થાણે: હોસ્પિટલમાં ડોક્ટરો પર હુમલાના કેસમાં પોલીસે 1,832 પાનાંનું આરોપનામું દાખલ કર્યા બાદ મુખ્ય આરોપી અનેે શિવસેનાનો નગરસેવક રમેશ મ્હાત્રે શુક્રવારે ઔપચારિક કાર્યવાહીનો સામનો કરવા કલ્યાણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાજર થયો હતો.કલ્યાણ-ડોંબિવલી પાલિકાના શિવસેનાના નગરસેવક મ્હાત્રે અને અન્ય આરોપીઓ શાસ્ત્રી નગર હોસ્પિટલમાં 6 ઑગસ્ટે એકઠા થયા હતા અને મહિલા દર્દીની સારવારમાં વિલંગ અંગે દલીલ બાદ ડોક્ટરો પર તેમણે હુમલો કર્યો હતો.
ડેપ્યુટી પોલીસ કમિશનર અતુલ ઝેન્ડે અને વિશેષ સરકારી વકીલ પ્રકાશ સાલસિંગીકર દ્વારા બુધવારે કલ્યાણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં દાખલ કરાયેલા આરોપનામામાં સહ-આરોપીઓ તરીકે રમેશ પવાર, પ્રમોદ નિકમ, અક્ષય કારાન્ડે અને સાધના કારાન્ડેનાં નામ છે. તેમાં ડોક્ટરો, નર્સ, હોસ્પિટલનો સ્ટાફ અને સીસીટીવી કેમેરા કોન્ટ્રેક્ટર્સ સહિતના મુખ્ય સાક્ષીદારોના નિવેદનો અને પુરાવાનો સમાવેશ છે.
જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ નીલેશ વસાદેની કોર્ટમાં શુક્રવારે સવારે 9.30 વાગ્યે મ્હાત્રે હાજર થયો હતો. તેણે મોઢા પર માસ્ક પહેર્યું હતું. કાર્યવાહી દરમિયાન મેજિસ્ટ્રેટે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ ઔપચારિક રીતે આરોપ ઘડ્યા હતા. જોકે મ્હાત્રા અને અન્ય સહ-આરોપીઓએ આરોપ નકાર્યા હતા. સહ-આરોપી રમેશ પવાર, પ્રમોદ નિકમ અને અક્ષય કારાન્ડે પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. સહ-આરોપી સાધના કારાન્ડે હાલ જુડિશિયલ કસ્ટડી હેઠળ આધારવાડી જેલમાં છે. (પીટીઆઇ)