ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી
તરુણાવસ્થામાં અનુભવાતી મૂંઝવણ, જાત પ્રત્યેની સભાનતા, નિર્દોષ દોસ્તીના નશામાં ભોગવાતો આનંદ, નાની નાની મૂર્ખતા અને સ્વતંત્રતા મેળવવા માટેની અનહદ છટપટાહટ. દેશ-દુનિયાના કોઈપણ ખૂણે દરેકેદરેક તરુણોએ ભોગવવા પડતા આ સંઘર્ષને સહજતાથી દર્શાવતી વાર્તાઓ આપણી આસપાસ બનતી રહે છે જો તેમાં જરા અમસ્તું ડોકિયું પણ કરવામાં આવે તો તેઓ દ્વારા અનુભવાતી ભીડ વચ્ચેની એકલતા, નાદાનિયતમાં કરાતી મૂર્ખતા કે જાહેરમાં દર્શાવાતો ડર એકદમ સાચો અને સચોટ લાગે. આવીજ એક વાર્તા છે બુલબુલની.આમ તો આ વાર્તાઓ ફિલ્મો સ્વરૂપે પણ દર્શાવાય ચુકી હોય છે, પરંતુ તેમાં એવા ઘણા બધા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે કે જે તરુણાવસ્થાને સ્પર્શી જતાં હોય.
શહેરથી ઘણે દૂર અંતરિયાળ વિસ્તારના સાવ નાનકડા અમસ્તા ખોબા સરીખા ગામમાં પોતાની તરુણાવસ્થા પસાર કરતી બુલબુલના ખાસ મિત્રોમાં બે નામ મોખરે છે બોની અને સુમુ. બુલબુલના પિતા ગાય કે બકરી પાળવાને બદલે ઘરની પછીતે મરઘા ઉછેરે છે, મરઘાને કારણે ઉદભવતી ગંદકી બુલબુલને સહેજપણ ગમતી નથી પણ સહન કરવી પડે છે માત્ર એટલા માટે કે તેમાંથી બે પૈસા વધુ રળી શકાતા હોય છે, પરંતુ તેઓનો જીવ એક સંગીતકારનો છે જે રાત્રે ભજનો અને ભક્તિ સંગીત ગાતા હોય છે. તેનું એક જ સપનું છે કે, દીકરી બુલબુલ મોટી થઈને ગાયિકા બને, પરંતુ પંદરેક વર્ષની બુલબુલ લોકો સામે ખૂબ શરમાળ અને અંતર્મુખી હોય તે જાહેરમાં ખુલ્લા અવાજે ગાવા માટે અસમર્થ હોય છે. બુલબુલની ગાઢ મિત્ર બોની બુલબુલની સરખામણીએ ઓછી શરમાળ છે અને આથી તેના અવાજની હંમેશાં વધુ પ્રશંસા થતી હોય છે. જોકે બુલબુલ-બોનીની મિત્રતામાં આ વાતથી કોઈજ ફર્ક પડતો નથી ઉલ્ટું એ લોકો વધુ સારી રીતે એકબીજાની મિત્રતા સમજી શકે છે. આ ટોળકીનો ત્રીજો ભાગીદાર છે સુમુ. આમ તો છોકરો છે, પરંતુ બોની અને બુલબુલ બંને છોકરીઓ સાથે હરતા ફરતા અને ગાઢ મિત્રતા ધરાવવાને કારણે તેને હંમેશાં અન્ય છોકરાઓ દ્વારા ચીડવવામાં આવે છે. સામે પક્ષે સુમુ પોતે પણ નક્કી કરી શકતો નથી કે તે પુરુષ સહજ આવેગો અનુભવવાની સાથોસાથ પોતાનામાં સ્ત્રેણ ગુણો કેમ ધરાવે છે? નાનકડા ગામડાની ધીમી, રૂઢિચુસ્ત, અભાવગ્રસ્ત એકધારી જિંદગી વચ્ચે પોતાના નાના મોટા મોજશોખ અને આનંદ માટેના રસ્તાઓ શોધી લેતા આ ત્રણેયની અંદર પોતાની જાત પ્રત્યેની સભાનતા આવવાની શરૂઆત થતાંજ બુલબુલ અને બોની વિજાતીય આકર્ષણ અનુભવે છે અને સ્કૂલમાં પોતાની સાથે ભણતા અન્ય બે તરુણો સાથે મિત્રતાથી વિશેષ જેને કાચી ઉંમરનો પ્રેમ કહેવામાં આવે છે તેની શરૂઆત થાય છે. સુમુ હજુપણ પોતાની સાચી ઓળખ મેળવવામાં અટવાયેલો હોય તે મોટાભાગે બુલબુલ અને બોનીના બોડીગાર્ડ જેવું કામ કરે છે.
