વોશિંગ્ટનઃ અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી એફબીઆઇની મોસ્ટ વોન્ટેડ ફોડસ્ટર્સ લિસ્ટ(છેતરપિંડી કરનારાઓની યાદી)માં સામેલ ૬૪ વર્ષીય મનજીત સિંહ બેદીને અમેરિકા મોકલી દેવામાં આવ્યો છે. પંજાબ પોલીસે સપ્ટેમ્બરમાં તેની ધરપકડ કરી હતી. આ જાણકારી એફબીઆઇના ડિરેક્ટર કાશ પટેલે ગુરૂવારે આપી હતી.
મનજીત સિંહ બેદી આ અઠવાડિયે સિએટલ પહોંચ્યો હતો. તેને શુક્રવારે પહેલી વાર વોશિંગ્ટન રાજ્યની વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવવાનો હતો. મનજીત સિંહ બેદી વોશિંગ્ટન રાજ્યના ટેકોમા શહેરમાં એશિયન ગ્રોસરી સ્ટોર નામની કરિયાણાની દુકાન ચલાવતો હતો.
બેદી પર અમેરિકાની સપ્લીમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ(એસએનએપી) યોજનાના લાભોનો દુરુપયોગ કરવાનો આરોપ છે. આ યોજના અંતર્ગત પાત્ર લોકોને ખાદ્ય સામગ્રી ખરીદવા માટે સહાય આપવામાં આવે છે.
વાયર ફ્રોડ(ઇલેક્ટ્રોનિક માધ્યમથી છેતરપિંડી) અને એસએનએપી લાભોમાં છેતરપિંડીના આરોપો ઘડાયા બાદ બેદીને ધરપકડ વિના કોર્ટમાં હાજર થવાની મંજૂરી આપવામાં આવી હતી. તેને તેનો પાસપોર્ટ જમા કરવા અને વોશિંગ્ટનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એફબીઆઇના જણાવ્યા મુજબ બેદી પહેલા કેનેડા અને પછી ત્યાંથી ભારત ભાગી આવ્યો હતો.
એફબીઆઇના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું કે મનજીત સિંહ બેદીની ધરપકડ અને વાપસી એફબીઆઇના ઐતિહાસિક 'મોસ્ટ વોન્ટેડ ફ્રોડસ્ટર્સ' કાર્યક્રમ માટે એક મોટી ઉપલબ્ધિ છે. તેમણે કહ્યું કે એફબીઆઇ સિએટલ તેમજ અમેરિકા અને ભારતમાં અમારા ઉત્કૃષ્ટ કાયદા અમલીકરણ સાથીઓનો આભાર કે જેમણે બેદીની વાપસીમાં મદદ કરી છે.