શ્રીલંકાના રાષ્ટ્રપતિભવન પર વિરોધીઓનો કબજો

દેશ વિદેશ

મોંઘવારી સામે જનતાનો આક્રોશ

અનેક સ્થળે હિંસામાં ભારે જાનહાનિનો ભય

રાષ્ટ્રપતિભવનનો કબજો: શ્રીલંકામાં મોંઘવારી અને અન્ય સમસ્યાથી ત્રાસેલી જનતાએ રાષ્ટ્રપતિભવનનો જ કબજો લઇ લીધો હતો. આર્થિક મુશ્કેલીમાં સપડાયેલા શ્રીલંકામાં અનેક સ્થળે ફાટી નીકળેલી હિંસામાં ભારે જાનહાનિ થઇ હતી. (એપી-પીટીઆઇ)

કોલંબો: શ્રીલંકામાં આર્થિક મંદી, ફુગાવા, મોંઘવારી અને રાજકીય અસ્થિરતાથી ત્રાહિમામ પોકારી ગયેલા સેંકડો લોકોએ શનિવારે રાષ્ટ્રપતિભવન તાબામાં લીધું હતું. વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાજીનામાની ઓફર કરી હતી. લોકો દીવાલો કૂદીને ભવનમાં ધસી ગયા હતા, પરંતુ ત્યાંના ફર્નિચર કે અન્ય સંપત્તિને નુકસાન કર્યું નહોતું. ‘ચલો કોલંબો’ના સૂત્ર સાથે સમગ્ર દેશમાંથી એકઠા થયેલા નાગરિકોએ રાષ્ટ્રપતિ રાજીનામું ન આપે ત્યારસુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. કેટલાક દિવસોથી ઉગ્ર બનતા જનાક્રોશનો અંદાજ આવતાં રાષ્ટ્રપતિ ગોટાબયા રાજાપક્સા શુક્રવારે જ નાસી ગયા હતા.
વિરોધ પ્રદર્શકોના ટોળાં પર નિયંત્રણ માટે પોલીસે વૉટર કૅનન્સના વપરાશ અને અશ્રુવાયુ છોડવા ઉપરાંત લાઠીમાર પણ કર્યો હતો. સમગ્ર શ્રીલંકામાં વ્યાપક ધોરણે રસ્તા પર ટોળાંના સૂત્રોચ્ચાર અને ઉગ્રતાને કારણે કેટલાક ઠેકાણે પોલીસ અને આંદોલનકારો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. અથડામણની ઘટનાઓમાં અનેક લોકો ઘાયલ થયા હતા. અથડામણોમાં જાનહાનિની શક્યતા પણ સત્તાવાર સૂત્રોએ દર્શાવી હતી. પરિસ્થિતિ અસહ્ય બનતાં સરકારની નિષ્ક્રિયતા અને અક્ષમતા સામે રોષ વ્યક્ત કરવા માટે નાગરિકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં ભૂતપૂર્વ ક્રિકેટર સનત જયસૂર્યા સહિત કેટલાક સાર્વજનિક જીવનના મહાનુભાવો પણ જોડાયા હતા.
સિક્યોરિટી અને બૅરિકેડ્સ તોડીને દોડી ગયેલા ધસમસતાં ટોળાંએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવીને ગોટાબયા રાજાપક્સાના રાષ્ટ્રપતિપદેથી રાજીનામાની માગણી કરી હતી. વિરોધ પ્રદર્શન શરૂ થયા પછી એકાદ કલાકમાં બે પોલીસ અધિકારીઓ અને ત્રીસેક નાગરિકો ઇજા પામ્યા હતા. ત્યારપછી પણ ઉગ્ર દેખાવો ચાલુ રહ્યા હતા. જનતાના હિંસક દેખાવોને પગલે ઊભી થયેલી કટોકટીની ચર્ચા માટે વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેએ તમામ રાજકીય પક્ષોના નેતાઓની તાકીદની બેઠક યોજી હતી. તેમણે સંસદની તાકીદની બેઠક યોજવા સ્પીકરને વિનંતીપત્ર મોકલ્યો હતો.
દેશના કૅન્ડી, ગેલે અને મતારા શહેરોના લોકોએ રેલવે સત્તાવાળાઓને કોલંબો તરફ ટ્રેનો દોડાવવાની ફરજ પાડી હતી. દેશના અનેક
પ્રાંતોમાંથી ભેગા થયેલા લોકોએ પાટનગર કોલંબોમાં દેખાવો કર્યા હતા. રાષ્ટ્રપતિભવન સહિત કોલંબોના અનેક વિસ્તારોમાં પોલીસ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને લશ્કરી દળોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નેગામો, કેલાનિયા, નુગેગોડા, માઉન્ટ લેવિનિયા, કોલંબો નોર્થ, કોલંબો સાઉથ અને કોલંબો સેન્ટ્રલ સહિત પશ્ર્ચિમ શ્રીલંકાના સાત પ્રાંતોમાં પોલીસે શુક્રવારે રાતે નવ વાગ્યાથી અનિશ્ર્ચિત મુદત માટે સંચારબંધી લાદી હતી. બાર એસોસિયેશન ઑફ શ્રીલંકાએ સંચારબંધીને ગેરકાયદે અને નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.