Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

મોંઘવારી…
ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. વિપક્ષોના પ્રચાર માટે મુખ્ય મુદ્દો મોંઘવારી છે. પણ હકીકતમાં મોંઘવારી નીચલા મધ્યમ વર્ગ કે જે કુટુંબમાં એક વ્યક્તિ જે નોકરીમાં બાંધી આવક મેળવે છે તેને જરૂર નડે છે. બાકી તમે થોડું નિરીક્ષણ કરશો લાગે નહીં કે ખરેખર મોંઘવારી છે. કોરોના પત્યા પછી મોટરકારોનું વેચાણ ચાર ગણું થયું છે. સ્કૂટર, મોટર સાઇકલો અને હવે મોંઘા ઇલેક્ટ્રિક વાહન પણ સારા એવા વેંચાય છે. લોકો મોંઘા સ્માર્ટ ફોન ખરીદે છે અને શહેરોમાં ૩ કે ૫ સ્ટાર હૉટલોમાં જમવા બુકિંગ કરાવવું પડે છે, નહીં તો પૈસા આપી ખાવાનું હોવા છતાં વેઇટિંગમાં ભૂખ્યા પેેટે બેસવું પડે છે. આવી જગાએ જમવાના એક વખતના બિલમાં મધ્યમ વર્ગના પરિવાર માટે આખા મહિનાનું શાક આવી જાય.
મોંઘવારી માટે જવાબદાર કારણોમાં એક ઇંધણના ભાવ છે. જેમાં ઘટાડો કરવા રાજ્યો તૈયાર નથી કારણ એમની આવકનો મોટો હિસ્સો ત્યાંથી જ આવે છે. સરકારી કર્મચારીઓને તો મોંઘવારી દર પ્રમાણે પગાર વધારો કે ભથ્થું મળી જ જાય છે. મરો તો મધ્યમ વર્ગનો કે જે ખાનગી નોકરી કરે છે તેમનો થાય છે. બધા સાથે ભણતર પણ મોંઘું થઇ ગયુંં છે. આજનો વિદ્યાર્થી ખાનગી ટયુશન સિવાય ભણતો નથી. સામે હવે દરેક કુટુંબમાં એક કે બે જ બાળક હોય છે અને મા-બાપ બન્ને કમાય છે એટલે વાંધો નથી આવતો. તો પણ કોઇ પોતાના બાળકને સરકારી શાળામાં ભણાવવા નથી ઇચ્છતું. કારણ ત્યાં શિક્ષણનું સ્તર નીચું હોય છે. શ્રીમંત અને ઉપલા મધ્યમ વર્ગના કુટુંબમાં વ્યક્તિદીઠ એક વાહન તો હોય જ છે. એટલે કોઇ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવા તૈયાર નથી. જોેકે આપણા શહેરોમાં એના પર સમયસર પહોંચવા ભરોસો પણ ન કરાય. સરવાળે મોંઘવારીના રોદણાં રડ્યા કરતાં આપણે આપણામાં થોડું પરિવર્તન લાવીએ એવી પ્રવૃત્તિઓ વિકસાવીએ જેથી મોંઘવારીમાં થોડી રાહત પણ મળે. – જીતેન્દ્ર શાહ
————-
મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ આને કહેવાય?
ગુજરાતના સરેરાશ મતદારને એવું લાગે છે કે વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓથી ખરડાયેલા લખપતિ-કરોડપતિ ઉમેદવારો, દબાવી દેવાયેલા મહિલાઓના અવાજ, પક્ષપલટાની ખીલેલી મોસમ, પક્ષો દ્વારા વેચાતી ચૂંટણી ટિકિટો, જાહેરસભામાં ભીડ એકત્ર કરવા મતદારોને ધમકાવવા-બોગસ વોટિંગ કરાવવા પેરોલ પર છોડાતા બૂટલેગરો જ્યાં હોય ત્યાં મુક્ત અને ન્યાયી ચૂંટણી ક્યારેય પણ સંભવી શકે?
કેવળ ઔપચારિકતા ખાતર ચૂંટણી ઢંઢેરા બહાર પડાતા હોય, વિના ટેન્ડરે જાહેર સ્થળોએ હોર્ડિંગ લગાવવાના કોન્ટ્રેક્ટ અપાતા હોય, ગરીબોને વોટ માટે દારૂ-જુગારના અડ્ડાવાળાઓ ધમકાવતા હોય, મહિલા કાર્યકરોનો ગેરફાયદો ઉઠાવતા નેતાઓ હોય, ઉમેદવારો વિરુદ્ધ ભારે અણગમો-અસંતોષ હોવા છતાં પાર્ટીઓ એમને ઉમેદવારી માટે રિપીટ કરતી હોય એવા નિર્વાચનને મુક્ત અને ન્યાયી કદાપિ કરાવી શકાય નહીં જ. – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ, અમદાવાદ
————–
રચો મતદાતા પરિષદ!
ભાજપાએ અત્યાર સુધીમાં જાહેર કરેલી વિધાનસભાની એકસો સાઇઠ બેઠકોની યાદીમાં ઓગણસિતેર ઉમેદવારોને રિપીટ કર્યા છે. અર્થાત્ ગઇ વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનેલા ઉમેદવારોને ફરીથી ટિકિટ આપી છે. એજ પ્રમાણે કૉંગ્રેસ પક્ષે પણ કેટલાક ઉમેદવારોને ફરીથી રિપીટ કર્યા છે. ત્યારે રાજ્યના વિધાનસભા મતવિસ્તારના પ્રબુદ્ધ મતદારોએ પોત-પોતાના મતદાર ક્ષેત્રમાં પક્ષ-નિરપેક્ષ ભૂમિકાએ ‘મતદાતા પરિષદ’ રચી જે વિધાનસભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. તેવા વિધાનસભ્યોને આવી ‘મતદાતા પરિષદ’ પાસે આવી પોતાના કાર્યનો અહેવાલ આપવાની અને પોતાના મત વિસ્તારના પ્રશ્ર્નો અને સમસ્યાઓની કેટલી રજૂઆતો વિધાનસભામાં કરી તેનો જવાબ આપવાની ફરજ પાડવી જોઇએ. મતદારોને આવો અધિકાર છે.
કેવા ઉમેદવાર ચૂંટીને મોકલવા જરૂરી છે
રાષ્ટ્રીયતા ને અગ્રતા આપનાર પ્રમાણિક અને સદાચારી તેમ જ સેવાભાવી ઉમેદવારોને ચૂંટી મોકલવા જરૂરી છે. દેશને-રાજયને-પ્રજાને જેઓ સાચો યોગ્ય માર્ગ ચીંધી શકે, જેમના દિલમાં ગરીબો-બેરોજગારો પ્રત્યે સાચી હમદર્દી હોય, તેમનું હિત હૈયે વસેલું હોય, ખોટા કે ઉડાઉ ખર્ચા કરતા ન હોય, કરચોરી કરતા ન હોય અને સાદગી અપનાવી દેશની અને પોતાના મત વિસ્તારની સેવા કરવાની તમન્ના ધરાવતા હોય, રાષ્ટ્રની સેવાના બદલામાં વેતન-ભથ્થા અને પેન્શનની અપેક્ષા રાખતા ન હોય તેમ જ કોઇની પણ શેહ-શરમમાં આવ્યા વગર તટસ્થ નિર્ણય લઇ શકે, દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થઇ શકે તેવા ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતા ઉમેદવારોને ચૂંંટી મોકલવા જરૂરી છે. કોમ-જ્ઞાતિ કે સામાજિક વર્ગને લક્ષમાં રાખ્યા વગર જે પક્ષ અથવા ઉમેદવાર કોઇપણ જાતના ભેદભાવ વગર બહુજન સમાજ ઉત્કર્ષ અર્થે કામ કરવાની તત્પરતા દાખવે તેવા પક્ષ કે ઉમેદવારોને ચૂંટી મોકલવા જરૂરી છે.
– મહેશ વી. વ્યાસ, પાલનપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular