જામનગરમાં અગ્નીપથનો વિરોધ: હજારોની સંખ્યામાં યુવાનો એકઠા થયા, પોલીસનો હળવો લાઠીચાર્જ

આપણું ગુજરાત

સેનામાં ૪ વર્ષ માટે ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. દેશના અનેક શહેરોમાં રોષે ભરાયેલા યુવાનો તોડફોડ અને આગચંપી કરી જાહેર સંપતિને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ગુજરતમાં પણ અગ્નિપથના વિરોધની જ્વાળાઓ ફેલાઈ રહી છે. આજે જામનગર શહેરમાં ૧૧ જીલોમાંથી હજારોની સંખ્યામાં યુવાનો આર્મી કેમ્પ સામે યોજનાનો વિરોધ કરવા એકઠા થયા હતા. સ્થિતિ વણસે નહિ એટલે મોટા પ્રમાણમાં પોલીસકાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
ત્યારે યુવાનો અને પોલીસ વચ્ચે ટ્રાફિક જામ મુદ્દે થોડું ઘર્ષણ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. પોલીસ દ્વારા કેટલાક યુવાનો પર હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પોલીસે ૬ જેટલા યુવાનોની અટકાયત પણ કરી હતી. જોકે થોડા સમય બાદ તમામને છોડી મુકાયા હતા.
જામનગરમાં મોટી સંખ્યામાં યુવાનો અગ્નિપથ યોજનાનો વિરોધમાં કરવા શહેરના આર્મી કેમ્પ નજીક એકઠા થયા હતા અને યોજના વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જેને લઈ જામનગરના એસપી સહિત એલ.સી.બી, એસ.ઓ.જી સહિતનો પોલીસસ્ટાફ પ્રદર્શન સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. પોલીસે ખરાબ સ્થિતિને પહોંચી વળવા પાણીનો મારો ચલાવવા વોટર કેનન પણ મંગાવી રાખ્યા હતા.
સદભાગ્યે વિરોધ પ્રદર્શન એકંદરે શાંત રહ્યું. હાજર અધિકારીઓએ યુવાનોને સમજવાના પ્રયત્નો કર્યા હતા જે સફળ રહેતા વિરોધ પ્રદર્શન સમેટી લેવામાં આવ્યું છે. અધિકારીઓએ યુવાનોની રજૂઆત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડીશું એવી ખાતરી આપતા મામલો થાળે હાલ પુરતો પડ્યો હતો.
દેશમાં ‘અગ્નિપથ’ યોજનાના વિરોધમાં ઠેર-ઠેર હિંસક દેખાવો થઈ રહ્યા છે. હિંસાની આગ બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન પછી તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દિલ્હી સહિત 13 રાજ્યમાં પહોંચી હતી. આ રાજ્યોનાં ૪૦થી વધુ શહેરોમાં તોફાન થયાં છે તેમજ રેલવેટ્રેક અને સડકો જામ કરવામાં આવી હતી. ટ્રેન, બસ અને અન્ય વાહનો સળગાવી દેવામાં આવ્યા છે. ત્યારે આ હિંસક દેખાવો ગુજરાતને ચપેટમાં ના લે એ માટે તંત્ર સતર્ક થઇ ગયું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.