દેશ માટે ઝંડા બનાવવાનો ગર્વ ખરો, પણ…

ઇન્ટરવલ

મરાઠવાડાના ખાદી ગ્રામોદ્યોગ સેન્ટરમાં કામ કરતા મજૂરોની વ્યથા આ એક જ વાક્યમાં સમાયેલી છે, જેને વાચા આપવાનો ન તો કોઈ પાસે સમય છે કે ન તો કોઈ માટે એનું કંઈ મહત્ત્વ છે

કવર સ્ટોરી -દર્શના વિસરીયા

‘અમારી ઓળખ માત્ર ૧૫મી ઑગસ્ટ સુધી જ મર્યાદિત છે… ૧૬મી ઑગસ્ટની સવારે તો લોકો અમને ભૂલી પણ જાય છે અને હવે તો અમને પણ આ વાતની ટેવ પડી ગઈ છે. આ જ કારણ છે કે અમે લોકોએ ક્યાંય લાઈમલાઈટમાં આવવાનું કે પછી ઈન્ટરવ્યુ આપવાનું બંધ જ કરી દીધું છે. અમારું કામ છે અને એ અમારે જ કરવું પડશે, પરંતુ સરકારે પણ અમારી તરફ ધ્યાન તો આપવું જોઈએને? અમને નાની-મોટી મદદ તો કરવી જ જોઈએને?’ ઊભરો ઠાલવતાં કહે છે દૈવશાળા સૂર્યવંશી… ૧૯૯૮થી મરાઠવાડા ખાદી ગ્રામોદ્યોગ સેન્ટરમાં તે કામ કરે છે અને આ જ લાતુરના કેન્દ્રમાંથી છેલ્લા છ દાયકાથી રાષ્ટ્રધ્વજ બનાવવા માટે આવશ્યક દોરા અને એ માટેનું કાપડ તૈયાર કરવામાં આવે છે, પણ અહીંના કર્મચારીઓને મળતા ટૂંકા પગારથી તેઓ નારાજ છે.
દેવશાલાની સાથે જ કામ કરે છે ઊર્મિલા મોરે અને તેઓ પણ ૧૮ વર્ષની ઉંમરથી જ અહીં કામ કરે છે. તેમને આપવામાં આવતા વેતન વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે ‘મેં જ્યારે અહીં નોકરી કરવાની શરૂઆત કરી ત્યારે દોઢ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવતો હતો અને આજે ૨૦ વર્ષ બાદ મને પગારપેટે મળે છે ત્રણથી ચાર હજાર રૂપિયા. દેશ માટે ઝંડા તૈયાર કરીએ છીએ એનો અમને ચોક્કસ જ ગર્વ છે અને અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલો ધ્વજ લાલ કિલ્લા, સરકારી ઓફિસો અને શાળાઓની ઈમારતો પર જ ફરકાવવામાં આવે છે એનો આનંદ વિશેષ જ છે, પણ જે પગાર અમને આપવામાં આવે છે એનાથી અમારું ઘર કંઈ ચાલતું નથી.’
આ ખાદી ગ્રામોદ્યોગ સેન્ટરમાં કામ કરનારા મજૂરોને દિવસની ૨૦૦ રૂપિયા મજૂરી આપવામાં આવે છે. ઊર્મિલાની જેમ જ દેવશાલા પણ અહીં કામ કરવા આવે છે અને તેમને પણ એ જ વાતથી તકલીફ છે કે ૧૫ ઑગસ્ટને બાદ કરીએ તો કોઈને અમારી યાદ વર્ષના ૩૬૪ દિવસમાં એક દિવસ પણ આવતી નથી.
પોતાની વ્યથા માંડતાં દેવશાલા જણાવે છે કે ‘અમે દેશ માટે પૂરા અભિમાનથી ધ્વજ બનાવવાનું કામ કરીએ છીએ, પણ એ પછી અમારું શું? ૧૫ ઑગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીને બાદ કરીએ તો કોઈ અમારી સામે જોતું સુધ્ધાં નથી અને ન તો કોઈ અમારા પગારવધારા વિષે વિચાર કરે છે.’ ૧૯૬૭થી તિરંગો બનાવવા માટેની ખાદીનું કાપડ અહીં વણવામાં આવે છે. અહીંની સરખામણીએ બહાર વધુ મજૂરી મળે છે એટલે મજૂરો અહીં રોકાતા નથી. રૂપિયા ૨૦૦ની મજૂરીમાં પણ લોકો અહીં મજૂરી કરે છે.
