Mon May 25 2026

Logo

પિતા સચિને કહ્યું, `વેલ ડન, અર્જુન': બહેન સારા પણ થઈ ભાવુક

2026-05-24 19:10:28
Author: Ajay Motiwala
Article Image

IPL


લખનઊઃ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્જુન તેન્ડુલકરે શનિવારે અહીં આઇપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) વતી ડેબ્યૂ મૅચમાં આંકડાની દૃષ્ટિએ સાધારણ પર્ફોર્મ કર્યું, પણ એકંદરે તેણે પંજાબ સામે જે દમદાર બોલિંગ કરી હતી એને કારણે તેના પિતા (Father) અને મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરે બેહદ ખુશી વ્યક્ત કરી છે તેમ જ અર્જુનને મોટી બહેન સારા તેન્ડુલકર તરફથી પણ ખૂબ અભિનંદન મળ્યા છે.

અર્જુન તેન્ડુલકર (Arjun Tendulkar) પાંચ રને અણનમ રહ્યો ત્યાર બાદ તેણે 36 રનમાં પંજાબના ઇન્ફૉર્મ ઓપનર પ્રભસિમરન સિંહ (69 રન, 39 બૉલ, બે સિક્સર, સાત ફોર)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. અર્જુન (4-0-36-1) વિશે પિતા સચિને ખૂબ વખાણ કરતા નિવેદનો આપ્યા છે. અર્જુનને લખનઊની છેક છેલ્લી (14મી) લીગ મૅચમાં રમવાનો મોકો મળ્યો હતો. લખનઊની ટીમ ઘણા દિવસથી પૉઇન્ટ્સ-ટેબલમાં તળિયે હતી અને ઘણા દિવસ પહેલાં જ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ હતી. અર્જુન સહિત કેટલાક ખેલાડીઓને આ ટીમ વતી વધુ રમવાનો મોકો નહોતો મળ્યો. અર્જુન નેટ પ્રૅક્ટિસમાં ઘણી સારી બોલિંગ કરી રહ્યો હતો એમ છતાં તેણે છેક આખરી લીગ મૅચ સુધી રાહ જોવી પડી હતી.

સચિને પુત્રના ધૈર્ય અને કાબેલિયતની પ્રશંસા કરતા જણાવ્યું, `વેલ ડન, અર્જુન. આ સીઝનમાં તે જે અભિગમ અપનાવ્યો એ બદલ મને તારા પર ગર્વ છે. મને તારી કાબેલિયત પર તો હંમેશાં વિશ્વાસ રહ્યો જ છે, તેં આ સીઝનમાં ખૂબ ધીરજ રાખી અને અંતિમ દિવસો સુધી તક ન મળવા છતાં અથાક મહેનત ચાલુ રાખી એ અભિગમ મને ખૂબ ગમ્યો. તેં આ સમયગાળા દરમ્યાન સતતપણે સકારાત્મક વલણ પણ અપનાવ્યું હતું. ક્રિકેટની રમત ખેલાડીના કૌશલ્યની સાથે તેના ધૈર્યની પણ કસોટી કરતી હોય છે અને તેં આજે (શનિવારે) બન્ને બાબતમાં સફળતા બતાવી. તું હંમેશાં શાંત અને વિનમ્રતાભર્યો અભિગમ જાળવી રાખજે અને હંમેશની જેમ આ રમત પ્રત્યેનો પ્રેમ જાળવી રાખજે. લવ યુ ઑલ્વેઝ.'

પહેલી ઓવરમાં અર્જુનની બોલિંગ ચુસ્ત હતી. એમાં ચાર જ રન બન્યા હતા. એ ઓવરમાં રિષભ પંતે ઓપનર પ્રભસિમરનનો કૅચ છોડ્યો હતો. પંદરમી ઓવર અર્જુને કરી હતી જેમાં એક યૉર્કરમાં પ્રભસિમરન આઉટ થઈ ગયો હતો.

સીઝનની પોતાની પ્રથમ અને અંતિમ મૅચમાં સંયમ તથા આત્મવિશ્વાસ બતાવનાર અર્જુનના શનિવારના પર્ફોર્મન્સથી તેની મોટી બહેન સારા પણ બેહદ ખુશ હતી. સારાએ ઇન્સ્ટાગ્રામ પરની ભાવુક પોસ્ટમાં અર્જુન માટે લખ્યું હતું, `મારા નાના ભાઈ, તું દુનિયાની તમામ ખુશીઓનો હકદાર છે. તારી મહેનત, માનસિક દબાણને સંભાળવાની તારી ક્ષમતા બદલ તેમ જ લાંબા સમય સુધી તેં જે ધૈર્ય બતાવ્યું એ બદલ મને તારા પર બેહદ ગર્વ છે. લવ યુ હંમેશાં.'