Sat Nov 07 2026

Logo

સોલાર પ્લાન્ટમાંથી ₹12.48 લાખના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, આ રીતે પાર પડ્યું ઑપરેશન...

2026-10-16 22:27:12
Author: Mumbai Samachar Team
સોલાર પ્લાન્ટમાંથી ₹12.48 લાખના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, આ રીતે પાર પડ્યું ઑપરેશન...

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ટીમે એક મોટી સફળતા મેળવીને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી થયેલી લાખો રૂપિયાના સોલાર ડીસી (DC) કેબલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ભાવનગર જિલ્લાના પાંચ રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીના માલ સહિત કુલ ₹ 21,62,840  નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ટોળકીએ અગાઉ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આચરેલી અન્ય પાંચ મોટી ચોરીઓની કબૂલાત પણ કરી છે.

કંપનીમાંથી કેબલ ચોરી ગયા 
જેતપુર તાલુકાના ખારચીયા ગામ પાસે આવેલ “એમબીટ એનર્જી પ્રાઈવેટ લીમિટેડ” કંપનીના સોલાર પ્લાન્ટમાં ગત તારીખ 11/10/2026 ની મોડી રાત્રે અજાણ્યા ચોર ઈસમો ત્રાટક્યા હતા. તસ્કરોએ પ્લાન્ટમાં રાખેલા 16,000 મીટર લંબાઈના સોલાર ડીસી કેબલના કુલ 16 ડ્રમ, જેની કિંમત ₹12,48,000 થતી હતી, તેની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે સોલાર પ્લાન્ટના મેનેજર દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023  ની કલમ 303(2) અને (2) મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

રાજકોટ રેન્જ આઈજીપી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સૂચનાથી LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.રાવના માર્ગદર્શન હેઠળ ટીમો કામે લગાડવામાં આવી હતી. પોલીસે સોલાર પ્લાન્ટની આસપાસ અને તસ્કરોના નાસી જવાના સંભવિત રૂટ પરના તમામ સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પોલીસ સ્ટેશનના “વિશ્વાસ પ્રોજેક્ટ” ના CCTV કમાન્ડ કંટ્રોલ સ્ટાફની મદદથી શંકાસ્પદ વાહનોની ઓળખ કરવામાં આવી હતી. ટેકનિકલ ડેટા અને બાતમીદારોના નેટવર્કની મદદથી પોલીસે આખરે પાંચ આરોપીઓને દબોચી લીધા હતા.

કોણ છે આરોપી?
પકડાયેલા આરોપીઓમાં   દશરથ ઉર્ફે દસો માધાભાઈ સાંખટ (ઉ.વ. 24, રહે. તલી, જિ. ભાવનગર)  મહેશ વીજાભાઈ બારૈયા (ઉ.વ. 25, રહે. મેથાળ, જિ. ભાવનગર)  પ્રકાશ ઉર્ફે પકો બદુભાઈ બારૈયા (ઉ.વ. 29, રહે. મેથાળ, જિ. ભાવનગર)  પ્રવિણ ગણેશભાઈ શીયાળ (ઉ.વ. 36, રહે. મેથાળ, જિ. ભાવનગર)  વિશાલ ધરમશીભાઈ ભાલીયા (ઉ.વ. 21, રહે. પરતાપરા, જિ. ભાવનગર)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹21,62,840/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસ પૂછપરછમાં આ ટોળકીએ સરદારગઢ (માણાવદર), મોટી મારડ (ધોરાજી), વેલાકોટ (ઉના), મોટા હણીયા (ચોટીલા) અને મોટા ખડબા (ધ્રાફા) ના સોલાર પ્લાન્ટ્સમાંથી પણ અગાઉ લાખો રૂપિયાના કેબલ ચોર્યા હોવાની કબૂલાત કરી છે.

ભંગારના ધંધાનું માધ્યમ
પકડાયેલ આરોપી મહેશ બારૈયા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં સોલાર પેનલના સ્ટ્રક્ચર ફિટિંગનું કામ કરતો હોવાથી તે કેબલ અને મોંઘા કોપર વાયરની કિંમતથી સારી રીતે વાકેફ હતો. તેણે કોપરની લાલચમાં મિત્રો સાથે મળી ગેંગ બનાવી હતી. આ ટોળકી ભાડે કાર મેળવીને દિવસ દરમિયાન ભંગાર ખરીદવાના બહાને રોડ નજીક આવેલા સોલાર પ્લાન્ટની રેકી કરતી અને મોડી રાત્રે ત્રાટકીને ગણતરીની મિનિટોમાં ચોરી કરી રફુચક્કર થઈ જતી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી દશરથ, પ્રવીણ અને વિશાલ અગાઉ ભાવનગરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં પોક્સો, મારામારી અને હથિયાર ધારા જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.