જોકે અહીંના વ્યવસ્થાપકોનું એવું માનવું છે કે કર્મચારીઓને પગાર ભલે ઓછો મળતો હોય, પણ તેમને બાકીની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. ઝંડા માટે કાપડ તૈયાર કરનારા દોઢસોથી બસો કર્મચારીઓ છે અને તેમને બધાને જ ૨૦૦ રૂપિયાની મજૂરી ચૂકવવામાં આવે છે. આ સિવાય તેમને દિવસના ૮ કલાક જ મજૂરી કરવાની હોય છે, જેમાં તેઓ તેમની સગવડ પ્રમાણે આવી શકે છે. ઘરનું કામકાજ પતાવીને પણ તેઓ અહીં આવી શકે છે. આ ઉપરાંત જો કર્મચારી તેમના પગારના પૈસા ત્રણ વર્ષ સુધી કેન્દ્ર પાસે જમા રાખે તો તેમને ડબ્બલ પૈસા પાછા આપવામાં આવે છે. આ સિવાય તેમનાં બાળકોના ભણતરનો ખર્ચ, ઘર બાંધવા માટેની આર્થિક મદદ વગેરે માટે તો તેમને સહાય આપવામાં આવે છે. કર્મચારીઓના પેન્શન વધારા માટે સરકાર પાસે સતત માગણી અને પ્રસ્તાવ રજૂ કરવામાં આવી રહ્યાં છે. આપણે બધા જે તિરંગાનું આટલું અભિમાન અને ગર્વ અનુભવીએ છીએ એ તિરંગાના દોરા ઉદગીરના ગ્રામોદ્યોગ સેન્ટરમાં જ વણવામાં આવે છે અને એ માટે જોઈતો કાચો માલ કર્ણાટકમાં આવેલા ચિત્રદુર્ગથી લાવવામાં આવે છે. જે કેન્દ્રમાં દેશના ગૌરવ સમાન લાલ કિલ્લા પર ફરકાવવામાં આવનાર રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં આવે છે ત્યાંના કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ તો બિસમાર છે જ, પણ એ સેન્ટરની હાલત પણ કંઈ ખાસ સારી કહી શકાય એવી નથી. કેન્દ્રની આસપાસના પરિસરમાં ઘાસ ઊગી નીકળ્યું છે, જે પતરાં લગાવવામાં આવ્યાં છે તેમાંથી ચોમાસામાં પાણી ગળે છે. મહિલાઓ માટે એક જ શૌચાલય છે અને એની હાલત પણ સેન્ટર જેવી બિસમાર જ છે. ઉદગીરનું આ ગ્રામોદ્યોગ કેન્દ્ર દેશ માટે સ્વાભિમાનનું કેન્દ્ર છે અને તેનું મહત્ત્વ વધારવા માટે સ્થાનિક સ્તરથી લઈને કેન્દ્ર સરકાર દ્વારા પણ વિશેષ પ્રયાસો કરવામાં આવે એવી માગણી અહીં કામ કરનારા કર્મચારીઓ દ્વારા કરાઈ રહી છે. ખાદી વિષે લોકોમાં ખૂબ ગેરસમજ પ્રવર્તી રહી છે અને લોકોને એવું લાગે છે કે ખાદી મોંઘી હોય છે અને તે સર્વ સામાન્ય લોકોને પોસાય એવી નથી હોતી. આ જ કારણ છે કે લોકોની પહેલી પસંદ એ ખાદી નથી.
‘લોકોમાં ખાદી અંગે જાગરૂકતા લાવવાની જરૂર છે. લોકોને કપાસનો પાક લેવો છે, પણ ખાદીનું કાપડ નથી વાપરવું તો એ તો કઈ રીતે ચાલે? લોકોમાં જ્યારે ખાદી અંગે જાગરૂકતા આવશે ત્યારે જ લોકોમાં ખાદીનાં કપડાં અને તિરંગા લેવાનું પ્રમાણ વધશે, ત્યાં સુધી તો પરિસ્થિતિ ખાસ કંઈ સુધરશે નહીં,’ એવું અંતમાં દેવશાલા અને ઊર્મિલા જણાવે છે.
ઊર્મિલા અને દેવશાલાની ફરિયાદમાં તથ્ય તો છે જ અને એનાથી આપણે મોઢું નહીં ફેરવી શકીએ, કારણ કે આપણા માટે તો દેશભક્તિ એ માત્ર ૧૫મી ઑગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી પૂરતી જ મર્યાદિત છે. આ બંને દિવસે તિરંગાને માન આપ્યું, વૉટ્સએપ, સોશિયલ મીડિયા પર તિરંગાના ફોટા પોસ્ટ કરી દીધા એટલે જાણે આપણી ફરજ પૂરી થઈ ગઈ, પણ ક્યારેય આ તિરંગા તૈયાર કરનારા હાથ વિષે, તેમના પરિવાર વિશે વિચારવાની ફુરસદ આપણને મળી છે ખરી? સવાલ કદાચ કડવો છે, પણ છે તો એકદમ સો ટચના સોના જેવો સાચો…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.