ભ્રષ્ટાચારના આરોપ છતાં ૨૦૦ અધિકારીને સસ્પેન્ડ નથી કરાયા: સૌથી વધુ ૬૦ નાગપુરના
યોગેશ સી. પટેલ
મુંબઈ: રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના જિલ્લા નાગપુરમાં જ કથિત ભ્રષ્ટાચારી સરકારી અધિકારી-કર્મચારીઓને રક્ષણ મળી રહ્યું હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે. મહારાષ્ટ્રના એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં રાજ્યના ૨૦૦થી વધુ અધિકારી-કર્મચારીને હજુ સસ્પેન્ડ જ કરાયા નથી અને આમાંથી ૬૦ અધિકારી તો માત્ર નાગપુરના હોવાની ચોંકાવનારી માહિતી હાથ લાગી છે.
સરકારી કચેરીમાં કામ કરી આપવા માટે કોઈ નાગરિક પાસેથી લાંચ માગવામાં આવે તો તેની ફરિયાદ એસીબીમાં કરવામાં આવે છે. એ સિવાય આવકના જ્ઞાત સ્રોત કરતાં વધુ મિલકત ધરાવતા સરકારી અધિકારી-કર્મચારી સામે પણ એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. આવા અધિકારીઓની ધરપકડ અથવા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યા પછી કેસને લગતી સંપૂર્ણ માહિતી સંબંધિત વિભાગને પૂરી પાડવામાં આવે છે. સંબંધિત વિભાગ દ્વારા આવા અધિકારી-કર્મચારી સામે ખાતાકીય પગલાં લેવામાં આવે છે. તપાસ ચાલતી હોવાથી મોટા ભાગે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે.
જોકે મળતી માહિતી અનુસાર એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોય તેવા ૨૦૨ અધિકારી-કર્મચારીને હજુ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. આમાં સૌથી વધુ નાગપુરના ૬૦, જ્યારે બીજા નંબરે મુંબઈના ૨૯ જણની નોંધ છે. મુંબઈમાં એસીબીની કાર્યવાહી છતાં કથિત ભ્રષ્ટાચારીઓને છાવરવામાં સુધરાઈ અવ્વલ હોવાનું જણાય છે. પાલિકાના ૧૬ અધિકારી સામે સસ્પેન્શનની કાર્યવાહી કરાઈ નથી. ત્યાર બાદ પોલીસ અને જેલ વિભાગના મળીને ચાર અધિકારીનો પણ આમાં સમાવેશ થાય છે. મ્હાડા અને એસઆરએ જેવા ગૃહ નિર્માણ વિભાગના ત્રણ અધિકારી સામે પણ સંબંધિત વિભાગે સસ્પેન્શનની કાર્યવાહી કરી ન હોવાનું જાણવા મળ્યું છે.
નાગપુરની વાત કરીએ તો શિક્ષણ અને રમતગમત વિભાગના ૧૫ અધિકારી-કર્મચારી સામે સસ્પેન્શનની કાર્યવાહી થઈ નથી. એ જ રીતે અમરાવતી અને ઔરંગાબાદમાં પ્રત્યેકી ૨૨ અને પછી થાણેમાં ૨૦ અધિકારી સામે સંબંધિત વિભાગે પગલાં લીધાં ન હોવાનું કહેવાય છે.
એસીબીના એક અધિકારીના કહેવા મુજબ આવાં પ્રકરણોમાં જે અધિકારી સામે ગુનો નોંધાય અથવા કોઈ કાર્યવાહી કરવામાં આવે તો તેના કેસની લગતી માહિતી સંબંધિત વિભાગમાં પહોંચાડવામાં આવે છે. ત્યાર બાદ ખાતાકીય પગલાં લેવાનું કામ જે તે વિભાગનું છે.