નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે સરકારના સઘન પ્રયાસોના લીધે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ ગ્લોબલ રેન્કિંગમાં સ્થાન મેળવી રહી છે. આ અંગે સરકારે જણાવ્યું કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમ વર્ષના અમલ બાદ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા વર્ષ 2015માં 11 થી વધીને 52 થઇ છે.
IIT દિલ્હી 118મા રેન્ક સાથે ટોચ પર
ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં આઇઆઇટી( IIT)સૌથી વધુ સંસ્થાઓ ધરાવે છે. IIT દિલ્હી 118મા રેન્ક સાથે ટોચનું સ્થાન ધરાવે છે.જ્યારે આઇઆઇટી બોમ્બે 134 રેન્ક સાથે બીજા સ્થાને, આઇઆઇટી મદ્રાસ 170 રેન્ક સાથે ત્રીજા સ્થાને અને આઇઆઇટી ખડગપુર 205 રેન્ક સાથે ચોથા સ્થાને છે. જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર 221 રેન્ક સાથે પાંચમાં સ્થાને છે.
જ્યારે પોંડિચેરી યુનિવર્સિટી 1401 રેન્ક સાથે 52માં સ્થાને છે. આ ઉપરાંત, ઘણી કેન્દ્રીય, ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓએ પણ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે.
યુનિવર્સિટીઓ વચ્ચે સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો હેતુ
આ અંગે કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુકાંત મજુમદારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 2015 માં NIRF (ઇન્ડિયા રેન્કિંગ્સ) શરૂ કર્યું હતું. તેનો હેતુ દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ વચ્ચે સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો અને તેમના વાર્ષિક રેન્કિંગ તૈયાર કરવાનો છે.
રેન્કિંગ માટેની પદ્ધતિ પાંચ મુખ્ય પરિમાણો પર આધારિત
આ રેન્કિંગ માટેની પદ્ધતિ પાંચ મુખ્ય પરિમાણો પર આધારિત છે. જેમાં શિક્ષણ, શીખવું અને સંસાધનો, સંશોધન અને વ્યાવસાયિક પ્રેક્ટિસ, સ્નાતક પરીક્ષાના પરિણામો, સંપર્ક અને સમાવિષ્ટતા અને વિધાર્થીઓની પ્રતિભાવ મુખ્ય છે.
અરજીઓની સંખ્યા 6272 થી વધીને 14,163 થઇ
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એનઆઇઆરએફ અંતર્ગત અરજીઓની સંખ્યા વર્ષ 2021માં 6272 થી વધીને વર્ષ 2025માં 14,163 થઇ છે. તેમજ વર્ષ 2021 થી 2025 દરમિયાન એનઆઇઆરએફ હિસ્સો લેનાર સંસ્થાઓની સંખ્યા 4030 થી વધીને 7692 થવા પામી છે.