Homeલાડકીતરુણાવસ્થાએ ‘ટોલરન્સ’ની તકલીફ...

તરુણાવસ્થાએ ‘ટોલરન્સ’ની તકલીફ…

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

નમતી બપોરનો સમય, આંગણામાં પોતેજ નાનપણમાં વાવેલાં વૃક્ષોની ઘટાઓમાં પોતપોતાના માળાઓમાં કલબલાટ કરતા પંખીઓના અવાજને હંમેશાં માણતું રીવાનું મન આજે ઉચાટ અનુભવતું હતું. પક્ષીઓનો એ કલબલાટ આજે શોરબકોરમાં પરિવર્તિત થઇ ગયો હતો. મા ની સોડમાં લપાઈને તેના મમત્વને માણવાના વર્ષો હવે થોડા સમયમાં જ ભૂતકાળ બની જવાના હતા એમ વિચારી રીવા ટ્યૂશન જતા પહેલા બાકી બચેલી અમુક મિનિટસમાં પુસ્તક વાંચવાની વ્યર્થ મથામણ કરવા લાગી ત્યાંજ દીવાનખંડમાં ધીમા અવાજે ચાલતી ચર્ચા એના કાને અથડાઈ. દબાતા પગલે રૂમના દરવાજા પાસે પહોંચતા સુધીમાં ચર્ચાનો વિષય પોતેજ હશે એની ખાતરી થતાંજ પહેલેથીજ ભયમાં રહેલા એના ગભરુ મનમાં ધ્રાસકો પડ્યો. એને હોસ્ટેલમાં ભણવા નહોતું જવું એવું નહોતું, પરંતુ સમય સંજોગોની માંગ મુજબ હાલની પરિસ્થિતિમાં પોતાની ઉંમરને અવગણીને પણ હોસ્ટેલમાં ભણવા જવું જ પડશે તે માટે તેની ઈચ્છા કે મરજીને લક્ષ્યમાં લીધા સિવાય એની જિંદગીના આવા મહત્વના નિર્ણય પણ માતા-પિતા સહિત ઘરના અન્ય સભ્યો દ્વારા જ લેવામાં આવી રહ્યા હતા. પોતે એકલી રહી શકશે કે નહિ એ હકીકતની પૃચ્છા કર્યા વગર, પોતે કેટલી સંવેદનશીલ છે, મનથી કેટલી પોતાના ઘર-પરિવારથી નજીક છે, એ બધુંજ બધા જાણતા હોવા છતાં સારા ભણતર માટેની તક ગુમાવવી શા માટે? પહેલા પહેલા આકરુ લાગે પણ પછી કોઠે પડી જ જાય, ઊલ્ટું વધારે મજા આવે અને ભલેને થોડાં વર્ષો માતા પિતાથી અલગ શહેરમાં રહેવું પડે એમાં શું??? એ મતલબની અનેક દલીલો ચાલી રહી હતી. બધાને ખ્યાલ હતો કે પોતે એક શબ્દ પણ બોલશે નહીં. આજ સુધી જે સહનશક્તિના કારણે એના ઓવારણા લેવાતા હતા એજ એની શત્રુ બની સામે ઊભી હતી અને પોતે નિ:શસ્ત્ર!!
સામે ઘોડિયામાં નિરાંત જીવે ઊંઘી રહેલી નાની બહેનને જોતાજ એને વિચાર આવ્યો કે હું પણ ફરી આવડી નાની બની જઉં? તો મને આમ દૂર મોકલવાના કારસાઓથી છુટકારો મળે! કે પછી ઘરમાં જ ક્યાંય સંતાય જઉં પણ એમ કરવાથી કંઈ આનો ઉકેલ થોડો આવશે?! એકલા એકલા આવતા આવા અનેક મેળમાથા વગરના વિચારો થકી એનું મગજ ભમવા લાગ્યું હતું ત્યાંજ બહારથી એના નામનો સાદ સંભળાતા એ કોચવાતા મને બહાર નીકળી તો ખરા, પરંતુ એને ખ્યાલ હતો જ કે પોતાના મોમાં તો જીભ જ નથી કે નથી હૈયામાં હામ કે ત્યાં બેસેલી દરેક વ્યક્તિ સામે માત્ર એટલું પણ બોલી શકે કે મારું ઘર છોડી મારે ક્યાંય જવું જ નથી. હોઠ સીવાયેલા હતા અને અંતરમાં આવેશ ગોરંભાયેલ હતો. ગળામાં અવાજ રૂંધાયેલો હતો અને મન ચીસો પાડી રહ્યું હતું. ‘મારે હોસ્ટેલમાં નથી જવું’, જેવું ભણાય એવું અહીં જ રહેવું છે. મને ત્યાં નહીં ગમે. જમવાનું નહી ભાવે , ઊંઘ નહીં આવે. આ મતલબના રીવાએ હળવા અવાજે ઉઠાવેલા પ્રશ્ર્નોનો તો એકીઝાટકે ખારીજ કરી નાખવામાં આવ્યા અને લાગણીઓની વાત આવી ત્યાં જિંદગીમાં ક્યારેક ભોગ પણ આપવો પડે એ શિખામણ ગાંઠે બાંધવામાં આવી. ભોગ? મારી જ ઈચ્છાઓનો ભોગ?? આ સવાલ એના મગજ પૂરતોજ સીમિત રહી ગયો અને આખરે આ બધી લાગણીઓની સમજને કિનારે કરી આખરી નિર્ણય લેવાય ચુકાયો હતો તેનો સ્વીકાર કરવો જ રહ્યો. નિર્ણય એને જણાવી પણ દેવામાં આવ્યો, નિર્ણયનો અમલ પણ કરાવવાની તૈયારીઓ થવા લાગી અને આખરે એ દિવસ પણ આવી ગયો જયારે એની સ્કૂલ, મિત્રો, આસપાસનું બધું જ ચિર પરિચિત છોડી તેણીએ બહુ દૂર ચાલ્યા જવું પડ્યું.
ચૌદ વર્ષની ઉંમર અને નવમા ધોરણમાં ભણતી રીવાએ તરુણાવસ્થામાં ડગ માંડતા જ ઘર બહારનો રસ્તો પકડી લેવો પડ્યો હતો. એક એક મિનિટ એક એક દિવસ જેવડી લાંબી લાગતી હતી. રાત્રે મમ્મી યાદ આવે, જમવાની થાળી પર ઘરની સોડમ ભૂલી ના શકાય, પોતીકાપણાની સુંવાળપ તો હવે માત્ર સપનામાં જ શક્ય હતી, સૂરજની સાથોસાથ પોતે અહીં એકલી છે એ ઊગતું સત્ય એટલું તીક્ષ્ણ હતું કે સતત એના હૃદયમાં શૂળની પેઠે ભોંકાયા રાખતું. રોજ સવારે ઊઠતાંવેત મમ્મીને સતત શોધતી, બારી બહાર કોઈજ કારણ વિના ટગર ટગર જોઈ રહેતી રીવાની બે ચમકતી ગોળ આંખો આંસુઓથી ખરડાયેલી રહેતી. નાની બહેનની આંગળીઓનો સ્પર્શ અનુભવવા તરસતી હથેળીઓ પરસેવાથી ભીની થઈ ઊઠતી અને મિત્રો સાથે વાતો કરવા મન વલખાં માર્યા રાખતું.
હોસ્ટેલના રુમની બારી પાસે ટેબલ પર પથરાયેલ ચોપડીઓનાં પાનાઓ પર આંસુઓની ધાર થકી રેલાઈ જતી શાહી માફક રીવાના દિવસો રેલાતા ગયા..કોરીધાકોડ આંખો ને વલોવાતું હૈયું , નિરંતર નીચોવાતું મન, અને નિસ્તેજ અસ્તિત્વ અવિરત પોતાના માળામાં પાછા ફરવાં વલખા મારતું રહ્યું. પણ એ તો બધુંજ સહન કરી જાણે છે ને!! સહનશીલતા એ તો દીકરીનું ઘરેણું છે. સહનશક્તિ દીકરીની તાકાત અને સહ્યતા એજ એની સભ્યતા છે. આવું જ તો હંમેશાં તેને શીખવાડવામાં આવેલું ને? સહનશક્તિના નામે જીવતર જીરવતી સ્ત્રીની આવી હાલત માટે હકીકતમાં જવાબદાર કોણ છે? વાંક કોનો? સહન કરનારનો? સહન કરાવનારનો ? સહનશીલતાને સાહજિકતાથી લેનારનો ? કે સંજોગોનો? તરુણાવસ્થાને ઉંબરે ઊભેલી દીકરીને શું ક્યારેક
ઓછું સહનશીલ બનવાની જરૂર નથી હોતી? વિચારોને વાચા અને નિર્ણયોને દ્રઢતા આપતા એ કઈ રીતે
શીખી શકે? એવો વિચાર શું આપણને પણ ક્યારેય નહિ આવે? (ક્રમશ:)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular