પુણેઃ પુણેમાં ગુનેગારીના પ્રમાણમાં છેલ્લાં કેટલાક દિવસોથી વધારો જોવા મળી રહ્યો છે અને હવે એક વધુ ચોંકાવનારો ગુનો આ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક શહેરમાં બન્યો હતો. ભણતી વખતે સતત મોબાઈલ જુએ છે એ માટે માતાએ ગુસ્સો કરતાં દીકરાએ જ માતાની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. 18 વર્ષીય કિશોરે માતાને ધક્કો મારીને તેનું ગળું દાબી હત્યા કરી હોવાની બાબત પોલીસ તપાસમાં જાણવા મળી હતી. પુણેના લોણી કાળભોર પોલીસ સ્ટેશનની હદમાં આ ગુનો બન્યો હતો.
જિશન શેખ (18) તેની માતા તસ્લીમ શેખ (37)ની હત્યા કરી હતી. તસ્લીમ પતિ જમીર શેખ અને દીકરા જિશન સાથે પુણેના ઉરલી કાંચન વિસ્તારમાં રહેતી હતી. શરૂઆતમાં તો તસ્લીમે આત્મહત્યા કરી લીધી હોવાની માહિતી પુણે પોલીસને મળી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ બાદ આ આત્મહત્યા ના હોઈ હત્યા હોવાની વાત બહાર આવી હતી. પોલીસે આ બાબતે વધુ તપાસ કરતાં જિશને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
જિશન બારમા ધોરણમાં ભણે છે અને ભણતી વખતે કે મોબાઈલ જોઈ રહ્યો હતો ત્યારે તસ્લીમે તેને ગુસ્સો કર્યો હતો. તસ્લીમના ગુસ્સાથી ગુસ્સે ભરાયેલા જિશને તસ્લીમને ધક્કો મારીને દિવાલમાં પછાડી હતી અને ત્યાર બાદ ગળું દાબીને તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ ગભરાઈ ગયેલાં જિશને પોતાનો ગુનો છુપાવવા માટે તસ્લીમના હાથની નસ કાપી નાખી હતી. પરંતુ લોહી ના આવતા આખરે તસ્લીમના મૃતદેહને પંખા સાથે લટકાવીને આ આત્મહત્યા હોવાનો દેખાવ કર્યો હતો.
પોલીસ તપાસમાં આખરે જિશને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
મમ્મીએ વઢતાં દીકરાએ કર્યું માતા સાથે આવું….
RELATED ARTICLES