રોજ બરોજ -અભિમન્યુ મોદી
અકબરને તેના સિંહાસન પ્રત્યે જબરી આસક્તિ હતી. જેમ મુંબઈકરો સવાર હોય કે સાંજ ચાની ટપરી પાસે જોવા મળે એ જ રીતે સભા હોય કે ન હોય જલાલુદ્દીન સિંહાસન પાસે જ મળી આવે. તેમાં રત્નો હતા? નહીં, સિંહાસન પ્રાચીન હતું? નહીં, કોઈના પ્રેમની નિશાની હતી? નહીં. તો પછી? અકબરના માનસમાં એ વાત ઘર કરી ગઈ હતી કે આ સિંહાસન જ તેને શક્તિ આપે છે. જો સિંહાસન ખંડિત થશે તો તેનું નેતૃત્વ નબળું પડી જશે. વિચારો વિક્ષિપ્ત અને મન દિગ્મૂઢ થઈ જશે. એટલે જ જયારે શહેનશાહનો કાફલો રણસંગ્રામમાં જતો ત્યારે બે પહેરેદાર તો સિંહાસનનો ચોકી પહેરો કરતા. વિશ્ર્વભરના ઇતિહાસકારો આ બાબત ને યાદ કરીને અકબરને વખોડે છે. પરંતુ આજે તો પેરુ, અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં પણ આસક્તી આ વેરિયન્ટ જોવા મળે છે. આજના નેતા સત્તારોહણ કર્યા બાદ પદના ગુલામ બની જાય છે. પોતાને મતદારોના મનોવિજ્ઞાનના જાદુગર સમજે છે. અને જાણે તેમના ખિસ્સામાં એક સાથે વિરાટ સમુદાય સમાય ગયો હોય તેવી ડંફાસ મારવામાં પણ તેઓ ચુકતા નથી અને જયારે ભૂંડી હાર પામે છે ત્યારે વિષાદગ્રસ્ત થઈને તેમના સમર્થકો પાસે રાષ્ટ્રીય સંપદાને નુકસાન કરે છે. રમખાણ મચાવે છે. વાતાવરણ તંગ કરે છે અને અંતમાં શાંતિની અપીલ કરતા બગલાની જેમ લોકોને હિંસા કરતા અટકાવે છે.
અમેરિકા, બ્રાઝિલ અને પેરુમાં ચૂંટણીના પરિણામ બાદ થયેલા હિંસક તોફાનો એ વાતનો પુરાવો છે કે પદના ચાકર બનેલા નેતાઓ નાના બાળકની જેમ પોતાની હાર પચાવવા માટે સક્ષમ નથી. આ રાજનેતાઓ લોર્ડ મેકોલેથી પણ ચાર પગથિયે નીચે ઊભા છે. મેકોલેએ બ્રિટિશ પાર્લામેન્ટને ભારતને ભણાવવા અંગે કહ્યું હતું કે અભણો પર રાજ કરવું એના કરતાં ભણેલાઓ પર રાજ કરવું વધારે સુગમ અને સરળ રહેશે. તેની તુલનામાં આજના રાજનેતાઓ પોતાની હારનું મૂલ્યાંકન કરવાને સ્થાને નિરક્ષરની જેમ જ્ઞાતિ-જાતિનું રાજકારણ રચે અને તેમની ગળચટ્ટી ઉશ્કેરણીનો ભોગ બનેલ મતદારો ગેરમાર્ગે દોરાય છે. જેના પ્રતાપે રાજકારણીઓ તેમના ખેલ ગોઠવીને બાજી પોતાના હાથમાં લઇ લે છે. તેમની પાસે કાગડાની જેમ ગુરુત્વાકર્ષણની અને સ્તુતિકર્ષણની મદદથી લોકોના વિચારને આંચકી લેવાની કળા છે! જો કે મતદારો દિલથી મત આપે છે, દિમાગથી નહિ પણ એ વાત ક્યાં કોઈ રાજનેતાઓ સ્વીકારે છે.
બ્રાઝિલ સાઉથ અમેરિકાનું એવું રાષ્ટ્ર છે. જે પુષ્કળ સંપદા ધરાવે છે પરંતુ રાષ્ટ્રમાં વસતાં નાગરિકોને ખબર જ નથી કે તે કેટલો મોટો ખજાનો લઈને બેઠા છે. બ્રાઝિલના નેતાઓ પણ સ્વ-વિકાસમાં રાચે છે. એટલે દેશના નાગરિકોને ખબર જ નથી કે તેમની કસ્તુરી તો રાજકારણીઓ પાસે કેદ થઈ ગઈ છે. ફુગાવો ફૂટશે નહીં અને તેમની ફૂટેલા કિસ્મત પર સોયદોરો નહીં લાગે એટલે ‘વિકાસ’ નામના શબ્દની ચર્ચા જ અસ્થાને છે. સ્થાન તો સત્તાનું છે. એટલે જ બ્રાઝિલ ‘બ્રિક્સ’માં જોડાયું, પરંતુ બ્રિક્સ રાજનેતાઓના સ્થૂળ વિચારોમાં ફિક્સ થઈ ગયું એટલે પાયમાલ થવું તો નિશ્ર્ચિત હતું.
આર્થિક મંદીની પકડમાંથી ભાગ્યે જ કોઈ દેશ બચી શક્યો હશે. પરંપરાગત અર્થવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા ધરાવતા કોઈ પણ દેશમાં જેમ મધ્યમવર્ગ બંને બાજુથી પીસાતો રહેતો હોય છે. એ જ રીતે વિકાસશીલ દેશ પણ વિકસિત દેશો અને અલ્પવિકસિત દેશોની વચ્ચે રહીને ઘણો ભાર અને ભીંસ વેઠતા હોય છે. બ્રિક્સ સંગઠન એવા પાંચ દેશોનો સમૂહ છે જે પાઠયપુસ્તકની વ્યાખ્યા મુજબ હજુ સુધી વિકાસશીલ દેશોની વ્યાખ્યામાં આવે છે.
બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ પાંચ દેશોના વડા દર વર્ષે એક ઠેકાણે મળે છે અને જાતભાતના એમઓયુ કરે છે. અત્યારે આ પાંચે દેશો આર્થિક મંદીના વાવાઝોડામાંથી પસાર થઈ રહ્યા છે. કલાસનો મોનીટર તેના મિત્રવિદ્યાર્થીનું ગૃહકાર્ય ન તપાસે અને ટીચરને સારો રિપોર્ટ આપે એવું જ કઇંક કામ બ્રિક્સની બેઠકોમાં થાય છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ જાહેરાત કરી હતી કે આગામી બ્રિક્સ સંમેલનમાં તેઓ બ્રાઝિલના આર્થિક વિકાસ પર ભાર મુકશે અને અર્થતંત્રને ઉર્ધ્વદિશા તરફ લઈ જશે પરંતુ ચૂંટણીમાં જે પરિણામ આવ્યું તેનાથી ખુદ બોલ્સોનારો પડી ભાંગ્યાૃ અને તેના હરીફ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા જંગી બહુમતીથી જીતી ગયા. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ એક સમયે લૂલાને દુનિયાના સૌથી લોકપ્રિય નેતા કહ્યા હતા. બ્રાઝિલની પ્રજા લૂલાને ભગવાન જેવા માને છે. લૂલા જીત્યા એટલે બોલ્સોનારો ઉશ્કેરાયા અને તેણે લૂલાનો વિરોધ કરવાનું અને ચૂંટણી પ્રક્રિયા સામે શંકા ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું.
પરિણામ જાહેર થયા બાદ મતદાનમાં ગોલમાલ થયા હોવાનો તેમજ ઇવીએમમાં ગરબડના આક્ષેપ કરી પોતાની હાર સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો. જોકે, તેમણે સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરની ખાતરી આપી, પરંતુ તેમની કથની અને કરણીમાં આવેલા પરિવર્તનની નોંધ વૈશ્ર્વિક મીડિયાએ લીધી હતી. લુલાએ પ્રમુખપદના શપથ લીધા. તેના એક સપ્તાહ પહેલાં બોલસોનારો બ્રાઝિલ છોડીને અમેરિકા જતા રહ્યા અને તેમના હજારો સમર્થકોએ રાજધાનીમાં પડાવ નાખ્યો હતો. મળસ્કે બોલસોનારો અમેરિકા પહોંચ્યા અને બ્રાઝિલમાં વિરોધની અગ્નિ પ્રજ્વલિત થઇ ગઈ. વિરોધ એટલો જ કે ‘લુલા પ્રમુખ કઈ રીતે બન્યા?’
બીજી સવારે હજારો કટ્ટરવાદી કાર્યકરોએ બ્રાઝિલની સુપ્રીમ કોર્ટ, સંસદ અને પ્રેસિડેન્શિયલ પેલેસ તેમજ સરકારી કચેરીઓમાં ઘૂસીને તોડફોડ કરી. આ તોફાનીઓએ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો તરફથી મળેલી ભેટ-સોગાદો અને બ્રાઝિલના વારસા સમા અમૂલ્ય ચિત્રો, શિલ્પો અને અન્ય કલાકૃતિઓનો પણ નાશ કર્યો. પેલેસની કાર્પેટને પણ આગ ચાંપી દીધી. કટ્ટરપંથી ગુંડાઓએ ઘોડેસવાર પોલીસોને પકડીને જમીન પર પછાડી દીધા. આ બનાવોનું કવરેજ કરી રહેલા આઠ પત્રકાર પર હુમલા કર્યા અને એક મહિલા પત્રકારને તો વાળ પકડીને ઢસડીને લઈ ગયા અને જાહેરમાં તેનો દેહ ભડાવ્યાં બાદ મહિલાની નિર્મમ હત્યા કરી નાંખી. આ ઘટનાથી સમગ્ર બાઝિલમાં હડકંપ મચી ગયો હતો. વિશ્ર્વમાં જેને ચોથી જાગીરનું બિરુદ મળ્યું છે તે પત્રકારો કવરેજ કરવા નીકળે અને તેની હત્યા થઈ જાય તો પત્રકારો સત્ય ક્યાંથી લાવશે?
એ સમયે તોફાનો અટકાવવામાં સુરક્ષા દળોની નિષ્ફળતા સામે ખુદ પ્રમુખ લુલાએ પણ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે ૨૪ કલાકમાં બોલસોનારો સમર્થકોને શોધીને જેલમાં કેદ કરવાનો આદેશ કર્યો. જોકે બોલસોનારોએ તો ઠાવકું મોઢું રાખીને આ તોફાનોને વખોડ્યાં પણ તેમના દોરીસંચાર વગર આ હદે પૂર્વયોજિત તોફાનો ન થઈ શકે તે સૌ જાણતા હતા. બોલસોનારો તેમના કટ્ટરવાદી અને સંકુચિત અભિગમ માટે જાણીતા છે. તેમનો ભૂતકાળ વિવાદોથી ખરડાયેલો છે.
૨૦૧૮ની ચૂંટણી તેઓ સોશિયલ લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે લડ્યા હતા પણ પ્રમુખ બન્યા બાદ તેમના અંતિમવાદી વલણ સામે પક્ષમાં આંતરિક વિરોધ થયો હતો. પ્રધાનમંડળના ત્રણ સભ્યોએ રાજીનામાં આપી દીધાં બાદ બોલસોનારો ક્ધઝર્વેટિવ લિબરલ પાર્ટીમાં જોડાઈ ગયા હતા. બોલસોનારો બ્રાઝિલના ટ્રમ્પ તરીકે ઓળખાય છે. ઇઝરાયલ સાથે પણ તેમના ગાઢ સંબંધો હતા. બોલસોનારો વડા પ્રધાન મોદીના પણ પ્રશંસક છે. મોદીએ બ્રાઝિલને કોરોના રસીના ૨૦ લાખ ડોઝ મોકલ્યા ત્યારે તેમણે લક્ષ્મણજી માટે પર્વત ઊંચકીને લઇ જતા હનુમાનજીનું ચિત્ર ટ્વિટ કરીને ભારતનો આભાર માન્યો હતો. રસીને તેમણે સંજીવની જડીબુટ્ટી ગણાવી હતી. મોદીની તેમણે આડકતરી રીતે હનુમાનજી સાથે તુલના કર્યા બાદ ભારતમાં પણ બોલસોનારોને મોટો ચાહક વર્ગ મળી ગયો હતો. બોલસોનારો પોતાની સરખામણી હિટલર સાથે કરે છે. તેઓ સમલૈંગિક લગ્નો, સજાતીય સંબંધો અને ગર્ભપાતના વિરોધી છે. ચૂંટણી પ્રચારમાં તેમણે ીઓને બાળકો પેદા કરવાનું મશીન ગણાવી હતી જે વૈશ્વિક ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
બ્રાઝિલમાં ૧૯૬૪થી ૧૯૮૫ના મિલિટરી શાસન વખતે લોકશાહીનાં મૂલ્યો અને માનવધિકારને વરેલા હજારોચળવળકારોને જેલમાં પૂરી અમાનવીય અત્યાચારો ગુજારાયા હતા. સેંકડો નિર્દોષોને ફાંસીના માંચડે લટકાવી દેવાયા હતા. બોલસોનારોએ તો આ મિલિટરી શાસનની બે મોંઢે પ્રશંસા કરી હતી. એટલે સમજી શકાય કે આવા આપખુદ શાસક હાર પચાવી ન શકે. અમેરિકા, બ્રાઝિલ અને પેરુ સહિતના પશ્ર્ચિમના દેશોમાં પ્રજામતને ન સ્વીકારવાનો ખતરનાક ટ્રેન્ડ શરૂ થયો છે. ટ્રમ્પ બાદ બોલસોનારોએ આ પરંપરાને આગળ ધપાવી છે.
બ્રાઝિલ આજે અંધાધૂંધીના યુગ ભણી ધપી રહ્યું છે. બ્રાઝિલના લોકો પરિવર્તન ઝંખે છે. તેમને ગરીબી અને બેરોજદારીમાંથી મુક્તિ જોઇએ છે. ત્યારે હવે નવા રાષ્ટ્રપ્રમુખ લૂલાની એક નાની સરખી ભૂલ પણ બોલસોનારોના સમર્થકોને ઉશ્કેરવા માટે નિમિત્ત બને તેમ છે. વિસ્તારની દૃષ્ટિએ દુનિયાના પાંચમા સ્થાને અને વસતિની સરખામણીમાં સાતમા નબંરે આવેલા બ્રાઝિલ સામે અનેક પડકારો છે. ત્યારે જોવાનું રહેશે કે ૭૭ વર્ષીય લૂલા પડકારોનો કેવી રીતે સામનો કરશે?