અમદાવાદઃ રાજ્યમાં ભાદરવા મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ જમાવટ કરી છે. આજે સવારે 6 થી 8 કલાકના સમયગાળામાં રાજ્યના 103 તાલુકામાં મેઘમહેર થઈ હતી. મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વધુ વરસાદ વરસ્યો હતો. પંચમહાલના ગોધરામાં બે કલાકમાં 3.31 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સવારે 6 થી 8 ના સમયગાળામાં એક તાલુકમાં ત્રણ ઇંચથી વધારે, એક તાલુકામાં બે ઇંચથી વધારે, ચાર તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે 97 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ગોધરામાં 3.31 ઇંચ, તારાપુરમાં 2.05 ઇંચ, વડોદરામાં 1.57 ઇંચ, મૂળીમાં 1.30 ઇંચ, ગણદેવીમાં 1.26 ઇંચ, પાદરામાં 1.22 ઇંચ વરસાદ પડ્યો હતો.
બોડેલીમાં 0.98 ઇંચ, લીમખેડામાં 0.91 ઇંચ, ધ્રાંગધ્રામાં 0.87 ઇંચ, થાનગઢમાં 0.79 ઇંચ, કોઠંબામાં 0.79 ઇંચ, ભરૂચમાં 0.67 ઇંચ, નડીયાદમાં 0.63 ઇંચ, મોરવા (હડફ)માં 0.63 ઇંચ, ઓલપાડમાં 0.63 ઇંચ, ગલતેશ્વરમાં 0.59 ઇંચ, ફાગવેલમાં 0.59 ઇંચ, દેવગઢબારિયામાં 0.59 ઇંચ, શંખેશ્વરમાં 0.55 ઇંચ, પેટલાદમાં 0.55 ઇંચ, મહુવા(સુરત)માં 0.55 ઇંચ, સંખેડામાં 0.55 ઇંચ, સાયલામાં 0.51 ઇંચ, લખતરમાં 0.47 ઇંચ, આણંદમાં 0.47 ઇંચ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં કેટલો પડ્યો વરસાદ
આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એક તાલુકામાં ચાર ઇંચથી વધારે, આઠ તાલુકામાં ત્રણ ઇંચથી વધારે, 18 તાલુકામાં બે ઇંચથી વધારે, 65 તાલુકામાં એક ઇંચથી વધારે તથા 148 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.45 ઇંચ વરસાદ પડ્યો હતો. ભરૂચના વાલિયામાં 3.82 ઇંચ, નાનાપોંઢામાં 3.54 ઇંચ, ધરમપુરમાં 3.42 ઇંચ, બરવાળામાં 3.39 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આજે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત અને નવસારીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓેરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.