સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ને બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મળી હતી. ફિલ્મના પહેલાં ભાગથી જ દર્શકો આતુરતાપૂર્વક બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. હવે આ દર્શકો માટે જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. હાલમાં જ આ ફિલ્મના ટ્રેઈલર અંગેના સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર અનુસાર ‘પુષ્પા 2: ધ રૂલ’નું ટીઝર અલ્લુ અર્જુનના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવશે.
જી હા, આવતા મહિને એટલે કે 8મી એપ્રિલના રોજ અલ્લુ અર્જુનનો જન્મદિવસ છે અને આ દિવસે જ નિર્માતા અલ્લુ અર્જુનના આ ખાસ દિવસે ત્રણ મિનિટનું એક્શન પેક્ડ ટીઝર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, આ ફિલ્મનું એક એક્શન સિક્વન્સ બેંગલુરુમાં શૂટ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં મલયાલમ અભિનેતા ફહાદ ફાઝીલ પણ તેમાં જોડાશે.
ફિલ્મ ‘પુષ્પા’ના પહેલા પાર્ટની સુપર સક્સેસ બાદ મેકર્સ હવે ફિલ્મની સિક્વલ માટે વધુ મહેનત કરી રહ્યા છે. ફિલ્મના નિર્દેશક સુકુમારે પણ ટીઝરના ફાઈનલ કટને ઓકે કરી દીધું છે. સંગીતકાર દેવી શ્રી પ્રસાદ હાલમાં ટીઝરમાં બેકગ્રાઉન્ડ સ્કોર એડ કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રી સાઈ પલ્લવી ‘પુષ્પા 2’માં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. જોકે હજુ સુધી આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુન સિવાય રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાઝીલ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ 17 ડિસેમ્બર 2021ના રોજ રીલિઝ થઈ હતી…