગુરુગ્રામથી અંબાલા પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક કારનો શોકર તૂટી ગયો હતો, જેના કારણે ગાડી નીચે બેસી ગઈ હતી. સદનસીબે ડ્રાઇવરે ગાડીનો આ પાર્ટ તૂટ્યાનો અવાજ સાંભળ્યો તો તેણે સ્પીડ ઓછી કરી દીધી. અને ગૃહમંત્રી અનિલ વિજનો આબાદ બચાવ થયો હતો. જો કે પંતના અકસ્માતના ૪ જ દિવસ પહેલા ૨૭ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની મર્સિડીઝ કારને કર્ણાટકના મૈસૂર નજીક અકસ્માત નડ્યો. તેઓ પણ મર્સિડીઝ જીએલસી ૨૦૦ડી પર સવાર હતા. પ્રહલાદ મોદી સહિત પરિવારના ચાર લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં મર્સિડીઝ કારને ભારે નુકસાન થયું હતું. તેનું આગળનું પૈડું બહાર આવ્યું અને તૂટી પડ્યું.આવા અકસ્માતે સાબિત કરી દીધું કે કરોડોની મર્સિડીઝ ગેરંટી તો આપે છે, પરંતુ સલામતી વોરંટી પણ નથી આપતી!
પંત માંડ માંડ બચ્યા બાકી આ જ વર્ષે એન્ડ્રુ સાયમન્ડ્સની પણ મર્સિડીઝ કારને રાત્રીના જ સમયે અકસ્માત નડ્યો અને તેમણે દુનિયાને અલવિદા કહ્યું. તેમની જેમ જ રુનાકો મોર્ટન, બેન હોલીયોક, મંજુરૂલ ઇસ્લામ રાણા અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર એઝરા મોસેલી પણ અકસ્માતનો ભોગ બન્યા અને તેમનો જીવનદીપ બુઝાઈ ગયો. પંતના અકસ્માતથી ફરી વાહનચાલકોમાં રહેલો ‘રફ્તારની ગતિ’ નામનો વાઈરસ પ્રકાશમાં આવ્યો. ભારતમાં કાર એક લક્ઝરી છે, જે એના ચાલકમાં પણ કેટલીક ઉપલા સ્તરની અપેક્ષા રાખે છે. રાતોરાત શ્રીમંત થયેલા લોકો કાર અને છકડો એક સમાન રીતે ચલાવે છે અને રસ્તાઓ પર તેઓ પોતાની અનોખી અદામાં સહુને દર્શન આપે છે! જે વાસ્તવમાં તો નરી મૂર્ખતાનું પ્રદર્શન પુરવાર થાય છે.
પંતનો અકસ્માત થયો અને દુનિયા દુ:ખી થઈ, પરંતુ અકસ્માતમાં તો દૈનિક કેટલા લોકો કાળનો કોળિયો બને છે તેના સમાચાર વાંચીને પણ કોઈનું રૂંવાડુંય ફરક્તું નથી. જો સ્વજન તેનો ભોગ બન્યું હોય તો સલામતી અને સાવચેતીનું જ્ઞાન લાધે, ટ્રાફિકની ગંભીરતા સમજાય. ભારતમાં દર વર્ષે વાહનના વેચાણની સંખ્યા વધતી જાય છે, તેમ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા પણ વધતી જાય છે. દર વર્ષે એક લાખ કરતાં વધુ લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે. વિશ્ર્વમાં આ આંકડો આશરે ૧૩ લાખ સુધી પહોંચે છે. મતલબ કે દર મહિને ધરતી પરથી એક લાખ લોકો મોતને ભેટ છે એ પણ અકસ્માતને કારણે! દુનિયાભરમાં દર વર્ષે અકસ્માતને કારણે ઇજા પામનારાની સંખ્યા આશરે બેથી પાંચ કરોડ સુધીની છે. ભારત અને ચીન જેમ આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છે તેમ, માર્ગ અકસ્માતની બાબતમાંય લગોલગ છે અને ગયા વર્ષે ભારતે એટલિસ્ટ આ કમનસીબ બાબતમાં ચીનને પાછળ રાખી દીધું છે. ટ્રાફિકના નિયમનો ભંગ – સીટબેલ્ટ ન પહેરવી અને હેલ્મેટ ન પહેરવા, નશો કરીને વાહન ચલાવવા અને બેફામ ગતિએ વાહન ચલાવવાને કારણે અકસ્માત અને મૃત્યુનો આંકડો શેર માર્કેટ કરતાં પણ તેજીથી વધી રહ્યો છે.
પશ્ર્ચિમના દેશોમાં પગપાળા જતી વ્યક્તિને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. કરુણતા એ છે કે ભારતમાં પગપાળા ચાલનારાને તો જાણે કચડી જ નાખવાનો હોય એવી માનસિકતા છે. માત્ર ખાનગી જ નહીં સરકારી વાહનો પણ બેફામ બનીને નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ રહ્યા છે. ભારતમાં રોડ એક્સિડન્ટ્સમાં મૃત્યુ પામનારામાં ૧૨ ટકા લોકો રાહદારી હોય છે. ૧૫ ટકા કારચાલકો અને ૨૭ ટકા ટુ-થ્રી વ્હીલરના ચાલકો હોય છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને તો પારાવાર નુકસાન થાય જ છે, પણ એક અંદાજ મુજબ, કુલ રાષ્ટ્રીય પેદાશના ૧-૩ ટકાનું આર્થિક નુકસાન થાય છે. ઘણા લોકો ત્રાસવાદને કારણે મૃત્યુ પામનારા અને અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સરખામણી કરે છે. આ સરખામણી વાજબી નથી, છતાં આંકડા જોઇએ તો અકસ્માતમાં મૃત્યુ પામનારાની સંખ્યા અનેક ગણી વધારે છે. મુંબઈમાં તાજ હોટલ પરના હુમલામાં ૧૯૫ લોકો મૃત્યુ પામ્યાં હતાં. હવે જો માત્ર માનવજીવની સરખામણી કરીએ તો કહી શકાય કે ભારતના રસ્તા પર રોજ ૨૬/૧૧ કરતાંય વધુ લોકોને મોત મળે છે.
ભારત રોડ એક્સિડન્ટ કેપિટલ બની ગયું છે.ઇન્ટરનેશનલ રોડ ફેડરેશનના અંદાજ મુજબ ભારતમાં અકસ્માતને કારણે દર વર્ષે એક લાખ કરોડનું નુકસાન થાય છે. એક દાયકામાં આ ખર્ચ બમણો થઇ ગયો છે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સના કુલ ૧૪ લાખ જેટલા કેસ ભારતની જુદી જુદી અદાલતોમાં અને ટ્રિબ્યુનલ્સમાં પેન્ડિંગ છે. આ બધા કેસને ચલાવવાનો વહીવટી અને તેના વળતર ચૂકવવાનો ખર્ચ બહુ જંગી છે. હજુ ડ્રિંક અને ડ્રાઇવની તો વાત જ નથી કરી. તેનું તો અલગ જ પુરાણ છે.
પંત બચી, પરંતુ તેમને રિકવર થવામાં ખાસ્સો સમય લાગશે. એ જ રીતે અકસ્માતમાં જે વ્યક્તિ બચી ગયા અને તેમનાં અંગોને નુકસાન પહોંચ્યું તેમનું જીવન કેવું હશે? એ કલ્પના પણ હૃદય કંપાવનારી છે. જો કે હવે પંત વિરુદ્ધ માર્ગ જાગૃતિની હિમાયત કરતો વર્ગ ઊભો થયો છે. તેમણે પંત વિરુદ્ધ ઓવર સ્પીડિંગની ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે. જેથી ઓવર સ્પીડમાં વાહન હંકારતા લોકોના માનસમાં દાખલો બેસે. જો કે ઉત્તરાખંડ સરકાર પણ મૂંઝવણ છે કે પંતને સજા આપવી કે નહીં, તો શું પંત વિરુદ્ધ ઓવર સ્પીડિંગનો કેસ થશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular