Sat Oct 10 2026

Logo

કચ્છ બનશે ગ્લોબલ ઇકો-ટુરિઝમ હબ: બન્નીમાં દોડશે ચિત્તા, નલિયામાં ઘોરાડનું થશે સંવર્ધન

2026-09-14 12:13:00
Author: Mayur Patel
કચ્છ બનશે ગ્લોબલ ઇકો-ટુરિઝમ હબ: બન્નીમાં દોડશે ચિત્તા, નલિયામાં ઘોરાડનું થશે સંવર્ધન

ભુજઃ કચ્છના સરહદી વિસ્તારોમાં વન્યજીવ સંરક્ષણ અને ઈકો ટુરિઝમ ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તન આવી રહ્યું છે. બે દિવસીય કચ્છ પ્રવાસે આવેલા કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ હવે સવાયા કચ્છી  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ હેઠળ કચ્છના બન્ની ગ્રાસલેન્ડમાં ચિત્તા સંવર્ધન કેન્દ્ર સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં જ બન્નીના ઘાસિયા મેદાનોમાં ચિત્તાઓને મુક્ત કરવામાં આવશે. ધોરડો સફેદ રણ તરફ જતા દેશ-વિદેશના પર્યટકો માટે આ નવું આકર્ષણ સાબિત થશે.

ઘોરાડ સંવર્ધન તેજ કરાશે

નલિયા ખાતે સંકટગ્રસ્ત ઘોરાડ સંવર્ધન અંગે વિગતો આપતાં મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજસ્થાનથી લવાયેલા બચ્ચાંના સફળ ઉછેર બાદ હવે તે ઊડવા લાગ્યું છે. આગામી સમયમાં પ્રોજેક્ટ હેઠળ વધુ ઈંડાં અને બચ્ચાં લાવી સંવર્ધન તેજ કરાશે. કેન્દ્રીય મંત્રી નલિયા ખાતે ઘોરાડ બ્રીડિંગ સેન્ટરનું નિરીક્ષણ કરી સોફ્ટ રિલીઝ સેન્ટર ખુલ્લું મૂકશે. આ પ્રસંગે તેમણે કચ્છમાં બેફામ ફેલાયેલા ગાંડા બાવળને પર્યાવરણ અને વન્યજીવો માટે મોટો ખતરો ગણાવી તેને નાથવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

ચેરિયાને જીવંત ઇકોસિસ્ટમ તરીકે સંરક્ષિત કરવા જરૂરી 

ભુજ ખાતે યોજાયેલી ચેરિયા  સંરક્ષણ, પુનઃસ્થાપન અને સતત વ્યવસ્થાપન વિષયક રાષ્ટ્રીય વર્કશોપમાં કેન્દ્રીય મંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું કે દરિયાઈ તોફાનો સામે રક્ષણ આપતા ચેરિયાને જીવંત ઇકોસિસ્ટમ તરીકે સંરક્ષિત કરવા જરૂરી છે. કેન્દ્ર સરકારની 'મિષ્ટી' યોજના હેઠળ ગુજરાતે ૨૦૨૩-૨૭ના ૨૯,૨૫૦ હેક્ટર લક્ષ્યાંક સામે ૨૭,૬૫૨ હેક્ટરમાં નોંધપાત્ર કામગીરી પૂર્ણ કરી છે, જેમાં કોરી ક્રીકના પડકારરૂપ ૧૨,૪૫૦ હેક્ટરનો સમાવેશ થાય છે. 

આ પ્રસંગે 'કોફી ટેબલ બુક ઓન કચ્છ મેન્ગ્રોવ્સ', 'મેન્ગ્રોવ્સ એટલાસ ઓફ ગુજરાત' તેમજ મેન્ગ્રોવ જીઆઈએસ પોર્ટલનું વિમોચન કરાયું હતું. સાથે જ, રાજ્યની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર થયેલી લખપતની 'ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ કમિટી'નું સન્માન કરાયું હતું.

 (ઉત્સવ વૈદ્ય)