એક દિવસ એ નાનકડા ગામના સામેના છેડે આવેલ ટેકરી પર ફરવા ગયેલ બુલબુલ અને બોની, સુમુને પોતાના મિત્રો સાથે એકલો સમય પસાર કરવા મળે એટલા માટે ચોકી પહેરા માટે બેસાડે છે. એવામાં સમાજના કહેવાતા રખેવાળો દ્વારા જેમ આપણા દેશમાં આ પ્રકારે મળતા કે બેસતાં યુગલોને પકડે, પરેશાન કરે, માર મારે એ અહીં પણ થાય છે. ઢોરમાર, બેઈજ્જતી, અભદ્ર ભાષાના ઉપયોગથી ના અટકતા તેઓનો વીડિયો ઉતારી લઇ ગામમાં ફેલાવી દેવામાં આવે છે. આ ઝુંડને સૌથી પહેલા સુમુ જ સામે મળ્યો હોય છે, પરંતુ ઈર્ષ્યા કહો કે નાદાનિયત સુમુ આ ટોળાને જોઈને પણ બુલબુલ કે બોનીને ચેતવવાને બદલે ત્યાંથી ભાગી જાય છે. પછી તો એજ થાય છે જે આ પ્રકારના કિસ્સાઓમાં થતું આવે છે. ઘરમાં પડતો ઠપકો, સહાધ્યાયીઓ દ્વારા કરાતી પજવણી અને અંતે હોશિયાર વિદ્યાર્થીઓ હોવા છતાં શાળામાંથી બરતરફ કરવા માટેનો લેવાતો નિર્ણય!. પોતાને એકલા હાથે ઉછેરતી માને પોતે આપેલ આ અનહદ દુ:ખનો ભાર અસહ્ય બની જતા બોની આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે. બોનીનું મૃત્યુ તેની માતાની સાથોસાથ બુલબુલ અને સુમુને પણ અંદરથી હચમચાવી દે છે. એ સમયે પણ એકબાજુ સળગતી બોનીની ચિતા અને બીજીબાજુ લોકો દ્વારા કરાતી તેની વાતો અને નિંદા આપણી સમક્ષ સમાજનું વરવું તેમજ વાસ્તવિક ચિત્ર ખડું કરી દે છે. છોકરીઓને ચુપ રહેતા , શરમાતા, વિરોધ કે વિદ્રોહ નાં કરતા શીખવાડી દેવું એ સમાજ પોતાની ફરજ સમજે છે.
તરુણોને અને તેની દુનિયાને સમજવાની કોઈજ જરૂર હોતી નથી તેવી માન્યતામાં જીવતા આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે પણ એક સમયે એ અવસ્થામાં જીવતા હતા.
અંતે એકલતામાં પણ એકલી પડી ગયેલ બુલબુલ સુમુ સાથેની દોસ્તીમાં ઓટ લાવી દે છે, પોતાને પ્રેમ કરતા યુવાન પ્રત્યેનું આકર્ષણ ગુમાવી બેસે છે. સમાજમાં કરાતી વાતો સામે મૌન સેવે છે અને પોતાની અંદર ઉદ્ભવતા ગુસ્સા, હતાશા, ખાલીપણાને નાથવા બુલબુલ બોનીની માતાના સાનિધ્યમાં ધીમે ધીમે પોતાનો અવાજ ખોલવાના પ્રયત્ન કરે છે.
બુલબુલનું અંતર્મુખી વ્યક્તિત્વ કે, બોનીની બહિર્મુખી પ્રતિભા કે પોતાના અસ્તિત્વ વિશે અસ્પષ્ટ સુમુ આપણને એવા સત્ય તરફ દોરી જાય કે જે તરફ આંખ બંધ કરી બેસી રહેતા સમાજે નજર ફેરવવી આવશ્યક છે. (ક્રમશ:)