નવી દિલ્હી: શેર-એ-પંજાબ ટી-20 લીગ નામની ટૂર્નામેન્ટ ખાસ કંઈ ચર્ચામાં નથી, પરંતુ મંગળવારે એક મૅચ પૂરી થયા બાદ બીજી જ ક્ષણે મેદાન પર જે બન્યું એ ખૂબ મનોરંજક અને દર્શનીય હતું જેમાં એક ટીમનો કેપ્ટન અને આઈપીએલનો જાણીતો વિકેટકીપર બૅટ્સમૅન પ્રભસિમરન સિંહ રોમાંચક જીત પછી ભાંગડા કરતો જોવા મળ્યો હતો. તેણે પોતાની ટીમ અને હરીફ ટીમના ખેલાડીઓ તેમ જ તમામ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.
મેદાન પર ખેલાડીઓ ખૂબ નાચ્યા હોય અને વિકેટ કે જીત સેલિબ્રેટ કરી હોય એવું આપણે ઘણીવાર જોયું છે, પણ પંજાબીઓના ફેવરિટ ભાંગડા ભાગ્યે જ જોવા મળતા હોય છે. મહાન ઑફ સ્પિનર હરભજન સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અને આઈપીએલમાં રમતો ત્યારે આવું ક્યારેક જોવા મળ્યું હતું.
અહીં વાત એવી છે કે આઠમી સપ્ટેમ્બરે શેર-એ-પંજાબ લીગમાં જલંધર વૉરિયર્સ અને લુધિયાણા લાયન્સ વચ્ચે મૅચ રમાઈ હતી. જલંધરની ટીમે ગૌરવ માર્કનના બાવન રન, આર્યન યાદવના અણનમ 35 રન તેમ જ કેપ્ટન પ્રભસિમરન સિંહ (Prabhasimran Singh)ના 39 રનની મદદથી આઠ વિકેટે 169 રન બનાવ્યા હતા.
લુધિયાણા (Ludhiana)ની ટીમ જવાબમાં 170 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં આઠ વિકેટે 162 રન બનાવી શકી હતી અને જલંધરની ટીમે સાત રનથી રોચક વિજય મેળવ્યો હતો.
What a match 🔥
— Harinder Singh Brar (@harry7081) September 8, 2026
Prabhsimran Singh Absolute masterclass in captaincy.
Defended 10 runs in the last over handed the ball to young spinner Randeep Singh
W,0,W,1,1,0
Prabhsimran doing bhangra after the win. Rare & beautiful moment #Prabhsimran #PunjabKings #PBKS pic.twitter.com/s4Jt1S7P1Z
જોકે ખરી ક્ષણો છેલ્લી ઓવરમાં અને એ ઓવરને અંતે જોવા મળી હતી. 19મી ઓવરને અંતે લુધિયાણાનો સ્કોર છ વિકેટે 160 રન હતો અને જીતવા માટે 10 રન બનાવવાના બાકી હતા. વિકેટકીપર કેપ્ટન પ્રભસિમરને 20મી ઓવરની જવાબદારી યુવા સ્પિનર રણદીપ સિંહને સોંપી હતી. ઘણાને આ નિર્ણયથી નવાઈ લાગી હતી.
જોકે રાણદીપે પોતાના પર કેપ્ટને મૂકેલા વિશ્વાસને યોગ્ય સાબિત કર્યો હતો. પહેલા અને ત્રીજા બૉલમાં તેણે વિકેટ મેળવી હતી. બીજો બૉલ ડૉટ બૉલ હતો. ચોથા અને પાંચમા બૉલ પર એક-એક રન લેવામાં આવ્યો હતો અને પાંચમા બૉલને અંતે લુધિયાણાનો સ્કોર 8/162 હતો. લુધિયાણાના બૅટ્સમૅને એ છેલ્લા બૉલ પર છગ્ગો ફટકાર્યો હોત તો પણ લુધિયાણાનો એક રનથી પરાજય થયો હોત. જોકે રણદીપનો એ છેલ્લો બૉલ ડૉટ બૉલ જતાં જલંધરે યાદગાર વિજય મેળવ્યો હતો.
જલંધરની ટીમ જીતી જતાં જ એનો કેપ્ટન પ્રભસિમરન ભાંગડા કરવા લાગ્યો હતો. રણદીપે છેલ્લી ઓવર બહુ સારી તો કરી જ હતી, પરંતુ તેને એ જવાબદારી સોંપીને પોતાની ટીમને છેલ્લી સૌથી મોટી મુશ્કેલીમાંથી પણ બહાર કાઢવા બદલ પ્રભસિમરન પોતાના પર ગર્વ અનુભવતો હતો. તેની કેપ્ટન્સીમાં જલંધરની ટીમે માનસિક દબાણ વચ્ચે શાનદાર પ્રદર્શન કરીને મુકાબલો જીતી લીધો હતો.