અગ્નિપથ યોજનાના વિરોધની અગ્નિ દેશ ભરમાં ફેલાઈ! ૧૧ રાજ્યોમાં હિંસક પ્રદર્શન, બેના મોત અનેક ઘાયલ

ટૉપ ન્યૂઝ

સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે લાવેલી અગ્નિપથ યોજનાના વિરોધની અગ્નિ દેશભરમાં ફેલાઈ ગઈ છે. દેશના જુદા જુદા ભાગોમાં યુવાનોના અક્રોશે હિંસકરૂપ ધારણ કર્યું છે.યુપી-બિહાર અને હરિયાણાથી શરુ થયેલા હિંસક પ્રદર્શનની લહેર તેલંગાણા સુધી ફેલાઈ ગઈ છે. અત્યાર સુધી બે યુવાનોના મોત થયા હોવાની જાણકારી મળી છે, જયારે અનેક ઘાયલ થયા છે.

દેખાવાકરો ખાસ કરીને ટ્રેનને નિશાન બનાવી રહ્યા છે. દેશના વિવિધ પ્રદેશોમાં ટ્રેન સળગવાના બનાવો સામે આવ્યા છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રદર્શનને કારણે દેશભરમાં લગભગ 200 ટ્રેનોને અસર થઇ છે. દેશભરમાં ૩૫ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 13 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. તેલંગાણા અને બિહારમાં હિંસક પ્રદર્શનમાં બે લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે, જયારે પોલીસ જવાન સહીત અનેક લોકો ઘાયલ થયા છે

આ દરમિયાન આર્મી અને એરફોર્સ દ્વારા એક મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. સેના પ્રમુખે કહ્યું છે કે બે દિવસમાં અગ્નિવીરોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે, ત્યારે ૨૪ જૂનથી એરફોર્સમાં અગ્નીવીરોની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત એર ચીફ માર્શલે કરી છે.

બિહાર, યુપી, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ અને રાજસ્થાન બાદ હવે તેલંગાણામાં પણ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. આજના રોજ તેલંગાણાના સિકંદરાબાદમાં ‘અગ્નિપથ’ના વિરોધ દરમિયાન એક યુવકનું મોત થયું હતું.૧૩ લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી છે. આજે સવારે જ મોટી સંખ્યામાં યુવા પ્રદર્શનકારીઓ સિકંદરાબાદના રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. આ દરમિયાન ટોળાએ ટ્રેનમાં તોડફોડ કરી હતી અને ટ્રેનને આગ ચાંપી દીધી હતી.દેખાવકારોએ પણ પથ્થરમારો શરૂ કર્યો, જેને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ગોળીબાર કરવાની ફરજ પડી હતી. ત્યાર બાદ રેલવે જીએમએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. રેલવેના જીએમના જણાવ્યા અનુસાર લગભગ 20 કરોડનું નુકસાન થયું છે.

બિહારના લખીસરાઈમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. સ્થાનિક મીડિયા અનુસાર, વિક્રમશિલા એક્સપ્રેસમાં આગ લાગવા દરમિયાન વ્યક્તિનું મોત થયું હતું. મૃતક આગની લપેટમાં આવી ગયો, જેના કારણે તેનું મૃત્યુ થયું છે.
બીજી તરફ અલીગઢમાં યમુના એક્સપ્રેસ વે પર પ્રદર્શનકારીઓએ કબજો કરી લીધો છે.

બિહારના સમસ્તીપુરમાં આજે સવારે દેખાવકારોએ જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવી દીધી, જેમાં ટ્રેનના બે ડબ્બાઓ બળીને રાખ થઈ ગયા હતા.

ઉત્તર પ્રદેશના બલિયા રેલવે સ્ટેશન પર યુવકોએ સફાઈ માટે માટે ઉભેલી ટ્રેનમાં આગ લગાવી દીધી, જેના કારણે તેનો એક ડબ્બો બળી ગયો હતો. અને અન્ય ડબ્બાઓમાં ભારે તોડફોડ કરાઈ હતી.

બગડતા વાતાવરણને જોતા દિલ્હીમાં સાવચેતીના પગલા તરીકે દિલ્હી ગેટ, જામા મસ્જિદ અને ITO મેટ્રો સ્ટેશનના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.


બિહારના બીજેપી પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલના બેતિયામાં આવેલા ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો.


અગ્નિપથ યોજનાના વિરોધને ધ્યાનમાં રાખીને, ગુરુગ્રામ જિલ્લામાં સાવચેતીના પગલા તરીકે કલમ 144 લાગુ કરવામાં આવી છે.બીજી તરફ હરિયાણા સરકારે ફરીદાબાદના બલ્લભગઢ સબ-ડિવિઝનમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. આગામી 24 કલાક સુધી સેવાઓ બંધ રહેશે.
સેનામાં માત્ર ચાર વર્ષ માટે ભરતી કરવાની નવી યોજનાને કેન્દ્ર સરકાર પછી ખેંચે એવી માંગ સાથે પ્રદર્શનો થઇ રહ્યા છે ત્યારે સરકાર પણ આ યોજના અંગે પીછેહઠ કરવા તૈયાર નથી જણાતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.