Homeલાડકીતરુણાવસ્થા અને લાગણીઓનું મેનેજમેન્ટ તમારો (E Q) કેવો છે?

તરુણાવસ્થા અને લાગણીઓનું મેનેજમેન્ટ તમારો (E Q) કેવો છે?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

છેલ્લા ત્રણ અઠવાડિયાથી નિકિતાએ પોતાની સ્વિમિંગ કરિયર ચકડોળે ચડાવી છે. આમ તો, ગઈકાલ રાત્રે તેણીના કોચની સમજાવટ બાદ તે થોડી પોઝિટિવ ચોક્કસ થયેલી, પરંતુ ચોતરફથી આવતું એકધારું દબાણ અંતે તે સહન ના કરી શકી. લોકોની ટીકાઓ, નિષ્ફળતાને પચાવી ના શકવાની આદત, ઘરના લોકોનું ઝીરો involvment, જતનથી ઉછેરેલાં સપનાઓને નજર સામે તૂટતા જોવા આ બધું સતત લાડકોડમાં રહેતી, ક્યારેય એકપણ પ્રકારની તકલીફ ના ભોગવતી અને કોઈ મુશ્કેલી વગરની સીધી સપાટ હાઈ વે જેવી જિંદગીની માલકિન એવી નિકિતા માટે થોડું વધુ પડતું હતું. પોતાના રૂમની બાલકનીમાં બેસી ક્યાંય સુધી અન્યમનસ્ક એવી એ વિચારોના વમળમાં એવી તો ફસાઈ ને નકારાત્મકતાએ તેણીના મગજ પર એવો તો કબજો જમાવ્યો કે નિકિતા બેભાન થઈ ઢળી પડી.
આ છે તમારો emotional quotion. ભાવનાત્મક દબાણ સહી શકવાની ક્ષમતા. બાળક તરુણાવસ્થા પસાર કરી યુવાનીમાં પ્રવેશે ત્યાં સુધીમાં એક સારા પેરેન્ટ્સ બનવાની લ્હાયમાં તેઓને કોઈજ પ્રકારની મુશ્કેલી ના પડે એવું આપણે ઈચ્છતા હોઈએ જેના લીધે તેઓ પર કોઈ તકલીફ આવતા પહેલા જ બચાવ કામગીરી શરૂ થઈ જાય અને જ્યારે જીવનની કડવી વાસ્તવિકતાઓનો ફરજિયાત સામનો કરવાનો આવે ત્યારે જે પરિણામ આવે તે માની શકાય જ નહીં એ હદે ભયંકર હોય. દુનિયામાં અનેક સેલિબ્રિટીઝ એવા મળી આવશે કે જેઓએ આત્મહત્યા કરી હોય, એ માટેના પ્રયાસો કર્યા હોય કે પછી સતત ડિપ્રેશનનો શિકાર હોય.
અચાનક પછડાટ લાગવાથી કપાળમાંથી લોહીની ધાર વહી નીકળી. આ તો સારું થયું કે, નિકિતાના પડવાથી પાસે રહેલ માટીનું કૂંડુ નીચે પડ્યુંને ધબ દઈને જોરથી એવો અવાજ આવ્યો કે નીચેના રૂમમાં તેના મમ્મી પપ્પા સફાળા જાગી ગયા અને નિકિતાને સમયસર હોસ્પિટલ પહોંચાડી. પરંતુ આજે જે થયું એના માટે તેઓ પણ ક્યાંકને ક્યાંક થોડાઘણા અંશે ચોક્કસપણે જવાબદાર હતા. નિકિતા જે નિર્ણય લે અમે એમાં સહમત છીએ એમ બોલી દરેક બાબતમાં છટકી જતાં તેઓ ક્યારેય તેણી સાથે બેસી એ બાબતો અંગેના સારા-નરસાં મુદ્દાઓની ચર્ચા કરતાં નહીં, ના ક્યારેય તેણીને સધિયારો આપતા કે બધું સારુ થઈ રહેશે કે પછી ના ક્યારેય શાબાશી આપતા. અંતે થતું એવું કે, નિકિતાએ પોતાની સમજ પ્રમાણે લાગણીઓને મૂલવી નિર્ણયો લેવા પડતાં. જેમાં તેના પર દબાણ વધતું અને એ સતત હતાશ રહેવા લાગી હતી.
બીજા દિવસે સવારે જેવી નિકિતા હોસ્પિટલમાં છે એ ખબર વહેતી થઈ કે મોટાભાગના લોકો એક જ વાત કરવા લાગ્યા, “શું તકલીફ છે આને!! બધું જ તો ભગવાનનું આપ્યું છે. પછી શું?? બસ, આ વિચારસરણી જ બદલાવવી પડે એમ છે.
તમે અત્યંત સફળ છો, લોકપ્રિય છો, પૈસાની રેલમછેલ છે ને તોય તમે દુખી છો. આવું હકીકતમાં ઘણા લોકો સાથે બને છે, જેના દાખલાઓ સમાજમાં ઓછા નથી. ખૂબ પ્રસિદ્ધ જીવન જીવતી યુવતીઓ આવેશમાં આવી આત્મહત્યા કરવા સુધી પ્રેરાય. પોતાનું જ નુકસાન કરી બેસે, આજીવન માનસિક રોગની કેદમાં ભીંસાય આવું શા માટે?? કારણ છે તેઓમાં દબાણ, સ્ટ્રેસ, ઈમોશન્સને સહન કરવાની કે પરિસ્થિતિ મુજબ મનમાં ઉદ્ભવતી ભાવનાઓને કાબૂમાં રાખવાની શક્તિ વિકસી જ નથી. તમારી આસપાસ પણ એવાં અસંખ્ય ઉદાહરણો બન્યાં હશે કે જેઓ પોતાના ઈમોશન્સને સહન ના કરી શક્યા હોય. નિકિતા સાથે પણ એ જ થયું. આવું ના થાય તે માટે બાળક મોટું થવા લાગે ત્યારે ટીનએઈજની શરૂઆતથી જ તેને પોતાના ઈમોશન્સનું મેનેજમેન્ટ શીખવવું જરૂરી છે.
એક તો આ ઉંમરે હોર્મોન્સનો મારો વધુ હોય, એમાં કોઈપણ પ્રકારના ભાવનાત્મક બદલાવોનો સ્વીકાર તેઓ માટે અઘરો બની રહે છે. એ માટે ઈમોશન્સ બાબતે ખુલ્લા દિલથી વાતચીત કરતાં શીખવું જરૂરી છે. “અરે, શું છોકરીની જેમ રોવે છે?, અરે, તારે તો કપાળમાં કૂવો છે કે શું? બધી વાતમાં ફરિયાદ?? હવે મોટા થયા થોડું વર્તન સારું કરો. આવા અઢળક વાક્યો ટીનએજર્સના કાને દરરોજ અથડાયા રાખે છે, પરિણામે થાય છે એવું કે તેઓ આવું કરવાનું બંધ નથી કરતાં બસ, તેને તમારી સામે આવવા દેતા નથી. ઘણી વખત ઘરમાં લાગણીઓની વાત આવે ત્યારે તેને વાળીચોળીને બાજુ પર રાખી દેવાતી હોય છે. પ્રેક્ટિકલ બની દરેક નિર્ણય લેવાના આગ્રહી વ્યક્તિઓના સંતાનો પણ પોતાના ઈમોશનલ ક્વોશન્સને મજબૂત બનાવી શકતા નથી.
જે તરુણોમાં આ દબાવ સહન કરવાની ક્ષમતા ઓછી હોય છે તેઓ પરીક્ષાના ડરથી પિડાતા જોવા મળે છે. નિષ્ફળ જવાનો ડર તેઓને સફળતા તરફ એક ડગલું પણ માંડવા દેતો નથી. આવા સમયે તેઓને શાંતિથી સાંભળવા બહુ જરૂરી હોય છે. એટલું જ નહીં, કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવી ચડે તો આવવા દેવાની, તેઓને જાતે તેનો હલ કાઢવા દેવાનો અને એ માટે ક્યારેક થોડી તકલીફ સહન કરવી પડે તો પડવા દેવાની. બાકી, નિકિતા માફક ખોટા નિર્ણયો તરફ આગળ વધી જતાં તેઓને વાર લાગશે નહીં. હજુ નિકિતાને કોઈ મોટું નુકસાન નહોતું થયું પરંતુ અમુક તરુણો ઘરેથી ભાગી જવાના, ડ્રગ્સ જેવાં વ્યસનના રવાડે ચડી જવાના કે પછી કોઈ ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાઈ જવાના કિસ્સાઓનો ભોગ બની બેસે છે.
આથી જ, જેમ આપણે શારીરિક તાકાતની અગત્યતા જાણીએ છીએ એમ માનસિક મજબૂતાઈનું પણ મહત્ત્વ સમજવા લાગીએ અને એ મુજબ આપણા તરુણોને શીખ મળે તો આગળ જતાં કુદરતી રીતે લાગતી જીવનની થપાટોને તેઓ વધુ સારી રીતે સહન કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -