મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે વધ્યા મથાળેથી ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ નોંધાતા લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યાના નિર્દેશ હતા. જોકે, ફેડરલ દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારાની ભીતિ તોળાઈ રહી હોવાથી ભાવમાં ૦.૩ ટકા જેટલો મર્યાદિત સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮૭થી ૫૯૦ વધી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાએ ફરી રૂ. ૫૬,૦૦૦ની સપાટી પાર કરી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૨૩૯ના ઉછાળા સાથે રૂ. ૬૪,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૩૯ના ઉછાળા સાથે ફરી રૂ. ૬૪,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૬૪,૨૪૬ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં પણ સુધારાતરફી વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮૭ વધીને રૂ. ૫૫,૯૧૫ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯૦ વધીને રૂ. ૫૬,૧૪૦ના મથાળે ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસા જેટલો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારોની અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહી હતી. તેમ જ હવે હોળાષ્ટકનો આરંભ થઈ ગયો હોવાથી રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે ડૉલર ઈન્ડેક્સમાં પુલબેક જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૮૩૩.૧૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૮૩૯.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાને ડામવા માટે વ્યાજદર વધારવામાં આક્રમક અભિગમ અપનાવે તેવી ભીતિ તોળાઈ રહી હોવાથી રોકાણકારોએ થોડાઘણાં અંશે લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૦.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગયા મહિને અમેરિકાના આર્થિક ડેટાઓ મજબૂત આવ્યા હોવાને કારણે સોનામાં વેચવાલીનું દબાણ વધુ રહેતાં માસિક ધોરણે ગત જૂન ૨૦૨૧ પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો અને એકંદરે બજારમાં ઓવર સોલ્ડ પૉઝિશન રહી હતી અને તેમાં આજે ડૉલરમાં પીછેહઠ નોંધાતા વેચાણો કપાવાથી ઝડપી સુધારો જોવા મળ્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા માટે સોનામાં ઔંસદીઠ ૧૮૫૦થી ૧૮૬૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા નકારી ન શકાય.
ડૉલરમાં પીછેહઠ થતાં શુદ્ધ સોનું ₹ ૫૯૦ ઉછળીને ફરી ₹ ૫૬,૦૦૦ની પાર, ચાંદીએ ₹ ૬૪,૦૦૦ની સપાટી કુદાવી
RELATED ARTICLES