Homeવેપાર વાણિજ્યશુદ્ધ સોનું ₹ ૫૫૧ ઘટીને ₹ ૫૯,૦૦૦ની અંદર, ચાંદી ₹ ૨૭૮ ઘટી

શુદ્ધ સોનું ₹ ૫૫૧ ઘટીને ₹ ૫૯,૦૦૦ની અંદર, ચાંદી ₹ ૨૭૮ ઘટી

આજે સમાપન થતી ફેડરલની બેઠક પર રોકાણકારોની નજર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજે મોડી સાંજે સમાપન થનારી નીતિવિષયક બેઠક પર રોકાણકારોની નજર હોવાથી લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી સાધારણ સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં બે ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪૯થી ૫૫૧નો ઘટાડો આવ્યો હતો, જેમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાએ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯,૦૦૦ની સપાટી ગુમાવી હતી. તેમ જ આજે ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૨૪૯નો ઘટાડો આવ્યો હતો.
આજે વૈશ્ર્વિક ચાંદીમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હોવા છતાં ગઈકાલના નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૭૮ના ઘટાડા સાથે રૂ. ૬૮,૨૨૧ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજારના ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ અને ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪૯ના ઘટાડા સાથે રૂ. ૫૮,૪૦૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૫૧ના ઘટાડા સાથે રૂ. ૫૮,૬૩૭ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ગૂડીપડવા અને પ્રવર્તમાન લગ્નસરાની મોસમને કારણે સોનામાં રિટેલ સ્તરની છૂટીછવાઈ લેવાલી જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકા ખાતે બૅન્કિંગ ક્ષેત્રની કટોકટીને ખાળવા માટે ઑથૉરિટીઓએ અમુક અંશે બાંયધરી આપી હોવા છતાં કટોકટી વણસવાની ચિંતા રોકાણકારોને સતાવી રહી છે. તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાને નાથવા માટે આજે સમાપન થનારી બેઠકમાં કેવો અભિગમ અપનાવશે તેની અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતી અપનાવતા સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા.
જેમાં હાજરમાં ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૯૪૧.૧૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૧૯૪૪.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ રહેતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં અંદાજે બે ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૩૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે મોડી સાંજે ફેડરલની બેઠક પશ્ર્ચાત્ યોજાનારી પત્રકાર પરિષદમાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર રોકાણકારોની મીટ મંડાયેલી છે. જોકે, બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવે તેવી ધારણા બજાર વર્તુળો રાખી રહ્યા છે, જ્યારે બજારનો બહુ થોડો વર્ગ વ્યાજદર યથાવત્ રાખે તેવું અનુમાન ધરાવે છે. તેમ છતાં જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારા માટે જો આક્રમક અભિગમ અપનાવે તો સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૧૯૦૦ ડૉલર સુધી પહોંચી શકે છે અને જો ૧૯૦૦ ડૉલરની સપાટી તૂટે તો ૧૮૬૦ ડૉલર સુધી ભાવ ઘટે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -