મુંબઈ: આજે મોડી સાંજે બૅન્ક ઑફ ઈંગ્લેન્ડના નીતિઘડવૈયાઓની સમાપન થતી બેઠક અને આવતીકાલે અમેરિકાના નોન ફાર્મ પેરોલ ડેટાની જાહેરાત પૂર્વે આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં તેજી આગળ ધપી હોવાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો વધુ ૨૫ પૈસા તૂટીને ૭૯.૪૦ના મથાળે રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૧થી ૪૭૩નો વધારો થયો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૭૪૮ની તેજી સાથે રૂ. ૫૮,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ રૂપિયો નબળો પડતાં સોનાના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી, જ્યારે રિટેલ સ્તરની છૂટીછવાઈ ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૧ વધીને રૂ. ૫૧,૮૩૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૭૩ વધીને રૂ. ૫૨,૦૩૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ છતાં સ્ટોકિસ્ટો તથા ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૪૮ વધીને રૂ. ૫૮,૦૫૭ના મથાળે રહ્યા હતા.
આજે મોડી સાંજે બૅન્ક ઑફ ઈંગ્લેન્ડના નીતિવિષય નિર્ણય તેમ જ આવતીકાલે અમેરિકાના નોન ફાર્મ પેરોલ ડેટાની જાહેરાત થવાની છે અને વ્યાજદરમાં વધારા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ બેરોજગારીના ડેટા પર પણ ધ્યાન આપતી હોવાથી રોકાણકારોની નજર ડેટા પર સ્થિર થવાથી એકંદરે લંડન ખાતે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. તેમ છતાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચવા ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચેના તણાવને ધ્યાનમાં લેતાં સોનામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું ગોલ્ડ સિલ્વર સેન્ટ્રલના વિશ્ર્લેષક બ્રિયાન લાને જણાવ્યું હતું. આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૧૭૭૭.૯૧ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી એક ટકો વધીને ૧૭૯૪.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૦.૧૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
