(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ડૉલર ઈન્ડેક્સમાં ૦.૫ ટકા જેટલું પુલબેક જોવા મળતાં લંડન ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાત પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬૨થી ૪૬૪ વધી આવ્યા હતા અને શુદ્ધ અથવા તો ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ફરી રૂ. ૫૨,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૬૫૯નો ચમકારો આવ્યો હતો. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૫૯ વધીને રૂ. ૫૫,૮૮૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ડૉલર સામે રૂપિયામાં નરમાઈ અને વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની છૂટીછવાઈ માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૪૬૨ વધીને રૂ. ૫૧,૮૮૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૬૪ વધીને રૂ. ૫૨,૦૯૪ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં ૦.૫ ટકા જેટલું પુલબેક જોવા મળતાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મક્કમ વલણ અને રોકાણકારોની નજર આવતીકાલના જેક્સન હોલ ખાતે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર હોવાથી રોકાણકારોની લેવાલી ઓછી રહેતાં ભાવમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૧૭૬૨.૫૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૮ ટકા વધીને ૧૭૭૫.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૧૯.૨૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે રોકાણકારોની નજર આવતીકાલના ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ છે અને અમેરિકી ફેડરલ રિઝર્વ તેની આગામી ૨૦-૨૧ સપ્ટેમ્બરની નીતિવિષક બેઠકમાં વ્યાજદરમાં વધારા અંગે કોઈ સંકેત આપે છે કે કેમ તેના પર છે.

Google search engine