આંદોલનકારી ૩૬ વિદ્યાર્થી સામેના કેસ પાછા ખેંચાયા
મુંબઈ: જાન્યુઆરી, ૨૦૨૦માં દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ પર હુમલા બાદ મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે વિરોધ પ્રદર્શન કરનારા ૩૬ વિદ્યાર્થીઓ સામેના કેસ પાછા ખેંચવા પોલીસે કરેલી અરજી કોર્ટે મંજૂર કરી છે.
આરોપીઓએ કોઇ પણ અંગત હિત કે લાભ વિના કથિત કૃત્ય કર્યું હોવાનું પોલીસે અરજીમાં જણાવ્યું હતું. એસ્પ્લેનેડ કોર્ટના એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.વી. દિંડોકરે કેસ પાછો ખેંચવાની અરજી મંજૂર કરી હતી, જેનો આદેશ સોમવારે ઉપલબ્ધ થયો છે.
એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર ગૌતમ ગાયકવાડ મારફત કરાયેલી અરજીમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ કોઇ પણ અંગત હિત કે લાભ વિના વિરોધ તરીકે કથિત કૃત્ય કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન જાનને કે જાહેર માલમતાને કોઇ નુકસાન થયું નથી.
અરજીની છાનબીન બાદ કોર્ટે જણાવ્યું હતું કે કેસમાં આરોપો અને વાસ્તવિકતાઓ ધ્યાનમાં લેતાં અને કથિત કૃત્ય સામાજિક અને રાજકીય પ્રકારનું હોવાથી ફરિયાદ પક્ષ આ મામલામાં આગળ વધવા માગતો નથી અને કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. આથી તેમની અરજી મંજૂર કરાઇ છે અને કેસ પાછો ખેંચાયો હોવાથી તેનો નિકાલ કરવામાં આવે છે.
જાન્યુઆરી, ૨૦૨૦માં નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ) ખાતે હિંસાના વિરોધમાં મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે વિરોધ પ્રદર્શન કરવા મુંબઈની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. કોલાબા પોલીસે તપાસ કરી હતી અને ડિસેમ્બર, ૨૦૨૦માં ૩૬ જણ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
ચાર્જશીટમાં જણાવાયું હતું કે જેએનયુમાં વિદ્યાર્થીઓ સામે હિંસાના અહેવાલો બાદ ૫ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ મધરાતે ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે મોટી સંખ્યામાં લોકો હાથમાં મીણબત્તીઓ લઇ ભેગા થયા હતા. જોતજોતામાં દેખાવકારોની સંખ્યા ૪૦૦ પર પહોંચી હતી. તેમને આ જગ્યાએ વિરોધ કરવાની પરવાનગી નથી અને વિરોધ કરવો હોય તો તે માટે આઝાદ મેદાનમાં જગ્યા ફાળવાઇ છે, એવી જાણકારી અપાઇ હતી. આમ છતાં તેની અવગણના કરવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)